Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

બોલો લ્યો !! માર્ગ મકાન વિભાગ દ્વારા રીપેરીંગના એક જ દી’ માં મોરબીના રોડમાં મારેલ થિંગડા ધોવાઈ ગયા.

મોરબીમાં માર્ગ અને મકાન વિભાગે પુરેલા ગાબડા ઉપર મેઘરાજાનું આક્રમણ

મોરબી : ગેરંટી વગરના ચાઈનીઝ માલ જેવી જ સ્થિતિ હાલમાં મોરબીના જાહેર માર્ગની થવા પામી છે. હજુ એક દિવસ પહેલા જ માર્ગ અને મકાન વિભાગે શનાળાથી લઈ મોરબી સર્કિટ હાઉસ સુધીના બિસ્માર માર્ગના ગાબડા ઉપર થિંગડા માર્યા ત્યાં જ ગઈકાલે મેઘરાજે તોફાની ઇનિંગનું આક્રમણ કરતા વરસાદમાં રોડ હતા ન હતા બન્યા છે.
ધૂળિયા નગરી મોરબીને અને સારા રોડ રસ્તાને બાર ગાઉનું છેટું હોય તેવી સ્થિતિ વચ્ચે લાંબા સમયથી ચોમાસામાં મોટાભાગના રસ્તા તહસ નહસ થઈ ગયા છે. આવામાં મોરબી પાલિકાએ પોતાની હદમાં કાળી કાંકરી તો ક્યાંક બ્લોક નાખી ગાબડા પૂર્યા છે. બીજી તરફ શહેરનો મુખ્યમાર્ગ માર્ગ અને મકાન વિભાગ હસ્તક હોય એક દિવસ અગાઉ પીડબ્લ્યુડી દ્વારા પેચવર્ક કરી ડામરના થિંગડા મારવામાં આવ્યા હતાં.
જો કે, ગઈકાલે સાંજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી સાંબેલાધારે વરસાદ વરસાવતા પીડબ્લ્યુડી દ્વારા કરવામાં આવેલા થુંકના સાંધા જેવા તમામ પેચવર્ક ઉપર પાણી ફરી વળ્યું હતું અને શહેરીજનોના ભાગમાં ફરી ખાડા ખબડા આવ્યા હોવાનો નજારો મુખ્યમાર્ગો ઉપર જોવા મળી રહ્યો છે.

(12:08 pm IST)