Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

પોરબંદરમાં કડીયા પ્‍લોટથી માર્કેટીંગ યાર્ડના ખાડાવાળા રસ્‍તાની મરામત માટે તંત્ર દ્વારા ધ્‍યાન અપાતુ નથી

પોરબંદર, તા.૧૨: કડીયાપ્‍લોટથી માર્કેટીંગ યાર્ડ તરફ જતા અત્‍યંત ખખડધજ રસ્‍તાનું સમારકામ કરવા કોંગ્રેસ દ્વારા રજુઆત થઇ છે.

માર્કેટીંગ યાર્ડ તરફ જવા માટે શોર્ટકટ એવા કડીયાપ્‍લોટથી ખાડીમાં થઇને જતા રસ્‍તાની હાલત ખુબ જ ભંગાર બની ગઇ છે. ઘણા મહીનાઓથી બીસ્‍માર બનેલા આ રોડના સમારકામ માટે અગાઉ અનેક વખત માંગણી કરવામાં આવી હોવા છતાં જવાબદાર તંત્રએ ગંભીરતા દાખવી નથી. તેમ કોંગ્રેસના આગેવાન રામદેવભાઇ મોઢવાડીયાએ તંત્રને રજુઆતમાં જણાવ્‍યું છે.

સામાકાઠે અનેક સોસાયટીઓ આવેલી છે તથા માર્કેટીંગ યાર્ડ સહીત નેશનલ હાઇવે તરફ જવા માટે પણ લોકો કડીયાપ્‍લોટના ખાડીમાં આવેલ રસ્‍તાનો ઉપયોગ કરે છે. આ રસ્‍તો ચોમાસા દરમીયાન ખુબ જ ભંગાર હાલતમાં ફેરવાઇ ગયેલ હોવાથી જેના કારણે અવરજવરમાં લોકોને પારાવાર પરેશાની વેઠવી પડે છે. ઉદ્યોગનગરના જુદા જુદા કારખાનામાં મજુરી કામ કરવા જતા કામદારો પણ આ જ રસ્‍તાનો ઉપયોગ કરે છે. આ રસ્‍તા ઉપર કોંકરીટ અને સળીયા એટલી હદે બહાર નીકળી ગયા છે. વાહનના ટાયરોમાં તે ખુંપી જાય છે. આટલુ ઓછુ હોય તેમ ખાડીના પાણી પણ તેમાં ભરાયા હોવાથી રાત્રીના સમયે અંધારામાં વાહન ચલાવવામાં પણ ઘ્‍યાન રાખવું પડે છે. થોડી ઘણી ભુલ રહી જાય તો પણ વાહન સીધુ જ ખાડીમાં ખાબકે તેવી પરિસ્‍થિતિનું નિર્માણ થઇ ગયું હોવા છતાં તંત્ર આ રસ્‍તાના સમારકામ માટે નકકર કાર્યવાહી કરતું નથી તેમ રજૂઆતમાં જણાવેલ.

(12:05 pm IST)