Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

સવાસો વર્ષના દયાનંદગીરી બાપુની અનન્ય સેવાઃ વિજયભાઇ

ચરાડવા મહાકાલી ધામમાં હજારો ભાવિકોના ઘોડાપૂરઃ દૈવી ભાગવત નવાહ પારાયણ - અલભ્ય એવો દસ મહાવિદ્યા યજ્ઞ : વૃક્ષ પ્રેમ, પ્રકૃતિ પ્રેમ, પશુ-પક્ષી પ્રેમ અને આયુર્વેદ સેવા બેજોડ છેઃ મહાકાલી ધામમાં મુખ્યમંત્રીને વધાવતા હજારો ગ્રામજનો : ૩૦ મીનીટના ભાવવાહી, અસ્ખલીત પ્રવચનમાં શ્રી વિજયભાઇ રૂપાણીને હજારો ગ્રામજનોએ તાલીઓના ગડગડાટથી અનેકવાર વધાવી લીધાઃ પૂ.દયાનંદગીરી બાપુના પટ્ટ શિષ્ય અને મંદીરના લધુ મહંત પૂજય અમરગીરી બાપુએ વિજયભાઇ અને અંજલીબેનનું શાલ ઓઢાડી,પૂજય કાલીમાતાની ભાવવાહી તસ્વીર અને રૂદ્ર્રાક્ષની માળાથી ઉમળકાભેર સન્માન કર્યું: જીટીપીએલ ગુજરાતી ચેનલ ઉપર લાઇવ પ્રસારણઃ ૧૭મી સુધી કથાનું પાન કરવાનો અમુલ્ય લ્હાવો ચુકવા જેવો નથી : રાજય સરકાર ચાર સિદ્ધાંતો ઉપર ચાલી રહી છે : પારદર્શકતા - સંવેદના - નિર્ણાયકતા અને પ્રગતિશીલતા : વિજયભાઈ રૂપાણી : વ્યાસાસને બિરાજતા રાજકોટવાળા પ્રખર જ્ઞાની પૂ. કનૈયાલાલ ભટ્ટની અલૌકીક વાણીનો લાભ લેતા હજારો શ્રધ્ધાળુ ભાઇ-બહેનો :૪ કી.મી. લાંબી ભવ્યાતી ભવ્ય પોથીયાત્રામાં એકાદ લાખ ગ્રામજનો ગાડા-હાથી-ઘોડા- પાલખી- ઉંટ- વાહનો સાથે જોડાયા : ૫૦૦ શિસ્ત બધ્ધ યુવા સ્વયંસેવકોની અદ્ભુત સેવા : ૧૫ ગામોના ગ્રામજનો- બાપુના હજારો શિષ્ય ભાઇ -બહેનો -સેવકો અલૌકીક ધર્મલાભ લઇ રહયા છેઃ આપ પણ આ મહામુલો અવસર ચુકતા નહિ

ચરાડવા (મોરબી - હળવદ હાઇવે) તા. ૧૨ : ચરાડવા ખાતેના જગવંદનીય મહાકાલીધામ ખાતેના મહાકાલી માતાના મંદિરે ભવ્યાતિભવ્ય દેવી ભાગવત નવાન્હ પારાયણ અને ગુજરાતમાં પ્રથમ વખત યોજાયેલ અલૌકિક એવા ૧૦ મહાવિદ્યા યજ્ઞ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પૂજ્ય દયાનંદ ગીરીબાપુના આશિર્વાદ લીધા હતા. તેમજ કથા પાન કરેલ. તેમની સાથે તેમના ધર્મ પત્ની અને ભારતીય જનતા પક્ષના અગ્રીમ હરોળના મહિલા અગ્રણી શ્રીમતિ અંજલીબેન રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે અકિલા પરિવારના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા, સુરેન્દ્રનગર ભાજપની લોકસભા બેઠકના પ્રભારી અને પ્રદેશ ભાજપના ટોચના નેતા શ્રી નીતિન ભારદ્વાજ તથા શ્રીમતિ વંદના ભારદ્વાજ, શ્રી આઇ.કે.જાડેજા, રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા અને પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, પૂર્વ કેબીનેટ મંત્રી જેન્તીભાઇ કવાડિયા સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.

પૂજ્ય દયાનંદગીરી બાપુના પટ્ટ શિષ્ય અને લઘુમહંત પૂજ્ય અમરગીરી બાપુએ વિજયભાઇ અને અંજલિબેનને આવકારી સન્માન કરેલ અને કાલી માતાની સંુદર તસ્વીર અર્પણ કરી શાલ ઓઢાડી હતી. શ્રી વિજયભાઇએ પૂજ્ય દયાનંદગીરીબાપુ સાથેની વાતચીતમાં આધ્યાત્મિક - ધર્મલાભ લીધો હતો.

આ પ્રસંગે શ્રી વિજયભાઇએ તેમના ૩૦ મિનિટના મનનીય પ્રવચનમાં ચરાડવા આશ્રમની તથા ૧૨૫ વર્ષના પૂજ્ય દયાનંદગીરી બાપુ અંગે અનેક વિગતો આપી હતી, સાથોસાથ ગુજરાત સરકારની ઉપલબ્ધિઓની પણ વાતો કરી હતી.

૨૫ હજારથી વધુ લોકોની જંગી મેદનીએ વિજયભાઇના પ્રવચનને અનેક વખત તાલીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. આ પ્રસંગે ગુજરાત ભાજપના ટોચના નેતા અને અકિલા પરિવાર સાથે નાતો ધરાવતા આઇ.કે.જાડેજા, મોહનભાઇ કુંડારિયા, રાજુભાઇ ધ્રુવ પણ દર્શન કરવા જોડાયા હતા.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને સાંભળવા હજારો ભાઇ-બહેનોની હાજરીથી આખો ડોમ છલકાય ગયેલ. ૫૦૦૦થી વધુ લોકો ડોમની બહાર રસ્તા ઉપર વૃક્ષો ઉપર ઉભા રહી ગયેલ અને એથી પણ વધુ લોકો મંદિર નજીકના હેલીપેડ ઉપર વિજયભાઇને નિહાળવા એકત્ર થયા હતા. વિજયભાઇએ તમામ લોકો વચ્ચે ફરીને સહુનું અભિવાદન ઝીલ્યું હતું.

મોરબીના કલેકટર શ્રી આર.જે.માકડિયા, એસ.પી. શ્રી કરણ રાજ, ડીડીઓ શ્રી એસ.એમ.ખટાણા, એડીશનલ કલેકટર શ્રી કેતન જોશી, એસડીએમ શ્રી ખાચર વિગેરે અધિકારીઓએ સતત વ્યવસ્થા સંભાળી હતી.

૫૦૦ થઇ વધુ યુવાન ભાઇ-બહેનો સ્વયંસેવકો ૨૪ કલાક ખડેપગે સેવા આપી રહ્યા છે.

પોતાના ૩૦ મિનિટના ભાવવાહી પ્રવચનમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે બિનખેતી પ્રક્રિયામાં પારદર્શકતા લાવવા માટે રાજય સરકાર દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ ઉભું કરવામાં આવ્યું છે અને આ લાભપાંચમથી રાજયના તમામ જિલ્લા પંચાયતમાં એક માસમાં જ તેનો અમલ કરવામાં આવશે. તેમણે દૃઢતાપૂર્વક જણાવ્યું કે વહીવટી તંત્રમાં પારદર્શકતા લાવવા માટે આ ક્રાંતિકારી પગલું છે.

શતાયુ સંત શ્રી દયાનંદગીરી બાપુની પાવન નિશ્રામાં મોરબી જીલ્લાના ચરાડવા ખાતે ચાલી રહેલી દેવી ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ ઉકત સંદર્ભમાં વધુ ઉમેર્યુ કે, રાજય સરકાર ચાર સિદ્ધાંતો ઉપર ચાલી રહી છે. પારદર્શકતા, સંવેદના, નિર્ણાયકતા અને પ્રગતિશીલતા. એ સરકારના કાર્યશૈલીના સિદ્ધાંતો છે. જેમાં સમગ્ર વહીવટી તંત્રમાં પ્રમાણિકતા આવે તે માટે બિનખેતીની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે. હોટેલ અને પેટ્રોલ પમ્પોને બિનજરૂરી પરવાના લેવામાંથી મુકિત આપવામાં આવી છે. આ ઉપરાંત એસીબીને વધુ શકિતશાળી બનાવવામાં આવી છે. ભ્રષ્ટાચારીઓને બક્ષવામાં  આવશે નહિં આકરા પગલા લેવાઈ રહ્યા છે. આવા અપ્રમાણીક કર્મચારીઓને સજા થાય એ માટે સરકાર પ્રતિબદ્ધ છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સત્તા અમારા માટે માણવાનું સાધન નથી,  સત્તા અમારા માટે સેવાનું સાધન છે. હું ગુજરાતનો દાસ છું. લોકોએ અમારામાં વિશ્વાસ મૂકયો છે, એ પરિપૂર્ણ કરવા માટે અમે સહુ સતત પ્રયત્નશીલ છીએ. લોકોને આશા અને આકાંક્ષા અમારા પ્રત્યે છે એને અમે પૂર્ણ કરી છે.

રાજય સરકાર લોકોના દુઃખે દુઃખી, લોકોના સુખે સુખી, એ રીતે સંવેદનાથી કાર્ય કરી રહી છે. એટલે જ રંઘોળા પાસે ગોઝારા અકસ્માત બાદ લોકોને પ્રસંગોપાત એસટી બસ સસ્તા દરે ભાડે આપવાનો નિર્ણય લીધો છે. એ જ પ્રકારે, અકસ્માતના બનાવમાં કોઈ પણ હોસ્પિટલમાં પ્રાથમિક સારવારના રૂ.૫૦ હજારનો ખર્ચ રાજય સરકાર ભોગવે છે. સારવારના ગોલ્ડન પિરીયડમાં પૈસાના કારણે કોઈ વ્યકિતને અગવડતા ન ભોગવવી પડે, એ માટે રાજય સરકારે આ સંવેદનાસભર નિર્ણય લીધો છે.

સૌરાષ્ટ્રને નંદનવન બનાવવા માટે સૌની યોજનાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, એની વિગતો આપતા વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, સૌની યોજનાના બીજા તબક્કાના કામો આગામી જાન્યુઆરી જાન્યુઆરી માસ સુધીમાં પૂર્ણ થઈ જાય એવું આયોજન છે.  જયારે ડિસેમ્બર માસ સુધીમાં ત્રીજા તબક્કાના કામોની ટેન્ડરીંગ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. સૌની યોજના થકી મા નર્મદાના પાણી ૨૬ ડેમો સુધી પહોંચી ગયા છે. જયારે તુરંતમાં ૧૧૫ ડેમો ભરાઈ જશે. ત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતો એક વર્ષની ત્રણ મોસમ લઈ શકશે.

આપણા ખેડૂતોના કાંડામાં એવી તાકાત છે કે જો તેને પાણી આપવામાં આવે તો સમગ્ર દુનિયાની ભૂખ ભાંગી શકે છે.

ટેકાના ભાવે મગફળી ખરીદવાની યોજનાની ભૂમિકા પણ તેમણે સમજાવી હતી અને કહ્યું હતું કે આ વખતે પુરવઠા નિગમના મગફળીના ટેકાના ભાવે ખરીદવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રીએ સૌરાષ્ટ્રની સંત પરંપરાની વિશદ છણાવટ કરી હતી અને કહ્યું હતું કે સંતોના સદ્દકાર્યોથી આ ભૂમિ પવિત્ર થઈ છે. સંતોએ પોતાના જાતની પરવાહ કર્યા સિવાય નિઃસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી છે અને આધ્યાત્મિક ચેતનાની આહલેક જગાવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શ્રી મહાકાલી માતાના દર્શન કરી ગુજરાતના સુખ અને સમૃદ્ધિની મંગલ કામના કરી હતી.

તેમણે પૂજય સંત શ્રી દયાનંદગીરી બાપુ અને શ્રી અમરગીરી બાપુના આર્શીવાદ ગ્રહણ કર્યા હતા. પોથીજીનું પણ પૂજન કર્યુ હતું.

આ કાર્યક્રમમાં ચરાડવા અને આસપાસના ૧૫ ગામના પૂજય દયાનંદગીરીબાપુના સેવકો - આગેવાનો અને સરપંચશ્રીઓએ મુખ્યમંત્રીશ્રીનું સન્માન કર્યુ હતું. આ વેળાએ સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયા, શ્રીમતી અંજલીબેન રૃપાણી, 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, આઈ. કે. જાડેજા, નીતીનભાઈ ભારદ્વાજ, રાજુભાઈ ધ્રુવ, બીપીનભાઈ દવે, હિરેન પારેખ, પ્રદિપભાઈ વાળા, મુકેન્દભાઈ બદીયાણી સહિત ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરો : કિંજલ કારસરીયા, અહેવાલ : મુકુદ બદિયાણી)

(11:54 am IST)