Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

મેઘરાજા, હવે ખમૈયા કરો ! મગફળીમાં 'ફુગ' દેખાવા લાગી

પ્રિય વરસાદ, તૂં જો આમ જ અડીંગો જમાવવાનો હોય તો સીધી રીતે કહી દે, 'અમે ગાડી વેચીને હોડી ખરીદી લઈએ': નીચાણવાળા ખેતરોની નબળી જમીનમાં મૂળિયા સડવા લાગ્યાઃ અત્યારે બજારમાં આગોતરી વાવણીની મગફળી આવે છે, મગફળીની ખરી આવક દશેરા પર થશે

રાજકોટ, તા. ૧૧ :. ગુજરાતમાં આખો ઓગષ્ટ મહિનો ધબધબાટી બોલાવ્યા બાદ મેઘરાજાએ સપ્ટેમ્બરમાં પણ એ જ મિજાજ ચાલુ રાખતા હવે અતિરેક થઈ ગયો છે. સતત વરસાદને કારણે આરોગ્યની દ્રષ્ટિએ વાતાવરણ વધુ સચેત રહેવા જેવુ થયુ છે. ઉપરાંત ખેતી માટે પણ હવેનો વરસાદ નુકશાનકર્તા છે. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે કપાસ અને મગફળીનો પાક થાય છે. કપાસને હજુ નોંધપાત્ર નુકશાન નથી પરંતુ મગફળીને નુકશાનીની શરૂઆત થઈ ચુકી છે. એકધારા વરસાદને કારણે જનજીવન પર તેની અસર પડી છે. લોકો વરસાદના અતિરેકને સોશ્યલ મીડીયામાં કટાક્ષમય ભાષામાં વર્ણવી રહ્યા છે. એક વોટસએપ મેસેજમાં એવુ લખેલ કે પ્રિય વરસાદ, તૂં જો આમ જ અડીંગો જમાવવાનો હોય તો સીધી રીતે કહી દે, 'અમે ગાડી વેચીને હોડી ખરીદી લઈએ'.

કૃષિ ક્ષેત્રના વર્તુળોના જણાવ્યા મુજબ ઓગષ્ટનો સારો વરસાદ અને સપ્ટેમ્બરની શરૂઆતનો વરસાદ સૌરાષ્ટ્રની ખેતી માટે આશિર્વાદરૂપ પુરવાર થયો છે. અતિની ગતિ નહિ તે મુજબ હવે વરસાદ ચાલુ રહે તો ખેતીને ઘણુ નુકશાન થશે. નિચાણવાળા ખેતરોની નબળી જમીનમાં સતત પાણી રહેવાથી મૂળીયા સડવા લાગ્યા છે. મગફળીમાં ફુગ દેખાવા લાગી છે. હવે તાત્કાલીક વરાપની જરૂર છે. દશેક દિવસ પછી એક સારો વરસાદ જરૂરી છે. જો અત્યારે વરસાદ બંધ નહિ થાય તો ખેતરોમાં થયેલા મગફળી સહિતના વાવેતરને નુકશાન થશે. વધુ પડતો વરસાદ અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જી શકે છે.  કેટલાક ખેડૂતોએ ઉનાળાના ઉતરાર્ધમાં મગફળી વાવી દીધેલ. તે ઓળવેલી મગફળી તરીકે ઓળખાય છે. અત્યારે તે બજારમાં વેચાય છે. લોકો તેને શેકીને ખાતા હોય છે. મગફળીનો પાક ૧૦૦થી ૧૧૦ દિવસનો છે. મગફળીની ખરી આવક દશેરાના અરસામાં શરૂ થશે. કપાસ દિવાળી પછી બજારમાં દેખાશે. ખેડૂતો હવે મેઘરાજાને ખમૈયા કરવા વિનવી રહ્યા છે.

(11:45 am IST)
  • કાંગોમાં છ દિવસની શોધખોળ બાદ સૈન્ય ઓફિસર ગૌરવ સોલંકીનો મૃતદેહ મળ્યો :યુએન શાંતિ મિશન અંતર્ગત કાંગોમાં તૈનાત હતા લેફ્ટન્ટ કર્નલ સોલંકી :8 સપ્ટેમ્બરથી ચેંગેરા ટાપુ પાસે કિબુ લેકમાં ક્યાકીંગ કરવા ગયા હતા : તેઓના બાકીના સાથીદારોથી વિખુટા પડ્યા હતા access_time 1:09 am IST

  • બ્રાયન ટોલએ આર્ટિકલ 370 પર ભારતનું કર્યું સમર્થન : ગિલકિત ને બાલટિસ્તાનને ગણાવ્યો ભારતનો હિસ્સો : યુરોપીય આયોગના પૂર્વ નિર્દેશક બ્રાયન ટોલે જિનિવામાં કહ્યું કે આર્ટિકલ 370 હટાવવાથી કાશ્મીરના લોકોને સમાન આર્થિક અવસર મળશે : સરકારની માફક તેને પણ આશા છે કે કાશ્મીરીઓ માટે સારું પગલું સાબિત થશે access_time 1:19 am IST

  • ગણેશ વિસર્જન દરમિયાન 35 વર્ષિય યુવાન તણાયા રાજકોટ સ્વામી નારાયણ ચોકમાંથી ત્રંબા ત્રિવેણી નદિમાં ગણેશ વિસર્જન કરવા આવેલા વિજયભાઈ ઘોઘાભાઇ પરમાર નદિમાં ડુબી જતા ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. access_time 6:37 pm IST