Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

ઉનાની ગ્રાન્‍ટેડ કોલેજના કર્મચારીઓને બે માસથી ચડત પગાર ચુકવાતો નથી

(નવીન જોષી દ્વારા) ઉના, તા.૧રઃ ગ્રાન્‍ટેડ એચ.એમ.વી. કોલેજના કર્મચારીઓ બે મહિનાથી પગાર વિહોણા છે.

ઉના શહેર તથા તાલુકાનાં ભાઇઓ-બહેનોને કોલેજનું ઉચ્‍ચ શિક્ષણ મળી રહે તે માટે ઉનાનાં સ્‍વ. રસીકચંદ્ર ડી. આચાર્યએ  નગરપાલીકા દ્વારા ટોકન ભાવે જમીન આપી શ્રી ગુપ્ત પ્રયાગ એજયુકેશન ટ્રસ્‍ટ બનાવી લાખો રૂપીયાનું દાન મેળવી વિશાળ ઇમારત બનાવી કોલેજ શરૂ કરી હતી. છેલ્લા બે થી ત્રણ વર્ષથી આ કોલેજના કહેવાતા ધરાર બની બેઠેલા જવાબદારીથી કોલેજમાં નોકરી કરતા પ્રાધ્‍યાપક પ્રોફેસરો કર્મચારીઓનો જુલાઇ-રર અને ઓગષ્‍ટ-રર એમ બે મહિનાનો પગાર થયો નથી તેવી ફરીયાદો ઉઠી છે.આ કોલેજના ઇન્‍ચાર્જ આચાર્ય ડો.કે.જે.વાળાનું આકસ્‍મીક અવસાન બે  અઢી વરસ પહેલા થયું હતું. બાદ ડાયરેકટર શ્રીમતી નલીનીબેન પોતાના હસ્‍તક ચાર્જ સંભાળી લીધેલ ત્‍યાર પછી બિનજરૂરી દખલગીરીને લીધે કોઇ આધ્‍યાપક ઇન્‍ચાર્જ આચાર્યનો ચાર્જ લેવા તૈયાર ન થયા. નિયમ પ્રમાણે દરેક આધ્‍યાપક ઇન્‍ચાર્જ આચાર્યનો ચાર્જ વિશે પુછવુ જોઇએ. પરંતુ સીનીયર હોવા છતા પુછવામાં આવેલ નહી. એચ.એમ.વી. કોલેજના પ્રશ્ને  આરટીઆઇ માહીતી મેળવવામાં આવી કે ગ્રાન્‍ટેડ કોલેજમાં ડાયરેકટરની કોઇ પોસ્‍ટ હોતી નથી. તથા જયાં પ્રિન્‍સીપાલે સહી કરવાની હોય ત્‍યાં ડાયરેકટર સહી કરી શકતા નથી. કમિશ્નર કચેરી ગાંધીનગર દ્વારા ૧-૬-૨૦૨૨ના આદેશ આપવામાં આવ્‍યો કે કચેરીના દરેક પત્ર વ્‍યવહારમાં ઇન્‍ચાર્જ આચાર્યની સહીથી મોકલવા ડાયરેકટરની સહીથી નહી મોકલવા આમ છતાં મનમાની ચલાવી જુલાઇ-રરનો પગાર બીલમાં પોતાની સહી કરી મોકલતા પગાર મંજુર થયેલ નહી. જુન મહિનાના અંતમાં  સંયુકત નિયામક શ્રી ગાંધીનગર, ટ્રસ્‍ટીશ્રી તથા અધ્‍યાપકોની હાજરીમાં સમજુતી થયેલ કે કાયમી અધ્‍યાપકને ઇન્‍ચાર્જ આચાર્યને ચાર્જ સોંપવામાં આવે  તેમ છતા આ ડાયરેકટરશ્રીએ સમજુતીની અવગણના કરી રહેલ છે. આ ઇન્‍ચાર્જ આચાર્યની નિમણુંક અનુસાર ન હોવાથી તેમણે પગાર બીલ કર્મચારીઓના બનાવી સહી કરતા ઉપરથી ઓગષ્‍ટ-રરનો પગાર આજ સુધી થયો નથી. આવી મોંઘવારીમાં બે મહિનાથી પગાર વિહોણા કર્મચારી મુશ્‍કેલીમાં મુકાયો છે.

 આ સંસ્‍થાના સ્‍થાનીક તેમજ મુંબઇ સ્‍થીત હોદેદારોએ સંસ્‍થાના હિતમાં કર્મચારીઓ, વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી પ્રશ્નોનો ઉકેલ લાવવો જોઇએ તેવી માંગણી છે. પરંતુ આ લોકો કોઇ સકારાત્‍મક નિર્ણય ન લાવતા ઉના શહેર તથા તાલુકામાં ઉચ્‍ચ અભ્‍યાસ કરતા વિદ્યાર્થીનું ભવિષ્‍ય અંધકારમય  બની જાય તેવું  જોખમ  છે. તાલુકાના સામાજીક, રાજકીય આગેવાનો આગળ આવી સંસ્‍થાના સ્‍થાનીક સંચાલન સમીતીને જગાડે તે જરૂરી છે અને કર્મચારીઓના છેલ્લા બે માસના પગાર તાત્‍કાલીક થાય તેવી કાર્યવાહી કરવા માંગણી ઉઠી છે.

(2:02 pm IST)