Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

પ્રભાસપાટણ સ્વામિનારાયણ ગુરૂકુળમાં ઉર્જા ઉત્સવ-૨૦૧૯ કાર્યક્રમ સંપન્ન

પ્રભાસપાટણ તા.૧૩: ગુજરાત સરકારના કલાઇમેન્ટ ચેન્જ વિભાગ ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી તથા શ્રી ધર્મભકિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર-સોમનાથ દ્વારા પ્રભાસપાટણ ખાતે સ્વામીનારાયણ ગુરૂકુળ બાલઉર્જા રક્ષકદળ અંતર્ગત ઉર્જા ઉત્સવ કાર્યક્રમ ૨૦૧૯ યોજવામાં આવેલ.

આજનાં ટેકનોલોજી યુગમાં ઉર્જાનો ઉપયોગ દિન-પ્રતિદિન વધતો જાય છે. આ કાર્યક્રમ દ્વારા બાળકો નાનપણથી અભ્યાસ કામ દરમ્યાન ઉર્જા અને પર્યાવરણ સંરક્ષણ, કલાઇમેટ ચેન્જ ગ્લોબલ વોર્મિંગ જેવા ખતરા પ્રત્યે જાગૃત અને કોન્સીયસ બને ઉર્જાનો કાર્યક્ષમ અને વિવેકપૂર્વક ઉપયોગ કરતા થાય ખાસ કરીને પુનઃપ્રાપ્ત / હરિત ઉર્જા જેવા વૈકલ્પિક સ્ત્રોત વિષે બાળકો જાણે હાલ બજારમાં ઉપલબ્ધ સાધનો- સરકારી યોજનાઓ વધારેમાં વધારે લાભ લઇ બિન-પ્રદુષિત ફ્રી ઉર્જા જેવી કે સોલાર, પવન, બાયોગેસ વગેરે ઉર્જાનો વધારેમાં વધારે ઉપયોગ કરતા થાય ઉર્જા બચત અને કાર્યક્રમ ઉપકરણોનાં ઉપયોગ દ્વારા ઉર્જાની કટોકટી ઘણા અંશે નિવારી શકાય તેવા શુભ આશયથી યોજાયેલો હતો.

લોકવિજ્ઞાન કેન્દ્ર ગીર-સોમનાથ દ્વારા જુદી-જુદી સ્પર્ધાઓ જેવી કે ઉર્જા નિબંધ સ્પર્ધા, ઉર્જા કવીઝ, ઉર્જા સંગીત ખુરશી, ઉર્જા ચિત્ર સ્પર્ધા, ઉર્જા વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. તેમજ પોસ્ટર નિદર્શન યોજવામાં આવેલ હતું.

આ તકે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા તેજસભાઇ મહેતા /ભાવેશભાઇ મહેતા અને શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જુનાગઢના કો. ઓર્ડિનેટર પ્રતાપસિંહ ઓરાનું શ્રી ધર્મ ભકિત લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવેલ.

આ તકે જિલ્લા પ્રા.શિ. અધિકારી ડો. એમ.આર. સગારકા, શા.સ્વા. ભકિતપ્રકાશ દાસજી (ચેરમેન), ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા, સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી જે.ડી. પરમાર, નિવૃત જિ.શિ.અ. અમદાવાદ પી.ટી.પંડયા, ડી.ઇ.ઓ. ગીર-સોમનાથ હરેશભાઇ રાઠોડ, જિલ્લા કોળી સમાજનાં પ્રમુખ કાનાભાઇ ગઢીયા, જિ.શિ. સંઘના પ્રમુખ રામસીભાઇ પંપાણીયા, રામભાઇ સોલંકી, દિનેશભાઇ વાજા, ચંદુભાઇ દામાણી, ચંન્દ્રપ્રકાશ ભટ્ટ, ડો. આર.ડી. સાવલીયા, ઉપેન્દ્ર કોદાળા સહિતનાં મહાનુભાવોએ હાજરી આપી પ્રેરક પ્રવચનો કરેલા.

કાર્યક્રમનું સંચાલન ભાવેશભાઇ મહેતા, પ્રતાપભાઇ ઓરા, વિજયભાઇ કોટડીયા અને કો.ઓર્ડિનેટર નરેશભાઇ ગુંદરણીયા દ્વારા કરવામાં આવેલ.(૧.૩)

(9:32 am IST)