Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

ઝાલાવાડમાં ઇદ ઉલ અદહા (બકરી) ઇદની ઉજવણીઃ કોમી એકતા-ભાઇચારાની ભાવના ઉજાગર

ઠેર-ઠેર ઇદની નમાઝ પઢી ઇદની મુબારક બાદી આપતા મુસ્લીમ બિરાદરો

વઢવાણ, તા., ૧૨: આજે મુસ્લીમ ધર્મના પવિત્ર ઇદ ઉલ્લ અઝીહ (બકરી ઇદ)ની ઉજવણી સુરેન્દ્રનગર-વઢવાણ-ધ્રાંગધ્રા, પાટડી, દસાડા, જૈનાબાદ, લખતર,લીંમડા, ચુંડા, મુળી, સાયલા, ચોટીલા, ખાતે મુસ્લીમ બિરાદરો દ્વારા કોમી એખલાસ ભાઇચારાની ભાવના સાથે ઉજવણી કરવામાં આવેલ છે.

સુરેન્દ્રનગર શહેરમાં અંદાજે ૧૫ જેટલી મસ્જીદોમાં પણ આજે બકરી ઇદની ખાસ નમાઝ અદા કરાવવામાં આવેલ હતી. જયારે મોટા ભાગના મુસ્લીમ બિરાદરો સુરેન્દ્રનગરના રતનપર ખાતે આવેલા ઇદ કુત્બે બકરી ઇદની નમાઝ અદા કરેલ હતી. જયા સુરેન્દ્રનગરના પેશીમામ હાજી હનીફબાપુ દ્વારા ઇદની ખાસ નમાજ અદા કરાવવામાં આવેલ હતી.

જયારે સુરેન્દ્રનગર સબ જેલમાં પણ આજે ઇદની નમાઝ અદા કરાવવામાં આવેલ હતી. જયારે વઢવાણ ખાતે પણ આજે વઢવાણ કસ્બા જમાતના તમામ મુસ્લીમ બિરાદરો  દ્વારા ખાસ કરીને આજે બકરી ઇદની નમાઝ અદા કરવા માટે ઘરશાળા ખાતે મુસ્લીમ બિરાદરો એકઠા થયા હતા અને વઢવાણ જુમ્મા મસ્જીદના પેશીમામ દ્વારા ખાસ આજે આ ઇદની નમાઝ અદા કરાવવામાં આવેલ હતી.

વઢવાણ ખાતે આજે ઇદની આ નમાઝ દરમ્યાનમાં પોલીસ અધિક્ષક મનિન્દરસિંહ પવાર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જયારે વઢવાણ ઇદગાહ ખાતે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.  મુસ્લીમ બિરાદરો દ્વારા ખાસ આજે બકરી ઇદની નમાઝ અદા કર્યા બાદ એક બીજાને હળી મળી ઇદની મુબારક બાદી પાઠવતા જાહેર માર્ગો ઉપર જોવા જાણવા મળતા હતા. જયારે સુરેન્દ્રનગર જિલ્લાના તમામે તમામ તાલુકાઓમાં પણ કોમી એખલાસ ભર્યા વાતાવરણ વચ્ચે આજે બકરી ઇદની શાનદાર ઉજવણી કરવામાં આવેલ છે.

કોમી એકતાના રાહબર હાજી સૈયદ યુસુફમીયાબાપુના નિવાસસ્થાને ઇંદની મુબારક બાદ પાઠવવા મેળવડો જામ્યો

સુરેન્દ્રનગર શહેર અને સૌરાષ્ટ્ર - ગુજરાતના કોમી એકતાના રાહબર એવા હાજી સૈયદ યુસુફમીયા બાપુના નિવાસ સ્થાન ટાવર પાસે આજે ઇદની ઉજવણીના ભાગ સ્વરૂપે ખાસ કરીને મુસ્લીમ બિરાદરો ઇદની નમાઝ અદા કર્યા બાદ હાજી સૈયદ યુસુફ મીયા બાપુ હાજી સૈયદ ઇરફાન બાપુ સૈયદ જહાગીર બાપુે હાથીયાણીમાં રોશનમાં વગેરે પરીવારજનોને ઇદની મુબારક બાદ પાઠવવા મુસ્લીમ બિરાદરોનો નિવાસ સ્થાને ઘસારો જોવા મળ્યો હતો. જયારે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.રાજેશ દ્વારા પણ બાપુને ઇદની મુબારક બાદ પાઠવવામાં આવ્યા હતા. જિલ્લા  પંચાયતના કાંતીભાઇ, લીંમડા ધારાસભ્ય સોમાભાઇ, જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ ચેતનભાઇ ખાચર, ખેડુત આગેવાન મોહનભાઇ, કમલેશભાઇ કોટેચા, મનુભાઇ પટેલ, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ વગેરે દ્વારા આજે બાપુને ખાસ ઇદની મુબારક બાદ પાઠવવામાં આવેલ હતી.

વઢવાણ ધારાસભ્ય દ્વારા  ઇદની મુબારક બાદી પાઠવાઇ

સુરેન્દ્રનગર-વઢવાણના ભાજપના પીઢ અને લોકો સાથે દરેક સમાજ સાથે જોડાયેલા અને લોકપ્રશ્નોને વાચા આપવામાં અગ્રેસરના સ્થાને રહેલા ભાજપના ધારાસભ્ય ધનજીભાઇ પટેલ દ્વારા આજે બકરી ઇદની ઉજવણી મુસ્લીમ બિરાદરો જયારે કરી રહયા છે. ત્યારે બકરી ઇદના અવસરને ખાસ ધ્યાનમાં લઇ તમામ મુસ્લીમ બિરાદરોને ઇદની ખાસ મુબારક બાદી પાઠવવામાં આવેલ છે. ત્યારે કોમી એખલાસ ભાઇચારાની ભાવના સાથે આજે ઇદની શાનદાર ઉજવણી  જિલ્લાભરમાં  કરવામાં આવેલ છે.

(1:30 pm IST)