Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી વીજળીને લઈને વહીવટી તંત્ર દ્વારા સાવચેત રહેવા ચેતવણી અપાઇ

આકાશી વીજળી થી બચવા માટે આઈએમડી દ્વારા તૈયાર કરાયેલી 'દામિની' એપ મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કરવા અપીલ

( મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૧૨, :  જામનગર અને દેવભૂમી-દ્વારકા જિલ્લામાં હાલ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે ત્યારે બન્ને જિલ્લાનું વહીવટી તંત્ર સતર્ક બન્યું છે, અને વરસાદી વીજળી થી બચવા માટે લોકોએ સલામત સ્થળે રહેવા માટેની ચેતવણી અપાઇ છે, સાથો સાથ આકાશી વીજળી થી બચવા માટે આઈ.એમ.ડી. દ્વારા ડેવલપ કરવામાં આવેલી 'દામિની એપ' ને પોતાના મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરવા માટેની પણ અપીલ કરાઈ છે.

 જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જેને લઈને બન્ને જિલ્લાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સતર્ક  બન્યું છે.

 જામનગરના નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર દ્વારા શહેર જિલ્લાના નાગરિકોને ઉપરોક્ત દિવસો દરમિયાન સાવચેત રહેવા અને ખાસ કરીને સલામત સ્થળે રહેવા માટેની અપીલ કરવામાં આવી છે.  

 ચાલૂ વરસાદી સિઝનમાં આકાશી વીજળી પડવાના બનાવો બને છે, ત્યારે આઈ. એમ. ડી. દ્વારા 'દામિની એપ' ડેવલપ કરવામાં આવેલી છે. જે એપ્લિકેશન પોતાના મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરવા પણ અપીલ કરવામાં આવી છે. 'પ્લે સ્ટોર' માં જઈને અંગ્રેજીમાં 'દામીની' ટાઈપ કરવાથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાશે, અને તે એપ્લિકેશન મારફતે જે વિસ્તારમાં વીજળી પડવાની શક્યતા છે, તેનું અગાઉથી જ એલર્ટ મળતું થઈ જશે. જેથી લોકોએ વીજળી થી બચવા માટે 'દામીની એપ' નો ઉપયોગ કરવાથી સાવચેત સ્થળે ખસી જવા માટેનો સમય પણ મળી રહેશે. જેથી 'દામીની એપ' પોતાના મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરી લેવા પણ નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર દ્વારા અનુરોધ કરાયો છે. જરૂર પડ્યે જામનગર જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ ૦૨૮૮-૨૫૫૩૪૦૪ નો અથવા નજીકની મામલતદારની કચેરીનો સંપર્ક કરવા પણ અનુરોધ કરાયો છે.

(1:55 pm IST)