Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

સિંહના શિકારનું આંતરરાજય કનેકશન?

લોકડાઉન વખતે ડુંગરપુરમાં સિંહબાળનો શિકાર કરી પાંચ શખ્‍સોએ નખ વેચી મારનાર ૫ દિવસના રિમાન્‍ડ ઉપર

(વિનુ જોષી) જૂનાગઢ, તા. ૧૩ : તાજેતરમાં પ્રાંચી વિસ્‍તારમાંથી સિંહની શિકારી ટોળકી પકડાયા બાદ સિંહના શિકારનું આંતરરાજય કનેકશન હોવાની શંકા દૃઢ બની છે. જૂનાગઢના ડુંગરપુર પાસે લોકડાઉન વખતે પાંચ શિકારીઓએ હાંસલા દ્વારા સિંહ બાળનો શિકાર કરી તેના નખ પાલનપુરમાં વેચી માર્યા હોવાનું ખુલતા વન તંત્ર ઉંધા માથે થયુ છે. સૂત્રાપાડાના પ્રાંચી - ખાંભા વિસ્‍તારમાં ફાંસલામાં સિંહ બાળ આવી ગયા બાદ સિંહણે હુમલો કર્યાની ઘટના પ્રકાશમાં આવતા વનવિભાગે શંકાસ્‍પદોની અટકાયત કરી હતી.

પૂછપરછમાં ગીરનાર જંગલ નજીક આવેલ ડુંગરપુર ખાતેથી પકડાયેલ સોનૈયા ગુલાબો અગાઉ એક સિંહનો શિકાર કર્યાની કબૂલાત કરી હતી.

જેમાં વિજય પરમાર, સુલેમાન ગોપી પરમાર, થાનગઢનો લાલજી ગંગા પરમાર અને જીવણસિંહ લાલજી પરમારને ઝડપી લઈ પૂછપરછ કરતા આ શખ્‍સોએ લોકડાઉનના સમયમાં ડુંગરપુર નજીક ફાંસલામાં સિંહ બાળને ફસાવી તેની હત્‍યા કરી અને નખ કાઢી લઈ પાલનપુર ખાતે વેચી નાખ્‍યા હોવાનો ઘટસ્‍ફોટ થયો હતો.

આ શખ્‍સોને વન વિભાગે આગામી તા.૧૭ સુધી પાંચ દિવસના રીમાન્‍ડ પર મેળવ્‍યા છે અને તમામ ઈસમોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. રીમાન્‍ડના પગલે આ શખ્‍સોને સાથે રાખીને વન વિભાગે પાલનપુર, અમદાવાદ, થાનગઢ, ડુંગરપુર, જેતપુર, વાંકાનેર સહિતના સ્‍થળોએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પકડાયેલા આ શિકારીઓના મોબાઈલ નંબરોના આધારે આરોપીઓ આંતર જીલ્લ તથા આંતર રાજયમાં વન્‍ય પ્રાણીઓના ગુનેગારો સાથે સંકળાયેલા હોવાના વન વિભાગના અનુમાન પરથી સિંહ શિકારનું આંતરરાજય કનેકશન હોવાની શકયતા નકારી શકાતી નથી.

(1:34 pm IST)