Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

જૂનાગઢ મતદાર યાદી સુધારણા કામગીરીની સમીક્ષા કરતા કલેક્‍ટર રચિત રાજ

જિલ્લાની ૫ વિધાનસભા મતક્ષેત્રમાં ૭૪૦૨ નવા મતદારો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૨ :    કલેકટર રચિત રાજે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

મતદાર નોંધણી અધિકારી, ચૂંટણી અધિકારી સહિત ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ સાથે કલેકટર રચિત રાજે બેઠક યોજી જુદા જુદા માપદંડો ના આધારે ઇલેક્‍શન સંબંધી કામગીરીની સમીક્ષા કરી હતી અને આ સાથે જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપી હતી.

જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ નામ ઉમેરવા માટે ૧૦,૦૨૪ ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે ૩૩,૦૯૫, ચૂંટણી કાર્ડમાં નામ સરનામું વગેરે સુધારવા માટે ૭૮૫૯ અને મતદાર યાદીમાંથી નામ કમી કરવા અંગેની ૩૧૩૭ અરજીઓ નિયત નમૂનામાં આવી હતી. કલેકટરે આ તમામ આંકડાઓનું વિશ્‍લેષણ કરવાની સાથે જરૂરી નિર્દેશ આપ્‍યા હતા.

ઉપરાંત નવા મતદારોની નોંધણીના ૭૫૯૯ના લક્ષ્યાંક સામે (૧૮ થી ૧૯ વર્ષ) ૭૪૦૨ જેટલા નવા અને યુવા મતદારોને મતદાર યાદીમાં સમાવવામાં આવ્‍યા છે. ચૂંટણીઓમાં મહત્તમ મતદાન થાય અને નાગરિકો ઉત્‍સાહભેર મતદાન કરવા માટે પ્રેરિત થાય તે દિશામાં પણ  ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મતદાન મથકો ઉપર પ્રાથમિક સુવિધાઓ EVM, VVPETની દુરસ્‍તી સહિત ચૂંટણી સંબંધી તમામ મુદ્દાઓની ઉંડાણપૂર્વક ચર્ચાના અંતે કલેક્‍ટર રચિત રાજે માર્ગદર્શક સૂચનાઓ આપી હતી.આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણીયા, પ્રાંત અધિકારી  ગલચર, પ્રાંત અધિકારી સુશ્રી ભૂમિ કેશવાલા સહિત ચૂંટણી સંબંધી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:44 pm IST)