Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અવિરત મેઘમહેર : ખંભાળિયા તાલુકામાં બે ઇંચ વરસાદઃ ભાણવડનો વર્તુ-૨ ડેમ ઓવરફલો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા. ૧૨ : ખંભાળિયા પંથકના છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય બફારા ભર્યો માહોલ છવાઈ રહ્યો છે. આ પરિસ્‍થિતિમાં છેલ્લા ચાર દિવસથી દરરોજ સાંજે અથવા રાત્રે મેઘરાજા વરસી પડે છે. શનિવારે સાંજે પણ વીજળીના કડાકા ભડાકા સાથે ખંભાળિયામાં બે ઈંચ (૪૮ મિલીમીટર) વરસાદ વરસી ગયો હતો, આ સાથે ભાણવડ તાલુકામાં છ મિલીમીટર પાણી પડી ગયું હતું.

આજ રીતે ગઈકાલે રવિવારે પણ જિલ્લામાં આખો દિવસ ઉઘાડ તેમજ ગરમી ભર્યા માહોલ બાદ ગત રાત્રે ભાણવડ તાલુકામાં ૧૪ મીલીમીટર, કલ્‍યાણપુર તાલુકામાં નવ, ખંભાળિયામાં છ અને દ્વારકા તાલુકામાં ચાર મીલીમીટર વરસાદ નોંધાયો છે.

આમ, છેલ્લા બે દિવસ દરમિયાન ખંભાળિયા તાલુકામાં ૫૪ મિલીમીટર ભાણવડ તાલુકામાં મીલીમીટર કલ્‍યાણપુર તાલુકામાં નવ મીલીમીટર અને દ્વારકા તાલુકામાં ચાર મીલીમીટર વરસાદ વરસ્‍યો હતો.

ખંભાળિયા તાલુકામાં સાડા ૪૮ ઈંચ સાથે મોસમનો કુલ સરેરાશ કુલ ૧૫૦ ટકા વરસાદ વરસી જવા પામ્‍યો છે. જયારે જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ ૧૧૮ ટકા નોંધાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક નાના-મોટા જળાશયો હાલ મહદ અંશે તરબતર બની રહ્યા છે. ત્‍યારે છેલ્લા દિવસોના વરસાથી ભાણવડ તાલુકામાં આવેલો વર્તુ-૨ ડેમ ગઈકાલે છલકાઈ ગયો છે. આ અંગે તંત્ર દ્વારા જારી કરવામાં આવેલી સૂચના મુજબ આ ડેમમાં પાણીની વિપુલ આવક થઈ હોય, આ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્‍યા છે. જેથી ભાણવડ, કલ્‍યાણપુર તેમજ પોરબંદર પંથકના ૧૪ જેટલા હેઠવાસના ગામોને નદીપટમાં ના જવા તેમજ આ અંગે સાવચેતી રાખવા અપીલ જારી કરવામાં આવી છે.

આજે સોમવારે પણ ખંભાળિયા સહિત જિલ્લામાં સર્વત્ર ઉઘાડ સાથે સૂર્યનારાયણના દર્શન થયા હતા. જો કે આટલા નોંધપાત્ર વરસાદ પછી પણ ગરમીનું જોર યથાવત રહ્યું છે.

(2:40 pm IST)