Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

વાંકાનેરના રાતીદેવડીમાં મંદિર પાસે દારૂ વેંચવાની ના પાડતાં હુમલોઃ પિતા-પુત્ર સહિત પાંચને ઇજા

લાલજીભાઇ વોરા, તેના બે પુત્રો, ભત્રીજાઓને રાજકોટ ખસેડાયાઃ મુકેશભાઇ અને તેના પુત્ર અનિલ, દિવ્‍યેશ સહિતના ધોકા-પાઇપ અને કુહાડીથી તૂટી પડયાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૨: વાંકાનેરના રાતીદેવડી ગામે માતાજીના મઢ નજીક દારૂ વેંચવાની ના પાડતાં વણકર પ્રોૈઢ અને તેના પુત્રો તથા ભત્રીજા પર તેના જ સમાજના લોકોએ ધોકા-પાઇપ-કુહાડીથી હુમલો કરતાં પાંચને ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

જાણવા મળ્‍યા મુજબ રાતીદેવડી ગામે રહેતાં અને કડીયા કામની મજૂરી કરતાં લાલજીભાઇ મલાભાઇ વોરા (વણકર) (ઉ.વ.૫૩) તથા તેના બે પુત્રો દિલીપ (ઉ.૨૪), પ્રકાશ (ઉ.૨૩) તથા ભત્રીજા નરેન્‍દ્ર હેમરાજભાઇ વોરા (ઉ.૨૨) અને કુટુંબરી ભત્રીજા હેમરાજભાઇ દાનાભાઇ વોરા (ઉ.૫૨) પર સાંજે આઠેક વાગ્‍યે ગામમાં આવેલા પીઠડમાના મઢ નજીક હતાં ત્‍યારે મુકેશેભાઇ વણકર, તેના પુત્રો અનિલ, દિવ્‍યેશ તેમજ તેની સાથેના યોગેશ તથા અજાણ્‍યાએ ધોકા-પાઇપ-કુહાડીથી હુમલો કરી ઇજાઓ પહોંચાડતાં પાંચેયને વાંકાનેર સારવાર અપાવી રાજકોટ ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જુણાચે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.

લાલજીભાઇના કહેવા મુજબ સામેવાળા લોકો માતાજીના મઢ નજીક દારૂ વેંચતા હોઇ તેને ના પાડતાં આ બાબતે ઝઘડો કરી હુમલો કરવામાં આવ્‍યો હતો. વાંકાનેર પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(11:49 am IST)