Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

વાંકાનેરના અમીતભાઇ કોટેચાની હત્‍યામાં બેની ધરપકડ

૧૧ માસના એકના એક પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ હત્‍યાના બનાવના વિરોધમાં લોહાણા સમાજે ધંધા-રોજગાર બંધ રાખ્‍યાઃ રઘુવંશી સમાજમાં આક્રોશ:લોહાણા સમાજના અગ્રણી જીતુભાઇ સોમાણી સહીતના આગેવાનો હોસ્‍પીટલે દોડી જઇ આરોપીઓ ન પકડાઇ ત્‍યાં સુધી લાશ સ્‍વીકારવાનો ઇન્‍કાર કર્યો'તોઃ મૃતક અમીતભાઇની સ્‍મશાન યાત્રામાં મોટી સંખ્‍યામાં લોકો જોડાયા હતા

તસ્‍વીરમાં હત્‍યારાનો ભોગ બનનાર અમીતભાઇનો મૃતદેહ તથા ઉમટેલ લોકોના ટોળા અને છેલ્લે અમીતભાઇની ફાઇલ તસ્‍વીર. (તસ્‍વીરઃ નિતેશ ચંદારાણા-મહમદ  રાઠોડ-વાંકાનેર) (૪.૮)

(લિતેશ ચંદારાણા-મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧રઃ  વાંકાનેર નેશનલ હાઇવે સર્વિસ રોડ સામે આવેલ અમરનાથ સોસાયટીમાં રહેતા, ગજાનંદ ઇન્‍ડસ્‍ટ્રીઝ વાળા લોહાણા યુવાન અમીતભાઇ અશ્‍વિનભાઇ કોટેચા (ઉર્ફે લાલાભાઇ) (ઉ. વર્ષ ૩૭) નું વ્‍યાજંકવાદીઓએ છરીના ઘા મારી નીર્મમ હત્‍યા કરી નાખતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્‍યો છે. મૃતકની સ્‍મશાનયાત્રામાં બહોળી સંખ્‍યામાં લોકો જોડાયા હતા. હત્‍યાના બનાવમાં પોલીસે બે શખ્‍સોની ધરપકડ કરી છે.

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ મૃતકના નાનાભાઇ હીમાંશુભાઇ અશ્‍વિનભાઇ કોટેચાએ આ બાબતની પોલીસ ફરિયાદમાં જણાવેલ છે કે, અમે બન્‍ને ભાઇઓ કન્‍સ્‍ટ્રકશનનો ધંધો કરીએ છીએ અને સંયુકત પરિવારમાં રહીએ છીએ આજથી આશરે બે-ત્રણ દિવસ પહેલા મારા મોટાભાઇ (મૃતક) અમિતભાઇએ મને વાત કરેલ કે આપણી બાજુમાં રહેતા સુરેશભાઇ એ સરફરાજ તથા ઇમરાન પાસેથી પૈસાની લેતી દેતી કરેલ છે. જે બાબતે સરફરાજ અને ઇમરાન અવાર નવાર વ્‍યાજના પૈસા બાબતે ઉઘરાણી કરી સુરેશભાઇ સાથે ગાળાગાળી કરતા હોઇ, જેથી મેં (મૃતકે) સરફરાજ તથા ઇમરાનને ગાળા ગાળી કરવાની ના પાડતા તેઓને ગમ્‍યું ન હતું. જેથી આ બન્‍ને શખ્‍સે મારી સાથે ગમે ત્‍યારે માથાકુટ કરશે અને તું પણ ધ્‍યાન રાખજે (તેવી ભીતિ અગાઉ દર્શાવેલ) ગઇ કાલે તા. ૧૦/૯ ના રાત્રીના દસ-સાડા દસ વાગ્‍યાની આસપાસ હું મારા ઘેરથી નીકળીને હાઇવે પર ફાકી ખાવા ગયેલો. જયારે પાછો ફરી રહ્યો હતો ત્‍યારે લાલાભાઇ લેથવાળાની દુકાન પાસે મારા ભાઇ અમીતભાઇ બેસેલ હતા તેણે મને બોલાવી કહેલ કે, ‘મેં તને બે-ત્રણ દિવસ જે સરફરાજ તથા ઇમરાન બાબતે વાત કરેલ અને તેઓ મારી સાથે માથાકુટ કરશે તેવી ભીતિ દર્શાવેલ.'

પોલીસના જણાવ્‍યા મુજબ બાવાજી સુરેશભાઇ વિષ્‍ણુદાસ ગોંડલીયાની વ્‍યાજના પૈસાની લેવડ દેવડ બાબતે હેરાન નહીં કરવા આરોપી નં. ૧, ર ને મૃતકે જણાવેલ ત્‍યારે વ્‍યાજંકવાદીઓએ અમીતભાઇને આડેધડ છરીના ઘા મારી, પેટના ભાગે વધુ લાગતા લોહીથી લથબથ થઇ અમિતભાઇ ત્‍યાંજ ઢળી પડેલ હતા.

પોલીસે આઇપીસી કલમ ૩૦ર, ૧ર૦-બી, તથા ૩૪ નવા જીપી એકટ કલમ ૧૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે. પોલીસે બે આરોપીઓને પકડયા છે જયારે અન્‍ય આરોપીઓ કાર લઇ ફરાર છે. વિશેષમાં જાણવા મળતી વિગત મુજબ આ નીર્મમ હત્‍યાના બનાવથી લોહાણા સમાજમાં વ્‍યાજંકવાદીઓ સામે રોષ અને ઘેરા પ્રત્‍યાઘાત જોવા મળી રહ્યા છે. મૃતકને સંતાનમાં ૧૧ માસનો એક બાબો, તેની પત્‍નિ માતૃશ્રી નોંધારા બની ગયા છે.

જાણવા મળતી માહિતી મુજબ અમિતભાઇના ભાગીદાર મુસ્‍તાકભાઇ બ્‍લોચ તથા લોહાણા સમાજના અગ્રણી જીતુભાઇ સોમાણી દ્વારા જયાં સુધી આરોપીઓ ન ઝડપાય ત્‍યાં સુધી લાશ સ્‍વીકારવાનો ઇન્‍કાર કરેલ હતો. બંને લોકોને ખાત્રી મળ્‍યા બાદ સાંજે ચાર વાગ્‍યા પછી બોડીનો સ્‍વીકાર કરવામાં આવેલ.

વાંકાનેરમાં લોહાણા યુવાનની હત્‍યાના બનાવમાં શહેરમાં ઘેરા પ્રત્‍યૉઘાતો જોવા મળી રહ્યા છે. માર્કેટ ચોકમાં લોહાણા સમાજે પોતાના ધંધા રોજગાર આજે બંધ રાખી ખૂનના બનાવને વખોડયો છે. જયારે સરકારી હોસ્‍પીટલે પીએમ સમયે તમામ કોમના લોકો મોટી સંખ્‍યામાં જોડાયા હતા અને શહેર પોલીસ સ્‍ટેશન અને મૃતકના ઘેરા, મૃતકની સહાનુભૂતિ સભર લોકો જોવા મળ્‍યા હતા.

(11:54 am IST)