Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

દ્વારકામાં યુવતીના મૈત્રી કરારના પ્રકરણમાં બે જૂથ વચ્‍ચે બઘડાટી : છ શખ્‍સો સામે ફરિયાદ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા. ૧૨ : દ્વારકાના નરસંગ ટેકરી વિસ્‍તારમાં રહેતા કરણ ઉર્ફે ગગલો વિજાભાઈ સુજાણી નામના ગઢવી યુવાનના ભાઈએ દ્વારકામાં રહેતા રાજમલ ઉર્ફે રાજલો ગઢવી નામના એક શખ્‍સની પત્‍ની સાથે મૈત્રી કરાર કરી પોતાની સાથે લઈ ગયો હોય જે બાબત આરોપી રાજમલ ઉર્ફે રાજલાને સારું ન લાગતા તેમના મિત્રો ઇકો મોટરકારમાં આવ્‍યા હતા અને ફરિયાદી કરણના મોટરસાયકલ પર તેમના ભાઈ સાથે જઈ રહ્યા હતા ત્‍યારે આરોપી રાજમલ ઉર્ફે રાજલો ગઢવી, જામનગર ખાતે રહેતા મયુરસિંહ ચૌહાણ, બળુભા જાડેજા તથા આયદાન ગઢવી નામના કુલ ચાર શખ્‍સોએ કુહાડી, લોખંડના પાઇપ તથા સળિયા તેમજ ઢીકા પાટુ વડે માર માર્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે આઈ.પી.સી. કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા જી.પી. એક્‍ટ મુજબ ગુનો નોંધ્‍યો છે.

આ પ્રકરણમાં સામા પક્ષે જામનગરના ગાંધીનગર વિસ્‍તારમાં રહેતા મયુરસિંહ પ્રવિણસિંહ ચૌહાણ (ઉ.વ. ૩૪)એ કરણ વિજાભાઈ સુરાણી અને હરજોગ વિજાભાઈ સુરાણી સામે લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કરી ફરિયાદીને ફ્રેક્‍ચર સહિતની ગંભીર ઈજાઓ કરવા સબબ દ્વારકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સાહેદ આયદાનભાઈના કુટુંબી બહેન માલીબેન દ્વારકા તેના સાસરે હોય અને આ કામના આરોપીના ભાઈ માલીબેન સાથે મૈત્રી કરાર કરી પોતાની સાથે લઈ ગયા હોય અને તે બદલ વેલ પેટે રૂપિયા આપેલ ન હોવાથી આ પ્રકરણમાં સાહેદો તથા ફરિયાદી મયુરસિંહ ચૌહાણ આરોપીના ભાઈને સમજાવવા ગયેલ હોય, જયાં આ બનાવ બન્‍યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

જે સંદર્ભે પોલીસે આઈપીસી કલમ ૩૨૬, ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા જી.પી. એક્‍ટની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 કલ્‍યાણપુરમાં પીધેલો બાઈક ચાલક ઝડપાયો

કલ્‍યાણપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા રાજુ ભીમાભાઈ કેશવાલા નામના ૩૫ વર્ષના શખ્‍સને પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા ૧૦,૦૦૦ ની કિંમતના મોટરસાયકલ પર નીકળતા ઝડપી લઇ, તેની સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

દ્વારકાની તરુણીએ અકળ કારણોસર જિંદગી ટૂંકાવી

દ્વારકા તાલુકાના કલ્‍યાણપુર ગામે રહેતી તેજલબેન કારૂભાઈ રોશિયા નામની ૧૫ વર્ષની તરુણ વિદ્યાર્થીનીએ શનિવારે બપોરના સમયે કોઈ અગમ્‍ય કારણોસર પોતાના હાથે પોતાના ઘરે પંખાના હૂકમાં ઓઢણી વડે ગળાફાંસો ખાઈ લેતા તેણીનું મૃત્‍યુ નીપજયું હતું. આ બનાવની જાણ કારૂભાઈ બેચરભાઈ રોશિયા (ઉ.વ. ૪૫) એ દ્વારકા પોલીસને કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. 

(2:38 pm IST)