Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

કચ્છની બે સરકારી કચેરીઓ અને એક નગરસેવક સહિત ૨૫ જણ કોરોનાના સકંજામાં: એક જ દિ'માં નિપજેલા ત્રણ મોત છુપાવાયા

પ્રજા ઉપર દંડનો દંડો ફટકારવો કેટલો વ્યાજબી? આદિપુરમાં વ્યાપારીને એક હજારનો દંડ પણ આરોગ્યસેવામાં અનેક ખામીઓ છે એનું શું?

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૧૨:  કચ્છમાં બેકાબૂ કોરોનાને નાથવાને બદલે તંત્ર આંકડાઓની માયાજાળમાં વધુ અટવાયું હોય એવું લાગે છે. નવા ૨૫ કેસની વિગતો જાહેર કર્યા પછી રાપરમાં પોઝિટિવ કેસ અને ભુજની કોવિડ હોસ્પિટલમાં બે પુરુષ અને એક મહિલા સહિત થયેલા ત્રણ મોતની વિગતો તંત્રએ જાહેર ન કરતાં ફરી એક વાર કામગીરી સામે સવાલો સર્જાયા છે.

જોકે, ચિંતાજનક વાત એ છે કે, જિલ્લાના મુખ્ય મથક કચ્છમાં બે આરટીઓ અને ડીઆઈએલઆર સરકારી કચેરીઓ કોરોનાની ઝપટે ચડી ગઈ છે. ભુજની આરટીઓ કચેરીમાં ૭ કર્મચારીઓને જયારે ડીઆઈએલઆર ઓફિસમાં એક સર્વેયરને કોરોના પોઝિટિવ આવતાં અન્ય સ્ટાફ અને અરજદારોમાં ચિતા સાથે દોડધામ મચી ગઈ છે.બન્ને કચેરીઓ અરજદારો માટે બંધ કરી સેનિટાઈઝ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.

નવા કેસ સંદર્ભે ડીડીઓ દ્વારા જારી કરાયેલ યાદીમાં ૨૫ કેસ દર્શાવાયા છે, તે સાથે જ કચ્છમાં કુલ દર્દીઓનો આંકડો વધીને ૧૫૬૧ થયો છે. જયારે એકિટવ કેસમાં ભારે ઉછાળો આવ્યો છે, એકિટવ કેસ વધીને ૨૭૩ થયા છે. તો, ૧૨૦૬ દર્દીઓ સાજા થયા છે. જોકે, ગઈકાલે ભુજના એક યુવાન, એક વૃદ્ઘ મહિલા અને ગાંધીધામના વૃદ્ઘ પુરુષનું ભુજની કોવિડ હોસ્પિટલ અદાણી જીકેમાં મોત નીપજયું હોવા છતાંયે તે ત્રણ મૃત્યુ સરકારી ચોપડે દર્શાવાયા નથી.

એક બાજુ માસ્ક નહીં પહેરનાર આદિપુરના વ્યાપારીને એક હજાર રૂપિયાનો દંડ ફટકારાયો છે. લોકડાઉન અને મંદી વચ્ચે ભીસાયેલા આમ નાગરિક ઉપર દંડનો દંડો વીંઝતી સરકાર કોરોનાના કેસની સારવારમાં નિષ્ફળ તંત્ર સામે ઘૂંટણિયે પડી ગઈ છે.

વાસ્તવિક મૃત્યુ આંક ઉપરાંત પોઝિટિવ દર્દીઓ વિશેની માહિતી પણ છુપાવાઈ રહી હોઈ લોકોમાં તંત્રની સાથે સરકારની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

(11:30 am IST)