Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ઉનાની ખત્રીવાડા શાળાના ર ઓરડામાં ૪૮૩ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માત્ર ૧ ર !

તાલુકાની અંજાર પ્રાથમીક શાળામાં ૧૦ શિક્ષકો અને ર ઓરડામાં ૩૯૭ વિદ્યાર્થીઓને શિક્ષણઃ શાળાના નવા રૂમ અને શિક્ષકોની ખાલી જગ્યા ભરવા પુંજાભાઇ વંશની મુખ્યમંત્રીને રજુઆત

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ૧૨: તાલુકાના ખત્રીવાડા, અંજાર પ્રાથમીક શાળામાં નવા ઓરડા બાંધવા તથા શિક્ષકોની ખાલી પડેલી જગ્યા ભરવા ગુજરાતના મુખ્યમંત્રીને ધારાસભ્ય પુંજાભાઇ વંશે રજુઆત કરીને જણાવેલ કે ખત્રીવાડા શાળામાં બે ઓરડામાં ૪૮૩ વિદ્યાર્થીઓને ૧ર શિક્ષકો તથા અંજાર પ્રાથમીક શાળા ૧૦ શિક્ષકો માત્ર બે ઓરડામાં ૩૯૭ બાળકોને શિક્ષણ આપી રહયા છે.

ધારાસભ્ય પુંજાભાઇ બી.વંશે ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને લેખીતમાં રજુઆત કરી છેે કે દરીયા કાંઠે અતિ શૈક્ષણીક પછાત વિસ્તાર મોટા ખત્રીવાડા તથા નાના ખત્રીવાડા સનખડા કુમાર પે.સે. હેઠળ ધો. ૧ થી ૮ ના વર્ગો ચાલુ છે. અગાઉ ઓરડા જર્જરીત થઇ ગયા હોય. ૧પ વર્ગ ખંડોનું ડીમોલેશન કરી પાડી નાખવામાં આવેલ છે. જેને ૧ વર્ષ અને આઠ મહીના થવા છતા નવા બનાવેલ નથી.હાલ બે ઓરડામાં ૪૮૩ વિદ્યાર્થીઓને ૧ર શિક્ષકો અભ્યાસ કરાવે છે. ૧પ શિક્ષકોનું મહેકમ છે. ૧ર હાલ હાજર છે. તેના પણ ૩ શિક્ષકોના બદલીના ઓર્ડર આવેલ છે. પરંતુ છુટા કરેલ નથી. હાલ વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળી રહયું છે.

ઉના તાલુકાની અન્ય એક પે.સેન્ટર-૩ ની પેટા શાળા અંજાર ગામે પ્રાથમીક શાળામાં ૧ર શિક્ષકોનું મહેકમ મંજુર થયેલ છે. પરંતુ ૧૦ શિક્ષકો ફરજ બજાવે છે. શાળાનું બિલ્ડીંગ જર્જરીત થઇ જતા ૧૧ ઓરડાઓનું ડિમોલીશન કરી પાડી નાખવામાં આવેલ છે. હાલ ૩૭૯ બાળકો બે ઓરડામાં ૧૦ શિક્ષકો અભ્યાસ કરાવેલ છે.

ઓરડાઓનું ડિમોલેશન ૯-૧૧-ર૦ર૦ના કરેલ છે. એક વરસ થવા છતા નવા ઓરડા બંધાવેલ નથી. બાળકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

સરકાર નવી શિક્ષણ નીતી અમલમાં લાવી વાહ વાહી લુંટી રહી છે. ત્યારે રાજયમાં જરૂરીયાત મુજબનું ઇન્ફ્રાસ્ટ્રકચર નથી. પુરતા શિક્ષકો નથી. એક શિક્ષક દીઠ એક વર્ગ ખંડ નથી.આમા કયાં ભણશે ગુજરાત, વાંચશે કયાં ગુજરાત, હાલનો વિદ્યાર્થી રાષ્ટ્રનો આવતીકાલનો નાગરીક અને ભવિષ્યની રાષ્ટ્રપેઢીના શિક્ષણનો ઘડતર છે. તેને પ્રાધાન્ય આપવામાં આવે તેવી માંગણી કરી છે.

(12:18 pm IST)