Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

મોરબીના ઉદ્યોગપતિ જીજ્ઞેશ પાડલીયા કહે છે કે, પુત્રના અપહરણમાં સામેલ કોઇ શખ્સને હુ ઓળખતો નથી!

માસૂમ દેવનું અપહરણ એ દરેક મા-બાપ માટે લાલબતી સમાનઃ વધુ સાવચેત બનવાના સંદેશા સમાન

મોરબી તા. ૧ર :.. મોરબીના માસુમ દેવ પાડવલીયાના અપહરણ અને હેમખેમ છૂટકારા બાદ સૌએ રાહતનો શ્વાસ ખેંચ્યો છે. ત્યારે અપહૃત બાળકના પિતા ઉદ્યોગપતિ જીજ્ઞેશ પાડલીયાએ પત્રકારો સાથેની વાતચીતમાં તેના પુત્રના અપહરણમાં સામેલ કોઇ શખ્સને ઓળખતો ન હોવાની સ્પષ્ટતા કરી હતી.  આના પરથી એ ફલીત થાય છે કે, દરેક માતા-પિતાએ પોતાના બાળકના સલામતી માટે સચેત રહેવું જોઇએ.

 શહેરમાં આપણા વિસ્તારોમાં બાળકોને ઉઠાવી જનાર ઉઠાવગીર ગેંગ આવી ચડયાની ચર્ચાઓ સાંભળવા મળે છે. તો વળી કોઇ શહેરના (થોડા સમય પૂર્વે મોરબીમાં) વળી બાળકને કોઇ હરામી બાઇ કે ભાઇ ઉપાડીને ભાગ્યો હતો અને લોકો તેની પાછળ પડતાં તે બાળક મુકી ભાગી છૂટયાની વાતો પણ સાંભળવામાં આવે છે.

ભારત સરકારના બાળ વિભાગ અને બાળકો માટે કામ કરતી સંસ્થાઓ દ્વારા દેશમાંથી દર વર્ષે કેટલા બાળકોના અપહરણ થતા હોવાના અને આવા બાળકોને વેંચી નાખવા ઉપરાંત તેને ભીક્ષાવૃતિમાં ધકેલવાના, તેની પાસે કાળી મજૂરી કરાવવાના અને કયારેક તો તેના કુમળા અંગો વાઢી નાખી તેને કદરૂપા બનાવી જાહેર રસ્તાઓ પર રઝળતા કરી ભીખ મંગાવવાના બનાવો પણ બનતા હોવાનું હવે લોકોથી અજાણ નથી.

ખાસ કરીને ૧ થી ૧૦ વર્ષના બાળકનું મગજ બહુ કુમળુ હોય છે. કોઇ પણ અજાણી વ્યકિત બે વખત તેનો એકાંત જોઇને તેની સામે હંસે અને પછી ગલ્લી તલ્લી ભાષામાં માત્ર ચોકલેટની લાલચ આપે તો બાળકોને મોટા ભાગના બાળકોને ભરમાતા, ભોળવતા અને તેના તરફી વિશ્વાસ કરતા વાર નથી લાગતી, અને સમાજના શૈતાનો, હરામીઓ, ઉઠાવગીરો માટે આ મોટામાં મોટો બાળકોને ઉપાડી જવાનો કીમીયો છે.

અને આવા ઉઠાવગીર શૈતાનોને કારણે આજે આ દેશમાં અનેક ઘરોના કહેવાતા સંતાનરૂપી ચિરાગના ઉઠાવી ગયા બાદ વર્ષોથી તે ઘરમાં માયુસીના અંધકાર છવાયેલા જોવા મળે છે. અમદાવાદમાં પણ અનેક પરિવારો પોતાના વર્ષોથી ગુમ થયેલા વ્હાલસોયા સંતાનોના ફોટા સાથે અવારનવાર ટીવીના પરદે જોવા મળે છે. આ એક નગ્નસત્ય છે. આવા તો આ દેશમાં હજારો ઘર હશે કે જેના કુળદીપક કે ઘરની લક્ષ્મી સમાન દિકરીને ઉઠાવી ગયા બાદ આજ દિન સુધી તેનું મોઢુ પણ  જોવા ન મળ્યું હોય. અને એ પરિવારો વર્ષો બાદ પણ પોતાના એ જીગરના ટૂકડા જેવા સંતાનોના આવવાની રાહ જોતાં મળવાની રાહ જોતાં દિવસો ગુજારતા હોય અને ચિંતાની ગતીમાં જીવન વ્યતિત કરતા હોય.

એક બાળક, એક સંતાન તેના મા-બાપ માટે જીગરના ટૂકડા સમાન હોય છે અને તે સંતાન સાથે કોઇ અપહરણ જેવો ગંભીર બનાવ બને ત્યારે તે મા-બાપ પર શું વિતતી હશે તે શબ્દોમાં વર્ણવુ પણ મુશ્કેલ બને. અને સંતાનનો ખાલીપો આવા મા-બાપ માટે દુનિયાનું કોઇ  સાહુબી પુરી ના શકે તે પણ એક હકિકત છે.

અને આજના આ યાંત્રિક, ભૌતિક- યુગમાં રાતોરાત અમીર બનવાના સ્વપ્નો, કયારેક દેણામાંથી બહાર આવવા શોર્ટ કટ અપનાવવા માટે બાળકોના (મોટેરાઓના પણ) અપહરણ કરવાના બનાવો બનતા રહે છે. ત્યારે સદ્નસીબે મોરબીનો દેવ માત્ર દોઢ કલાકમાં જ અપહરણકારોની ચૂંગાલમાંથી આબાદ બચી જવા પામ્યો તેવું દરેક બાળકનું ભાગ્ય હોઇ શકે કે કેમ ? તે કહેવું મુશ્કેલ છે. ત્યારે મોરબીના દેવ પાડલીયાનો આ બનાવ દરેક બાળકના માતા-પિતા માટે લાલબતી સમાન અને આંખ ખોલનારો કિસ્સો છે. બાળકને અને ખાસ કરીને પોતાના કુમળા બાળકોને ગામ કે શહેરમાં તો ઠીક પોતાના ઘર આંગણા પાસે પણ કયારેય નજરથી એક મીનીટ માટે પણ ઓજલ ન થવા દેવાનું શીખવી જાય છે.

(11:37 am IST)