Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

માવઠાની સંભાવના વચ્‍ચે સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં બીજે દિ' ચિંતાના વાદળા

બે-ત્રણ દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહીથી ખેડૂતો ભારે ચિંતીત

રાજકોટ તા. ૧૩ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં ગઇકાલ રવિવારથી વાદળછાયુ વાતાવરણ છવાયું છે જે આજે સતત બીજા દિવસે યથાવત રહેતા ખેડૂતોમાં ચિંતા વ્‍યાપી ગઇ છે. હવામાન વિભાગ દ્વારા આજથી બે-ત્રણ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. જેથી શિયાળુ પાકને નુકસાન થવાની સંભાવના છે.

જૂનાગઢ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ : કમોસમી વરસાદની સંભાવના વચ્‍ચે જૂનાગઢ સહિત સોરઠભરમાં સવારથી વાદળીયુ વાતાવરણ રહેતા જગતનો તાત ચિંતીત બન્‍યો છે.

આજે અને આવતીકાલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્‍યારે આજે સવારે જૂનાગઢ સહિતના વિસ્‍તારોના આકાશમાં વાદળા છવાય ગયા હતા.

વાદળાના આક્રમણથી સૂર્યનારાયણ પણ દર્શન આપી શકયા ન હતા. વાતારણમાં આવેલા પલ્‍ટાના પગલે સવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન ૨૧.૮ ડિગ્રી રહ્યું હતું. જ્‍યારે ગિરનાર ઉપર ૧૬.૮ ડિગ્રીએ પારો સ્‍થિર થયો હતો. સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૦ ટકા રહેલ અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.૩ કિમીની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : લઘુત્તમ તાપમાન ૧૯.૬ ડિગ્રી, મહત્તમ ૩૪ ડિગ્રી, હવામાં ભેજ ૬૭ ટકા, પવનની ઝડપ ૬.૨ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

તા. ૧૪ થી ૧૭ માર્ચ વરસાદી વાતાવરણ માવઠાની આગાહી હોવાથી આજે તા. ૧૩ સવારે ૯ વાગ્‍યાથી લસણ, મગફળી, ઘઉં અને બાચકાની આવક નવી જાહેર ન થાય ત્‍યાં સુધી સદંતર બંધ કરવામાં આવશે જેની સર્વે લાગતા વળગતાઓએ ખાસ નોંધ લેવા હાપા એપીએમસીની યાદીમાં જણાવાયું છે.

તા. ૧૪ થી ૧૭ માર્ચ વરસાદી વાતાવરણ માવઠાની આગાહી હોવાથી શનિવારથી ધાણાની આવક બંધ કરવામાં આવી છે.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૧૩ માર્ચ,૨૦૨૩ને સોમવારના રોજ  અમરેલી જિલ્લામાં કમોસમી માવઠું, સામાન્‍ય વરસાદ થવાની આગાહી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે મોટા ભાગે ખેડૂતો દ્વારા પાકના રક્ષણ માટે ઉચિત પગલા લેવામાં આવતા જ હોય છે તેમ છતાં તકેદારીના યોગ્‍ય પગલાઓ ભરવા જિલ્લાના ખેડૂતોને અમરેલી જિલ્લા આપત્તિ વ્‍યવસ્‍થાપન તંત્ર દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્‍યો છે.  એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી  સાવચેતીના આગોતરાં પગલા લેવા અનુરોધ છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા જરુરી છે. એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા આપત્તિ વ્‍યવસ્‍થાપન તંત્ર, અમરેલીના મામલતદારે યાદીમાં જણાવ્‍યું છે

જૂનાગઢ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં તા.૧૩ અને ૧૪ માર્ચના કમોસમી વરસાદની સંભાવના હોય ખેડૂતો એ  રાખવાની થતી કાળજીની માર્ગદર્શીકા જિલ્લ પંચાયત ખેતીવાડી શાખા દ્વારા બહાર પાડવામાં આવી છે.        

ભારત મૌસમ વિભાગ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્‍ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જીલ્લાઓમાં તારીખ તા.૧૩ થી તા.૧૪ સુધી કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. જેને ધ્‍યાને લઇ ખેડૂતોએ કાળજી રાખવી જરૂરી છે ઘાસચારો વિગેરે પણ ગોડાઉનમાં સલામત સ્‍થળે રાખવો અથવા તાડપત્રી ઢાંકીને રાખવો અને તાડપત્રી હાથવગી રાખવી વેચાણ અર્થે એપીએમસી અથવા ખરીદ કેન્‍દ્ર ખાતે લઈ જવાતી ખેત જણસી ઢાંકીને લઈ જવી એપીએમસીમાં રહેલ ખેત જણસીઓ સલામત સ્‍થળે ગોડાઉનમાં રાખવા વેપારી મિત્રોને  અનુરોધ છે. પશુઓ માટેના ઢાળિયા કે કાચા શેડ વ્‍યવસ્‍થિત રાખવા ખેતી ઇનપુટ એટલે કે બિયારણ ખાતર વગેરેનો જથ્‍થો પણ સલામત સ્‍થળે સુરક્ષિત ગોડાઉનમાં રાખવા અખબારી યાદીમાં જણાવાયું છે.

(11:14 am IST)