Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

કચ્છમાં બેકાબૂ કોરોના સામે તંત્ર ખાડે : દાખલ કરેલા ત્રણ બાળ દર્દીઓ વિશે તંત્ર પાસે માહિતી નથી

મિટીંગોમાં વ્યસ્ત સરકાર સંવેદનશીલ પણ તંત્રની ચામડી જાડી : કલેકટરની લેખિત સૂચના પણ બેઅસર : કચ્છમાં કોરોના સંદર્ભેની માહિતીથી માંડી કામગીરીમાં તંત્ર બેપરવા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૨ : કોરોના સામેના અસરકારક પગલાં ભરવાના રાજય સરકારના દાવાઓનો કચ્છમાં છેદ ઉડી રહ્યો છે. લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ જેવી જાણીતી સ્વૈચ્છિક સંસ્થા તેમ જ રાજકીય પાર્ટી તરીકે કચ્છ કોંગ્રેસ દ્વારા કરાયેલા અણિયાળા સવાલોએ કચ્છના વહીવટીતંત્રની પોલ ખોલી નાખી છે.

સરકાર સંચાલિત રેન બસેરા ચલાવતી સંસ્થા લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટે કોરોનાગ્રસ્ત ત્રણ બાળ દર્દીઓને માંડ માંડ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા પણ હવે એ બાળકો કયા છે, એનો પત્તો નથી. માતાએ તરછોડેલા ત્રણે કોરોનાગ્રસ્ત બાળકોને અલગ રખાયેલા કોરોનાગ્રસ્ત પિતા સાથે વીડીયો કોલિંગ કરી વાતચીત કરાવવા માટેની સંસ્થાની માંગણી પણ તંત્રએ ધ્યાને ધરી નથી. અત્યારે એ ત્રણ બાળકો ભુજમાં દાખલ છે કે ઢોરી ગામે અથવા તો અન્યત્ર કયાં દાખલ છે? તે વિશે પણ કોઈ માહિતી આપવા તૈયાર નથી.

જોકે, રેન બસેરાના આશ્રિતોની તપાસણી માટે સંસ્થાની વિનંતીને પગલે કલેકટર પ્રવીણા ડીકેએ નીચેના અધિકારીઓને આરોગ્ય તપાસ માટે લખેલા પત્રોને પણ અધિકારીઓ ઘોળીને પી ગયા છે. જોકે, મીડીયા રિપોર્ટ બાદ કલેકટર અને તંત્ર હરકતમાં આવ્યા અને તપાસ થઈ પણ હવે આશ્રિત ત્રણ કોરોનાગ્રસ્ત બાળકોનો પત્તો આપવામાં તંત્ર નિષ્ફળ છે.

બીજી બાજુ કચ્છ કોંગ્રેસના યુવા નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ લેખિતમાં અને રૂબરૂ કોરોનાના દર્દીઓની સારવાર માટે કચ્છની હોસ્પિટલોમાં રહેલા બેડ, વેન્ટિલેટર, ઉપરાંત અત્યાર સુધી મૃત્યુ પામેલા દર્દીઓની તારીખ સાથેની સંપૂર્ણ માહિતી માંગી છે. પણ, સતાવાર તંત્રએ હજીયે કોઈ પ્રકારની માહિતી આપી નથી. જોકે, ભુજમાં ભાજપ નેતાઓ અને તંત્ર દ્વારા અલગ અલગ મીટીંગો યોજી કોરોનાની સારવાર સંદર્ભે કરાતા દાવાઓ વચ્ચે વાસ્તવિકતા અલગ જ છે. કચ્છના લોકોને સરકારની સંવેદનશીલતાનો અનુભવ નથી થતો એ કડવું સત્ય છે.

(10:37 am IST)