Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

ઓખામંડળના વાઘેરોએ રાષ્ટ્રની આઝાદી માટે બલિદાનો આપ્યા છે તે વિસ્મરણીય છેઃ રામભાઇ મોકરીયા

દ્વારકા ખાતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી રાજયસભાના સાંસદની ઉપસ્થિતિમાં

દેવભૂમિ દ્વારકા તા.૧૩: ભારતની આઝાદીના ૭પ વર્ષની ઉજવણીના અવસરે 'આઝાદીકા અમૃત મહોત્સવ'ની ઉજવણીનો અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા આહિર સમાજ વાડી ખાતેથી રાજયસભાના સાંસદશ્રી રામભાઇ મોકરીયાએ દિપ પ્રાગટય કરી આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.

દ્વારકા ખાતે આયોજિત મહોત્સવને સંબોધન કરતા રાજયસભા સાંસદશ્રી રામભાઇ મોકરીયાએ જણાવ્યું હતું કે, ભારતની આઝાદી માટે અનેક વિરલાઓએ પોતાના બલિદાનોને આપ્યા છે. ૭૫ વર્ષની ભવ્ય ઉજવણીથી તેમના બલિદાનો-સ્વાભિમાનની ગાથાથી આવનારી પેઢી સંસ્કારિત-પ્રેરિત થશે. રાષ્ટ્રની પ્રગતિ-વિકાસમાં યોગદાન આપનારા વ્યકિતત્વોના વારસાને યાદ કરીને આઝાદીના ૭૫ વર્ષમાં ભારત કયા પહોચ્યું અને આગામી ૨૫ વર્ષમાં વિશ્વગુરૂ બનાવવાના લક્ષ્ય સાથે ભવ્ય ભારતના નિર્માણ માટે સૌને કટિબધ્ધ થવાની હિમાયત કરી હતી. આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીને યાદગાર બનાવવા માટે ૭૫ સપ્તાહ સુધી દેશભકિતસભર કાર્યક્રમો યોજાશે. ૧૮૫૭ની વાધેર ક્રાન્તીની વાતો કરી કહયું હતુ કે વાધેર ક્રાંતિની થીમ ઉજવણીમાં કેન્દ્ર સ્થાને છે ત્યારે આપ સૌ જાણો છો તેમ વાધેરોએ રાષ્ટ્રની આઝાદી માટે બલિદાનો આપ્યા છે તે વિસ્મરણીય છે, દેશદાઝથી થનગનતા વાદ્યેર અગ્રણીઓ, ઓધ્ધાઓ, વિરલાઓએ ગુલામ ભારતને મુકત કરવા શૌર્યના દર્શન કરાવ્યા છે જે ભારતના અનેક સુવર્ણ પૃષ્ઠોની જેમ જ સુવર્ણ પૃષ્ઠ, સુવર્ણ કથા છે જે આજે પણ આપણને સૌને રાષ્ટ્રભકિત માટે પ્રેરીત કરે છે જે માટે ઓખામંડળ સહિત સમગ્ર રાષ્ટ્ર ગૌરવ અનુભવે છે.

આ તકે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટરશ્રી ડો.નરેન્દ્રકુમાર મીના, દ્વારકા નગરપાલિકાના પ્રમુખશ્રી જયોતિબેન સામાણી, ઓખા નગરપાલિકાના પ્રમુખશ્રી ચેતભા માણેક અને ભાજપ આગેવાનશ્રી સહદેવસિંહ માણેક દ્વારા પ્રારંભિક પ્રવચનો કરવામાં આવ્યા હતા.

આ વેળાએ ઉપસ્થિત સૌએ વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. તેમજ બાળકો દ્વારા સાંસ્કૃતિ રાસ અને વાધેર સમાજ દ્વારા મણીયારા રાસ રજુ કરવામાં આવ્યા હતા.   

આ પ્રસંગે  જિલ્લા પોલીસ વડાશ્રી સુનિલ જોષી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે.જાડેજા, દ્વારકા પ્રાંત અધિકારીશ્રી સંજયભાઇ કેશવાલ, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી ભાવેશ રાવલીયા, દ્વારકા નગરપાલિકાના ચિફઓફિસરશ્રી ડુડીયા, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ભાજપના આગેવાનો સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:36 am IST)