Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

અમરેલીમાં કડાકા કડાકા સાથે બે કલાકમાં સવા ૪ ઇંચ : બાબરામાં ત્રણ - વિસાવદરમાં બે ઇંચ વરસાદ પડ્યો : સર્વત્ર પાણી - પાણી

રાજકોટ તા.૧૨ :    રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી મેઘાવી માહોલ બરાબરનો જામ્યો છે દરરોજ રાત્રિના ગાજવીત સાથે મેઘરાજા તૂટી પડે છે અને અનેક જગ્યાએ ઝાપટા થી માંડીને ત્રણથી ચાર ઇંચ સુધી વરસાદ વરસે જાય છે.

      આજે પણ રાત્રિના આઠ વાગ્યાથી જ મેઘરાજા મહેરબાન થયા છે રાજકોટમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે અને ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તા ઉપર થી પાણી ફરી વળ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે.

     અને ભયાનક ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે. અમરેલીમાં પણ સાંજના છ થી આઠ દરમિયાન સવા ૪ ઇંચ વરસાદ વરસ્યો છે.

                     અમરેલી

(અરવિંદ નિમૅળ દ્વારા)અમરેલી:: અમરેલીમાં આજે સાંજના મેઘરાજા તૂટી પડ્યા હતા. ગાજવીજ વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો.એક કલાકમાં સવા ૪ ઇંચ વરસાદ ખાબકતા ઠેર -ઠેર પાણી ભરાયા છે. શહેરમાં વીજળી ગુલ થઈ ગઈ છે.

અમરેલીના જિલ્લા કલેક્ટરે અમરેલી જિલ્લો હાલ આકાશીય વીજળીના પ્રભાવિત ક્ષેત્રમાં છે. જરૂરી અવરજવર ટાળી સલામત સ્થળે રહેવા તમામ નાગરિકોને ટવિટ દ્વારા વિનંતી કરી છે.

                        જુનાગઢ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ:: આજે આખો દિવસ મિશ્ર વાતાવરણ રહ્યા બાદ રાત્રિના સમયે જુનાગઢ જિલ્લાના વિસાવદરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો છે.

       જ્યારે માણાવદરમાં પોણો ઇંચ જુનાગઢમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે મેંદરડા માંગરોળ અને ભેસાણમાં વરસાદી ઝાપટા પડ્યા છે

 

(8:59 pm IST)