Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

કેશોદ એરપોર્ટ આંતરરાષ્‍ટ્રીય કક્ષાનું બનાવવા વહીવટી તંત્ર દ્વારા સર્વેક્ષણ કામગીરી

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ : ધારાસભાની સામાન્‍ય ચુંટણીમાં જુનાગઢ પ્રચારાર્થે આવેલાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા જાહેર કરવામાં આવેલ કે કેશોદ એરપોર્ટનો વિકાસ કરી આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બનાવી પ્રવાસન ક્ષેત્રે અને ટ્રાન્‍સપોર્ટેશન ક્ષેત્રે વિકાસનાં દ્વાર ખોલવાનું વચન આપ્‍યું હતુ. એ મુજબ તાજેતરમાં કેશોદ ખાતે ગુજસેલ નાં મેનેજીંગ ડાયરેકટર, રેવન્‍યુ વિભાગના અધિકારીઓ અને ડીએલઆરઆઈનાં અધિકારીઓ ની સર્વેક્ષણ બેઠક મળી હતી. જેમાં સંભવિત પાસાઓનું ચર્ચા વિચારણા કરી પ્રાથમિક આયોજન કરવામાં આવ્‍યું હતુ.ᅠ

દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનું સ્‍વપ્‍ન છે કે સૌરાષ્ટ્રની પ્રખ્‍યાત કેસર કેરી દેશ વિદેશમાં હવાઈમાર્ગે પહોંચે અને કાઠીયાવાડ ની સુગંધ પ્રસરાવે જે સાકાર થવા જઈ રહ્યું છે ત્‍યારે સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે. કેશોદ એરપોર્ટ તાજેતરમાં વીએફઆર કેટેગરીમાં આવે છે જે નજીકના ભવિષ્‍યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનવા જઈ રહ્યું છે ત્‍યારે કેશોદ નગરપાલિકામાં ટાઉન પ્‍લાનર તરીકે સરકાર દ્વારા એન્‍જિનિયર તરીકે નિમણૂંક આપવામાં આવી હતી. જેમાં ગણતરીના કલાકોમાં હાજર થયાં બાદ બદલી કરવામાં આવતાં પ્રજાનાં ચુંટાયેલા પ્રતિનિધિઓ વિકાસ આડે રોળા નાંખી રહ્યાનું સ્‍પષ્ટપણે બહાર આવ્‍યું છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનું સ્‍વપ્‍ન સાકાર કરવા જવાબદાર તંત્ર રાજકીય આગેવાનોની બુદ્ધિમત્તાનો ઉપયોગ કર્યા વગર કાર્યવાહી હાથ ધરશે તો વહેલાસર નક્કર કાર્યવાહી કરી શકાશે.

કેશોદ એરપોર્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનવાથી સાસણગીર સિંહ દર્શન, સોમનાથ જયોતિર્લિંગ દર્શન,ગરવા ગિરનાર દર્શન માટે પ્રવાસીઓ ની આવજા વધી જવાથી કેશોદ શહેરનો સર્વાંગી વિકાસ થવાની સંભાવના વધી રહી છે. કેશોદ શહેરમાં આવેલ નવાબી કાળનું એરપોર્ટ લાંબા સમયથી બંધ હાલતમાં હતું ત્‍યારે ચાલું કરવા માટે કેશોદ શહેરનાં આગેવાનો, સામાજિક સંસ્‍થાઓ અને જ્ઞાતિના આગેવાનો તેમજ વેપારી સંગઠનોને લેખિતમાં રજૂઆત કરવા જવાબદાર તંત્ર દ્વારા એકઠાં કરવામાં આવતાં હતાં ત્‍યારે આટલાં મોટાં ખુશીનાં સમાચાર અને સર્વેક્ષણ બેઠક મળી હતી જેનાથી નગરશ્રેષ્ઠીઓ અજાણ હોય ગણગણાટ શરૂ થયો છે.

કેશોદ એરપોર્ટ ભૌગોલિક દ્રષ્ટિએ પણ મહત્‍વપૂર્ણ માનવામાં આવે છે કારણકે કેશોદ ની જમીન રકાબી આકારમાં હોય પડોશી દેશો પોતાના રડારમાં જોઈ શકતાં નથી જેનાં કારણે અગાઉ યુદ્ધ દરમિયાન કેશોદ એરપોર્ટ વાયુસેના માટે ઉપયોગી સાબિત થયું હતું. કેશોદ એરપોર્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બનવા જઈ રહ્યું છે ત્‍યારે વહીવટી તંત્ર દ્વારા પ્રાથમિક સર્વેક્ષણ બાદ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવશે નજીકના ભવિષ્‍યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનાં એરપોર્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે એવું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્‍યું છે.

(10:38 am IST)