Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

કચ્છમાં ક્રિકેટ ઉપર સટ્ટા બેટિંગ : આદિપુર, માંડવી અને ભુજમાંથી ૯ ઝડપાયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૧૨: હાલમાં દુબઈ ખાતે આઈપીએલની મેચ ચાલી રહી છે તેમાં પણ ગઈકાલે ચેન્નઈ અને દિલ્હી વચ્ચે મહત્ત્વની મેચનો જંગ ખેલાયો હતો. આ મેચ પર જુગાર રમતા કચ્છમાંથી એક સાથે ૯ સટ્ટોડિયાઓ પોલીસના હાથે ઝડપાયા છે. આદિપુરમાંથી ૩, ભુજમાંથી ૩ અને કોડાયમાંથી ૩ સટ્ટોડિયાઓને પોલીસે ઝડપી આઈપીએલની મેચ પર સટ્ટો રમી હારજીતના મનસુબા પર પાણી ફેરવ્યું હતું.પધ્ધર પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી પ્રમાણે એલસીબીને બાતમી મળી હતી કે, ભુજોડી ફાટક પાસે ફાર્મ વિલા રિસોર્ટમાં રૂમ ભાડે રાખી ચેન્નઈ અને દિલ્હી વચ્ચેની મેચમાં નાણાકીય હારજીતનો જુગાર રમવામાં આવે છે. ઓવરની સેશન દરમિયાન કેટલા રન થશે તથા રન તફાવત પર આ જુગાર રમાતો હતો. જેથી પોલીસ વડાને જાણ કરી એલસીબીના માણસોએ રેડ કરવા રિસોર્ટમાં પહોંચ્યા હતા. આ રિસોર્ટમાં રૂમ નં.૧નો દરવાજો ખોલી પોલીસે રૂમની ઝડતી લેતા તેમાં ટીવીમાં આઈપીએલની મેચ ચાલુ હતી અને ત્રણ યુવાનો સટ્ટો રમતા હતા. જેથી ભુજના વાણિયાવાડમાં રહેતા ચિંતન કીર્તિકુમાર મહેતા, જેષ્ઠાનગર ગણેશચોકમાં રહેતા જિગર શંકરભાઈ ઠક્કર અને લાયન્સ નગરમાં રહેતા દીપ જયેશભાઈ રાજગોરની અટકાયત કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી ૧૦ હજારનો લેપટોપ, ૨૧ હજારના પાંચ મોબાઈલ અને ૧૬ હજાર રોકડા તેમજ જીજે૧ર-બીઆર-૮૬૮૫ નંબરની ૨.૫૦ લાખની વર્ના ગાડી મળી કુલ રૂ.૨.૯૭ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપીઓ સામે પધ્ધર પોલીસમાં ગુનો દાખલ કરાયો છે.

(10:59 am IST)