Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

પોરબંદર લોહાણા હિતેચ્છુક અને મહિલા મંડળ દ્વારા સમૂહ યજ્ઞોપવિતઃ ચૂંટણી થીમ ઉપરની નિમંત્રણ પત્રિકાનું આકર્ષણ

૨ દિવસીય કાર્યક્રમ સાથે રાંદલ લોટા! નિદાન કેમ્પ અને રકતદાન કેમ્પઃ અન્નકોટ મણિયારો રાસ

પોરબંદર તા.૧૨: સૌરાષ્ટ્રવાસીઓએ મતદાન અધિકારનો ઉપયોગ કર્યો છે અને હજુ બીજા તબક્કાનું મતદાન થનાર છે ત્યારે પોરબંદરમાં ચુંટણીની થીમ ઉપર તૈયાર થયેલી નિમંત્રણ પત્રિકા ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.

લોહાણા હિતેચ્છુક મંડળ અને શ્રી લોહાણા હિતેચ્છુક મહિલા મંડળ દ્વારા છેલ્લા ૨૨ વર્ષથી સમુહજનોઇ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં દર વર્ષે અલગ પ્રકારે કંકોત્રી તૈયાર કરવામાં આવે છે તે અનુસંધાને આ વર્ષે પણ વિશિષ્ટ કંકોત્રી તૈયાર કરવામાં આવી છે. ચુંટણીના વાતાવરણ અનુસંધાને ચુંટણીલક્ષી કંકોત્રી તૈયાર કરવામાં આવ્યો છે.

આ કંકોત્રીમાં ચુંટણીપંચ દ્વારા જે પ્રમાણે શબ્દો વાપરવામાં આવે છે તે પ્રકારના શબ્દો વાપરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં બન્ને સંસ્થાના પ્રમુખોને મુખ્ય કમીશ્નર તરીકે દર્શાવાયા છે તથા સભ્યોમાં જનરલ ઓર્બ્ઝવર અને સહાયક ઓર્બ્ઝવર તરીકે પણ નિમણુંકો કરવામાં આવી છે. જુદા-જુદા જીલ્લા-તાલુકામાંથી હાજર રહેનાર સમાજ શ્રેષ્ઠીઓને પદાધિકારીઓ તરીકે દર્શાવાયા છે તેમજ સ્થાનિક અગ્રણીઓને ઓફીસર તરીકે દર્શાવવામાં આવ્યા છે. સંતો-મહંતોને ધર્માધિકારીઓ તરીકે દર્શાવાયા છે. સંસ્થાને મંડળને બદલે પંચ તરીકે દર્શાવવામાં આવી છે. કાર્યાલયને મધ્યસ્થ કાર્યાલય અને ચુંટણી પૂર્વે જે રીતે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ અને તેની માહિતી અપાતી હોય તે પ્રકારે જ પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બરના હોલમાં તેની મીટીંગનું આયોજન થયું તેની આંકડાકીય માહિતી અને વિગતો આપવામાં આવી છે.

જનોઇમાં ભાગ લેનારા બટુકોને ઉમેદવાર તરીકે દર્શાવીને ઇવીએમ મશીન કેવું હોય તેની જાગૃતિ ફેલાવાઇ છે જેમાં તમામ ઉમેદવારનું ચિન્હ એક સરખું ગણેશજી સાથેનો સાથીયો રાખવામાં આવ્યું છે. તેમજ કંકોત્રીને ફાઇલના પ્રકારે બનાવવામાં આવી છે. અને દરેક પેઇજ ઉપર મતદાન જનજાગૃતિના સુત્રો મુકવામાં આવ્યા છે. એટલું જ નહીં ભોજન કાર્ડ પણ ચુંટણીકાર્ડ જેવા બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ કેશલેશની થીમ ઉપર ચેકબુક કંકોત્રી, સોશ્યલ મીડીયાની થીમ ઉપર ફેસબુક, વોટસઅપ, ટ્વીટર જેવી કંકોત્રી સહિત ન્યુઝપેપર, ન્યુઝ ચેનલ ટાઇપ કંકોત્રી બનાવવામાં આવી છે અને આ કંકોત્રીને લોકોએ સારો એવો પ્રતિસાદ પણ આપ્યો છે.

પોરબંદરમાં શ્રી લોહાણા હિતેચ્છુક મંડળ અને શ્રી લોહાણા હિતેચ્છુક મહિલા મંડળ દ્વારા દર વર્ષ મુજબ આ વર્ષે પણ રરમો સમુહજનોઇ ઉત્સવ ધામધુમથી ઉજવાશે જેના માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સમુહજનોઇની સાથોસાથ ૧૦૮ રાંદલ લોટા, સર્વરોગ નિદાન કેમ્પ, રકતદાન કેમ્પ, હાડકાનો બી.એમ.ડી. કેમ્પ સહિતના કેમ્પો પણ યોજાશે.

તા.૧૬ અને ૧૭ બે દિવસ સુધી યોજાનાર આ સમુહજનોઇ ઉત્સવમાં સાંજીના ગીત તા.૧૬ના સાંજે ૪:૩૦ કલાકથી યોજાશે. તા.૧૭ને રવિવારના રોજ સવારે ૮ વાગ્યે મંડપ મુર્હુત, ૯ કલાકે ગૃહશાંતિ, ૧૧ કલાકે બટુકોની કાશીયાત્રા અને બપોરે ૧:૩૦ થી ૨:૪૫ મહાપ્રસાદ યોજાશે. સાંજે ૬:૩૦ કલાકે રાંદલ લોટા તેડાશે તેમજ ઘોડો ઘુમવાની વિધી થશે તા.૧૭-૧૨-૧૭ રવિવારે સવારે ૧૦ વાગ્યાથી સ્ટેજ કાર્યક્રમનું સંચાલન વલ્લભપ્રભુ સત્સંગ મંડળના પ્રકાશભાઇ રૂપારેલ કરશે.

તા.૧૭ સવારે ૧૦:૧૫ વાગ્યાથી સ્વાસ્થય માટે જરૂરી ૬ નિદાન કેમ્પ યોજાશે જેમાં સર્વરોગ નિદાન કેમ્પમાં ડો. વિપુલભાઇ શુકલ, ડો.જયેશભાઇ કાનાણી અને ડો. અશોકભાઇ કકકડ સેવાઓ આપશે. તેમજ હાડકામાં કેલ્શિયમ ઉણપ ચકાસણી કેમ્પ, ચરબી માપવાનો કેમ્પ, થેલેસેમીયા પરીક્ષણ કેમ્પ સહિતના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

૧૮ વર્ષથી ૧૪૫ જેટલા થેલેસેમીયાના દર્દીઓને દર માસે ૨૫૦ જેટલી રકતની બોટલ પુરી પાડતી આશા ચિલ્ડ્રન હોસ્પિટલના સહયોગથી થેલેસેમીયાના દર્દીઓ માટે રકતદાન કેમ્પ પણ યોજાશે.

આ કાર્યક્રમમાં રઘુવંશી સમાજના શૂરવિર અને નોખી-અનોખી અદકેરી અદભૂત પ્રવૃતિ દ્વારા સમાજનું ગૌરવ વધારનાર શુરવિરોનું સમુહજનોઇ ઉત્સવ દરમિયાન સન્માન કરવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અદ્યતન લોહાણા મહાજનવાડી તૈયાર કરવાનું બીડું ઝડપનારા લોહાણા મહાજનના યુવા પ્રમુખ સંજયભાઇ કારીયા અને યુવામંત્રી રાજેશભાઇ લાખાણી, ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશભાઇ કારીયાનું સન્માન કરવામાં ાવશે રીતે સમાજને સમર્પિત જલારામ આવાસ યોજના દ્વારા અનેકને આવાસ આપનારા હરસુખભાઇ બુધ્ધદેવ અને વિવિધ સેવાકાયો૪ સહિત સ્કોલરશીપ યોજનાના માધ્યમથી વિદ્યાર્થીઓને સુશિક્ષીત કરનારા પ્રતાપભાઇ દત્તાણી, સમાજ સેવકો માધવપુરના મયુર નથવાણી, જામજોધપુરના જયેશભાઇ મજીઠીયા, કુતિયાણાના કેયુરભાઇ રાયચુરા ઉપરાંત આર્થિક પરિસ્થિતિ નળબી હતી ત્યારે જુદી-જુદી સહાય મેળવ્યા બાદ હવે પગભર થઇને અકે પછી ેક સહાય સ્વેચ્છાએ બંધ કરાવીને અન્ય માટે પ્રેરણારૂપ બનનાર ધૃતિ વિઠલાણી તથા સમાચારના ૧ લાખ ૧૧ હજારથી વધુ ફોટોના સંગ્રહ બદલ એશીયા બુક સહિત વિવિધ રેકોર્ડમાં નામ મેળવનાર જીજ્ઞેશ પોપટ સહિતનાઓનું સન્માન પણ કરવામાં આવશે. આ ઉપરાંત કેમ્પમાં સેવા આપનાર હાડકામાં કેલ્શિયમ માપવાનો કેમ્પ અને શકિત માટેના પાવડર દ્વારા દરિદ્રનારાયણની સેવા કરનારનું પણ અભિવાદન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં બહારગામથી અગ્રણીઓ ધનવાનભાઇ કોટક, (પ્રમુખશ્રી અખીલ ગુજરાત લોહાણા સમાજ-સુરત),  મુકેશભાઇ ઠકકર, (અખીલ ગુજરાત લોહાણા સમાજ ઉપપ્રમુખ-અમદાવાદ), ભગવાનભાઇ 'બંધુ'   , (ઉપપ્રમુખ અખીલ ગુજરાત લોહાણા સમાજ-ડિસા), રમેશભાઇ ધામેચા, (અખીલ વિશ્વ ગૌસુરક્ષા સેના રાષ્ટ્રીય અધ્યક્ષ-રાજકોટ), શંકરભાઇ કતીર (ડિસા) (રાષ્ટ્રીય મહાસચિવ સ્મોલ એન્ડ મીડીયમ ન્યુઝપપેર એશો.) જીતેન્દ્રભાઇ સેજાણી, (પ્રમુખશ્રી ગાંધીનગર લોહાણા મહાજન), વિક્રમભાઇ તન્ના, (લોહાણા મહાજન પ્રમુખ વેરાવળ), કિરિટભાઇ ગંગદેવ, (અખીલ ગુજરાત લોહાણા સમાજ ઉપપ્રમુખ રાજકોટ), પ્રવિણભાઇ ઠકકર, (પ્રમુખ આણંદ લોહાણા મહાજન ઠકકરવાડી), મગનભાઇ રૂપારેલ, (પ્રમુખ રઘુવંશી લોહાણા મહાજન વડોદરા), અશ્વિનભાઇ વિઠલાણી (પ્રમુખ લોહાણા મહાજન કોડીનાર), મનસુખભાઇ બારાઇ, (અખીલ ગુજરાત લોહાણા સમાજ મહામંત્રીશ્રઈ-ઓખા), રાજેશભાઇ ઠકકર, (મહામંત્રીશ્રી અખીલ ગુજરાત લોહાણા સમાજ), યોગેશભાઇ ઉનડકટ, (મહામંત્રી અખીલ ગુજરાત લોહાણા સમાજ તાલાલા), કિરીટભાઇ મજીઠીયા, (મહામંત્રીશ્રી અખીલ ગુજરાત લોહાણા સમાજ ખંભાળીયા), રમેશભાઇ કાછેલા, (લોહાણા મહાજન પ્રમુખ ધોરાજી), મનોજભાઇ રાજદેવ, (હોટેલ સિટીપેલેસ રાજકોટ), યોગેશભાઇ ઠકકર, (અખીલ ગુજરાત લોહાણા સમાજ મંત્રીશ્રી-ભાવનગર), નટુભાઇ આચાર્ય, (નેશનલ પ્રેસીડેન્ટ સામાજીક સુરક્ષા કમીટી લોહાણા મહાપરિષદ), શૈલેષભાઇ સોનપાલ, ખજાનચીશ્રી વગેરે હાજર રહેશે.

બે દિવસીય કાર્યક્રમ અનુસંધાને તા.૧૬ને શનિવારે રાત્રે ૯ વાગ્યાથી શ્રી નાથજીબાવાના અન્નકોટ દર્શનની સાથે સાથે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મહેર મણીયારો રાસ યોજાશે. આ કાર્યક્રમ છાંયાની મહેર રાસ મંડળી દ્વારા રજુ કરવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી લોહાણા હિતેચ્છુક મંડળના પ્રમુખ દિલીપભાઇ ધામેચા તેમજ શ્રી લોહાણા હિતેચ્છુક મહિલા મંડળના પ્રમુખ યામીનીબેન ધામેચા સહિત ટીમ જહેમત ઉઠાવી રહી છે.

(11:19 am IST)