Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

વીરપુર જલારામના થોરાળા ડેમના પાણીને પ્રદૂષિત કરવાનું કારસ્‍તાન

(કિશન મોરબીયા દ્વારા)વીરપુર જલારામ તા. ૧૨ : યાત્રાધામ વિરપુર ગામના સરિયામતી નદી પરના થોરાળા ડેમમાં પ્રદૂષિત પાણીના ટેન્‍કર અથવા કોઈ કેમિકલ યુક્‍ત પદાર્થ નાખી જતા ગ્રામ્‍ય લોકોના આરોગ્‍ય સાથે ચેડાં,ગામ લોકો અને ખેડૂતોમાં રોષ ફેલાયો અને પગલાં લેવાની માંગ ઉઠી છે.

 વિરપુર ગામના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કારણકે વીરપુર ગામને પીવાનું પાણી પૂરું પડતાં અને ગામના જીવા દોરી સમાન એવો સરિયામતી નદીનો થોરાળા ડેમમાં કોઈ અજાણિયા શખ્‍સો દ્વારા પ્રદૂષિત પાણીનું ટેન્‍કર નાખીને અથવા કોઈ કેમિકલ પદાર્થ નાખી ડેમને પ્રદૂષિત કરી નાખવામાં આવ્‍યું છે જેના પગલે ગામ લોકોમાં રોષ જોવા મળ્‍યો હતો, ગામની જીવાદોરી સમાન સરિયામતી ડેમ માંથી વિરપુર,પીઠડીયા તેમજ થોરાળા ગામના અંદાજિત ૨૦ હજાર જેટલા નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડે છે,તેમજ વીરપુર સહિત ચારથી પાંચ ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો ઉપયોગ થાય છે ,ડેમ પ્રદૂષિત થતાં ખેડૂતોના વાવેલા પાકને પણ નુકસાન થઈ રહ્યું છે સાથે વિરપુર સહિતના ત્રણ ગામના લોકોના આરોગ્‍ય સાથે ચેડાં થઈ રહ્યાના આક્ષેપો વિરપુરના ગામ લોકોએ તેમજ ખેડૂતોએ કર્યા હતા તેમજ થોરાળા ડેમને પ્રદૂષિત કરનાર સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી.

વીરપુર અને આસપાસના વિસ્‍તારમાં થઈ રહેલ પાણી પ્રદૂષણને લઈને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા છાસવારે ચેકિંગ કરવામાં આવે છે આમં છતાં પણ પ્રદૂષણ માફિયાઓ સતત પાણી પ્રદૂષણ કરતાં રહે છે, આ બાબતે  ગામના સરપંચે પ્રદુષણ વિભાગને લેખિતમાં ફરિયાદ પણ કરેલ છે જે જોતાં GPCB દ્વારા આ પ્રદૂષણ માફિયાઑ સામે કડક પગલાં લે તે જરૂરી છે, ત્‍યારે આવતી પેઢીને સારું ભવિષ્‍ય આપવા માટે પ્રદૂષણ ને નિયંત્રણ કરવું ખુબજ જરૂરી છે, ત્‍યારે પ્રદૂષણ કરતાં પ્રદૂષણ માફિયા સામે કડક કાર્યવાહી સાથે કડક સજા પણ કરવાંમાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

(1:48 pm IST)