Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

ખંભાળિયા પંથકના બે સ્‍થળોએ ધમધમતા જુગારધામ પર પોલીસ ત્રાટકી : ત્રણ મહિલાઓ સહિત ૧૨ ઝડપાયા : બે ફરાર

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા, તા.૧૨ :  આશરે ૧૮ કિલોમીટર દૂર વડાલીયા સિંહણ ગામની મોરા વાડી વિસ્‍તારમાં રહેતા ભુરાભાઈ સામતભાઈ ચાવડા નામના ૪૩ વર્ષના શખ્‍સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને રમાતા જુગારના અખાડા પર પોલીસે રાત્રિના આશરે સાડા દસેક વાગ્‍યાના સમયે દરોડો પાડી, આ સ્‍થળેથી ભુરા સામતભાઈ સાથે કાનાભાઈ ભીખાભાઈ કરમુર, વિજય દેવાતભાઈ ચાવડા, મયુરસિંહ બહાદુરસિંહ જાડેજા, શહેનાઝબેન અલતાફભાઈ વડગામા, કૃપાબા ગીરીરાજસિંહ ચનુભા ઝાલા અને મધુબેન રણમલભાઈ ધનાભાઈ કરમુર નામના કુલ સાત વ્‍યક્‍તિઓને ઝડપી લીધા હતા.

પકડાયેલા આ વ્‍યક્‍તિઓ પાસેથી પોલીસે રૂપિયા ૩૦,૬૦૦ રોકડા, રૂ. ૩૦,૫૦૦ ની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન તથા રૂપિયા ૫૦ હજારની કિંમતના ત્રણ મોટરસાયકલ મળી કુલ રૂપિયા ૧,૧૧,૧૦૦ નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્‍યો છે.

આ દરોડા દરમિયાન યુનુસ ઉમર અને નવાજ અસલમ સુમરા નામના બે શખ્‍સો નાસી છૂટ્‍યા હોવાનું જાહેર થયું છે. ખંભાળિયા પોલીસ દ્વારા જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્‍ય એક દરોડામાં ખંભાળિયા તાલુકાના નાના માંઢા ગામે રહેતા સુનિલ રમણીકભાઈ જોશી નામના વિપ્ર શખ્‍સ દ્વારા પોતાના મકાનમાં અંગત કાયદા માટે નાલ ઉઘરાવી અને રમાડાતા જુગારમાં સચિન દિનેશભાઈ મકવાણા, અશોક બાબુભાઈ જોશી, રાજા આશાભાઈ ફફલ અને રસિકગર ઉમેદગર મેઘનાથી નામના કુલ પાંચ શખ્‍સોને ઝડપી લેવામાં આવ્‍યા હતા. આ દરોડામાં પોલીસે કુલ રૂપિયા ૧૦,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

મકનપુરની સગીરાના અપહરણમા પરપ્રાંતિય શખ્‍સ ફરિયાદ

દ્વારકા તાલુકાના મકનપુર ગામે રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને રાજસ્‍થાન રાજયના જોધપુર જિલ્લાના બુંગડી ખાતે રહેતો જગદીશ મંગીલાલ લોહાર નામનો શખ્‍સ ગત તારીખ ૯ મી ના રોજ તેણીને લલચાવી, ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપીને બદકામ કરવાના ઇરાદાથી અપહરણ કરીને લઈ ગયો હોવાની ધોરણસર ફરિયાદ સગીરાના માતાએ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. પી.એ. પરમારએ હાથ ધરી છે.

ખંભાળિયામાં બીમારીગ્રસ્‍ત યુવાનનું મૃત્‍યુ

મનોજસિંહ દિલીપસિંહ રાણા છેલ્લા કેટલાક સમયથી બીમાર હોય, તેઓ તેમના સાળા રાજેન્‍દ્રસિંહ અજીતસિંહ જાડેજાની વાડી ખાતે સુતા હતા, ત્‍યારે કોઈ કારણોસર તેમનું મૃત્‍યુ નિપજયું હોવાની જાણ રાજેન્‍દ્રસિંહ જાડેજાએ અહીંની પોલીસને કરી છે.

(2:36 pm IST)