Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

જીવાપરની ફેકટરીના ટ્રકમાંથી ખિલાસરી ચોરી લેવાનો કારસોઃ એસઓજીએ ત્રણને પકડ્યા

મોડી રાત્રે ગોલમાલ થતી'તી ત્યાં જ દરોડોઃ શિવશકિત હોટેલના સંચાલક નવદિપસિંહ, ટ્રક ડ્રાઇવર મોહનરામ અને કલીનર ગોરધનરામની ધરપકડઃ એક ડ્રાઇવર ભાગી ગયો : ડ્રાઇવર-કલીનર ટ્રકને ઓખા લઇ જવાના બદલે હડાળાની હોટેલ પાછળ લઇ ગયાઃ રાત્રે સવા બે વાગ્યે દરોડો

રાજકોટ તા. ૧૩: ચોટીલાના જીવાપરની કંપનીમાંથી ૨૫,૩૩,૫૭૫ની કોટીંગ કરેલી ખિલાસરી ઓખાની કંપનીને પહોંચાડવાને બદલે ટ્રક ડ્રાઇવર, કલીનરે હડાળા પાસે શિવશકિત હોટેલ પાછળ ટ્રક લઇ જઇ તેમાંથી ખિલાસરીની ચોરી કરતાં તે વખતે રાજકોટ એસઓજીની ટીમ ત્રાટકતાં હોટેલ માલિક અને ટ્રક ચાલક, કલીનર સહિત ત્રણને પકડી લીધા હતાં. અન્ય એક ડ્રાઇવર ભાગી ગયો હોઇ તેની શોધખોળ થઇ રહી છે.

બનાવ અંગે એસઓજીની ટીમે કુવાડવા રોડ પોલીસ મથકમાં ચોટીલાના જીવાપરમાં આવેલી યુરો કાસ્ટીંગ પ્રોડકટ ફેકટરીમાં  ટેકનિકલ હેડ તરીકે નોકરી કરતાં મુળ ઝારખંડના બીરસાનગરના રવિશંકર મથુરાપ્રસાદ (ઉ.૪૭)ની ફરિયાદ પરથી આણંદપર બાઘીના વતની અને હડાળાના પાટીયા પાસે શિવશકિત હોટેલ ધરાવતાં નવદિપસિંહ નારણભાઇ ડોડીયા (ઉ.૪૨), રાજસ્થાન બાડમેરના ટ્રક ડ્રાઇવર મોહનરામ ડાલુરામ જાટ (ઉ.૨૧) અને બાડમેર સનાવડા જાખરોકીધાની ગામના ગોરધનરામ હરજીરામ જાટ (ઉ.૨૦) તથા ટ્રક નં. જીજે૧૨એઝેડ-૯૨૯૯ના ચાલક સરદારજી અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૭, ૩૭૯, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરાવડાવી નવદિપસિંહ, મોહનરામ અને ગોરધનરામની ધરપકડ કરી છે.  

રવિશંકર પ્રસાદે ફરિયાદમાં જણાવ્યું છે કે હું પંદર વર્ષથી ગુજરાતમાં રહુ છુ અને યુરો કાસ્ટીંગની જુદા-જુદા શહેરોની બ્રાંચમાં નોકરી કરુ છું. બે વર્ષથી જીવાપરમાં નોકરી કરુ છું. અમારી કંપની મોટા બાંધકામમાં વપરાતા લોખંડની ખિલાસરીના સળીયામાં ઇપોક્ષી કોટીંગનું કામ કરે છે. જેના કારણે લોખંડના સળીયામાં વર્ષો સુધી કાટ લાગતો નથી. કંપનીના માલિક અશોકભાઇ પુંજ છે જે મુંબઇના છે. અમારી કંપની તરફથી જુદી-જુદી બાંધકામ કંપનીઓના સળીયાને કોટીંગ કરવાનો કોન્ટ્રાકટ રખાય છે. છેલ્લા ચાર-પાંચ મહિનાથી ઓખાની એસપી. સિંગલા કન્સ્ટ્રકશન પ્રા.લિ. કંપનીના સળીયાને કોટીંગ કરવાનો કોન્ટ્રાકટ રખાયો છે. આ કંપનીના કુલ રૂ. ૨૩,૫૫,૫૭૫ની કિંમતના ૪૯,૯૬૦ કવીન્ટલ વજનના કોટીંગ કરેલા સળીયા-ખિલાસરી તા. ૧૧-૨ના રોજ ઓખા લઇ જવા માટે ચિઠ્ઠી બનાવી ટ્રકના ડ્રાઇવર મોહનરામ જાટ અને કલીનર ગોરધનરામ જાટને કામ સોંપાયું હતું.

ટ્રક નં. જીજે૧૨બીટી-૮૩૯૯નું બામણબોર જીઆઇડીસી ખાતે વજન કરાવાયું હતું. બાદમાં આ ટ્રક ગઇકાલે ૧૨મીએ ઓખા  (દેવભુમી દ્વારકા) લઇ જવા રવાના કરાયું હતું. પરંતુ રાત્રીના બે સવા બે વાગ્યે રાજકોટ એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં નીકળી ત્યારે હડાળાના પાટીયે શિવશકિત હોટેલ પાછળ ખિલાસરી સાથેના આ ટ્રકમાંથી ખિલાસરી કાઢવામાં આવી રહ્યાની જાણ થતાં ટીમ ત્યાં પહોંચતા એક સરદારજી ભાગી ગયા હતાં. હોટેલ માલિક નવદિપસિંહ તથા ટ્રક ડ્રાઇવર કલીનર મોહનરામ અને ગોરધનરામને પકડી લેવાયા હતાં. નવદીપસિંહની સાથે મળી ડ્રાઇવરો-કલીનર ખીલાસરી ચોરી કરતાં હતાં ત્યારે જ એસઓજીએ પકડી લીધાની જાણ થતાં અમે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ કમિશ્નર, જોઇન્ટ પોલીસ કમિશ્નર, ડીસીપી ઝોન-૧, ૨ તથા એસીપી જયદિપસિંહ સરવૈયાની સુચના અને પી.આઇ. આર. વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ ઓ. પી. સિસોદીયા, એચ. એમ. રાણા, મોહિતસિંહ જાડેજા સહિતની ટીમ રાત્રે પેટ્રોલીંગમાં નીકળી ત્યારે બાતમી પરથી ખિલાસરી ચોરીનું આ કારસ્તાન પકડાયું હતું. ખિલાસરી ઓખા ખાતે પહોંચાડવાને બદલે વચ્ચે હડાળામાં હોટેલ પાછળ ટ્રક લઇ જઇ તેમાંથી ખિલાસરી ચોરવામાં આવી રહી હતી ત્યારે જ પોલીસ પહોંચી હતી. હેડકોન્સ. મોહિતસિંહ જાડેજા વધુ તપાસ કરે છે. 

(3:38 pm IST)