Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

ઉનામાં ૧૦ લાખની આંગડિયા લૂંટમાં ૪ ઝડપાયાઃ ૭ દિવસની રિમાન્‍ડ

૧૦ દિવસ પહેલા લાકડા વડે હુમલો કરી રોકડ તથા હિરાના પાર્સલની લૂંટ ચલાવેલઃ લૂંટારૂઓ જાફરાબાદના વડલી ગામના રહેવાસી

ઉના તા. ૧ર :.. આંગડીયા પેઢીના ૧૦ લાખની લૂંટના બનાવમાં ચાર શખ્‍સોને પોલીસે પકડી પાડયા છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા ૭ દિવસની રીમાન્‍ડ મંજૂર થઇ છે.

પી. શૈલેષ આંગડીયા પેઢીના કર્મચારી વિષ્‍ણુભાઇ બબાભાઇ પટેલ તા. ર૮-૧૧-૧૮ ના રોજ પેઢીના રોકડા રૂા. ૧૦,૪૭,૯ર૦ તથા હિરાના ૧૦ પાર્સલ લઇ ને ઉનાથી ટીંબી ગામે જતા હતાં. ત્‍યારે અજાણ્‍યા શખ્‍સોએ બાઇક ઉપર આવીને ઉના ભાવનગર હાઇવે પર આવેલ ગાંગડા ગામ પાસે (ગાંગઠા-અને ટીંબી ગામ વચ્‍ચે) પછાડી દઇ લાકડા વડે માર મારી લૂંટ કરી અને નાસી ગયા હતાં. આ બનાવ અંગેની ઉના પોલીસમાં ફરીયાદ નોંધાયેલ હતી.

ઉના પોલીસ અધિકારી અને સ્‍ટાફ પણ ઘટના સ્‍થળ પહોંચી અને નાકાબંધી કરાવીને તપાસ શરૂ કરી અને લૂંટ કરનાર શખ્‍સોને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કરેલ હતાં.

નાગેશ્રી પોલીસ પણ આ બનાવમાં છાન-ભીન શરૂ કરી હતી. અને નાગેશ્રી પોલીસે રામજી ભુપત સાંખડ રહે. વડલી તા. જાફરાબાદ, પ્રતાપ ભુપત સાંખટ રહે. વડલી, સંજયગીરી ભુપતગીરી ગૌસ્‍વામી તથા ગોપાલ ઉર્ફે ગોપી છગન ભાલીયા આ ચાર શખ્‍સો લૂંટના બનાવમાં પકડી પાડયા હતાં.આ લૂંટના બનાવમાં ચાર શખ્‍સોને ઝડપી પાડવામાં નાગેશ્રી પોલીસ સફળ થઇ હતી. નાગેશ્રી પોલીસે આ પકડાયેલા ચાર શખ્‍સોને ઉના પોલીસને સોંપતા ઉના પોલીસે આ શખ્‍સોને ઉના કોર્ટમાં રજુ કરતા અને રીમાન્‍ડ માંગતા હાલ આ શખ્‍સોને ૭ દિવસની રીમાન્‍ડ મંજૂર થઇ છે. વધુ તપાસ ઉના પોલીસ ચલાવી રહી છે.

(11:35 am IST)