Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

શ્રાવણ માસમાં ભુજનાં યુવાનો અનોખી શિવભકિત શિવાલયોને બિલીપત્રમય બનાવવાનુ અનોખુ અભિયાન

લાયન્સ કલબ ભુજના સભ્યો દર્શન કરી સવારે શિવમંદિરે એક વૃક્ષ વાવવાનો સંકલ્પ

ભુજ,તા.૧૨: પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન શિવભકિતનો મહિમા સમગ્ર કચ્છમાં અનુભવાઈ રહ્યો છે. પણ, ભકિતના આ માહોલ વચ્ચે હૃદયને સ્પર્શી જાય અને તેનું અનુકરણ દરેક જગ્યાએ કરવાની ઈચ્છા થાય એવા ત્રિવેણી સંગમની વાત આજે કરવી છે. આ ત્રિવેણી સંગમ એટલે ભગવાન શિવ, તેમને પ્રિય એવા બીલીપત્ર અને પર્યાવરણની રક્ષા સાથે વૃક્ષ ભકિતનો અનોખો સંદેશ!!આ વિશે 'અકિલા'ને વધુ વિસ્તૃત માહિતી આપતા લાયન્સ કલબ ભુજના પ્રમુખ પ્રફુલ શાહ અને મહામંત્રી શૈલેષ રાવલ કહે છે કે, લાયન્સ કલબ ભુજની ટીમ તેમ જ ભુજમાં'વન ડે વન ટ્રી' અભિયાન ચલાવનાર યુવાનોની ટીમ સાથે મળીને નક્કી કર્યું છે કે, શ્રાવણ મહિના દરમ્યાન અને દરરોજ ભુજના એક શિવમંદિરના દર્શન કરીને એ શિવ મંદિરમાં બીલીપત્રના એક વૃક્ષનું વાવેતર કરી રહ્યા છીએ.

આમેય બીલીપત્ર ભગવાન શિવને પ્રિય છે, એટલે અમે વૃક્ષ ભકિતના માધ્યમ સાથે પર્યાવરણની રક્ષાનો સંદેશો લોકો સુધી પહોંચાડવાનો એક નમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ. બીલીપત્રના આ વૃક્ષના વાવેતર પછી એનો પૂરતો ઉછેર થાય તે માટે શિવ મંદિરની સાથે લાયન્સ તેમ જ વન ડે વન ટ્રી ની ટીમ સયુંકત રીતે જાગૃત છે. જોકે, બીલીપત્રની વૃક્ષભકિતનો વિચાર કેમ આવ્યો? એ વાત વૃક્ષના વાવેતર તરફ આવી રહેલી જાગૃતિ દર્શાવે છે. લાયન્સ કલબ ભુજના શૈલેષ ઠકકર અને અભય શાહ કહે છે કે, અમારી સંસ્થાના સદસ્ય સંજય ઠકકરે પોતાની રીતે એક ઝુંબેશ શરૂ કરી છે, દરરોજ સવારે ભુજના અલગ અલગ મંદિરે જઈ ત્યાં દેવદર્શન કરીને તુલસીના રોપાનું વાવેતર કરવું. આમ, સંજયભાઈને તેમની વૃક્ષ ભકિત દરમ્યાન એક નવો વિચાર સ્ફુર્યો કે, લાયન્સ કલબ ભુજના તેમના મિત્રો સાથે મળીને શ્રાવણ મહિનાની ઉજવણી વૃક્ષ ભકિત સાથે કરીએ તો? અને, તેમણે ભુજમાં શ્નઉદ્ગ ડે વન ટ્રી' અભિયાન ચલાવતી ટીમનો સંપર્ક કર્યો તો સુઝાવ મળ્યો કે, આપણે સાથે મળીને ભગવાન શિવને પ્રિય એવા બીલીપત્રના વૃક્ષનું વાવેતર કરીએ તો? સૌએ સાથે મળીને આ વિચાર વધાવી લીધો એટલું જ નહીં વૃક્ષનું વાવેતર પણ શરૂ કરી દીધું. 'વન ડે વન ટ્રી' ની ટીમનું કહેવું છે કે, વૃક્ષ માં પણ ભગવાન છે એ આપણા શાસ્ત્રો તેમ જ વડીલોનો સંદેશ આપણે ભૂલી ગયા છીએ. પાદરે પીપળો, શેરી એ લીમડો અને આંગણે તુલસી હોય એવી આપણી પર્યાવરણની સંસ્કૃતિ ને આપણે સૌ સાથે મળીને ફરી જીવંત બનાવીએ.

આ શરૂઆત 'વન  ડે વન ટ્રી' અભિયાન પણ એક ત્રિવેણી સંગમ છે, જેમાં વૃક્ષ વાવવા ઇચ્છનારા વૃક્ષ પ્રેમી પરિવારનો 'વન ડે વન ટ્રી' ની ટીમ સંપર્ક કરે છે, વૃક્ષ વનતંત્ર દ્વારા અપાય છે, પણ આ આખા ત્રિવેણી સંગમમાં આચમન કરવા જેવી વાત એ છે કે, વૃક્ષ પ્રેમી પરિવાર જાતે ટ્રી ગાર્ડ તૈયાર કરે છે, તો, વન ડે વન ટ્રી ની ટીમ જાતે વૃક્ષારોપણ કરવા જાય છે, ત્યાર બાદ પણ વૃક્ષની જાળવણી વિશે જાત માહિતી મેળવે છે.

 વડાપ્રધાન નરેન્દ્રભાઈ દ્વારા વૃક્ષા રોપણ માટે કરાયેલી હાકલ વચ્ચે ભુજના યુવાનોએ 'વન ડે વન ટ્રી' ના આ વિચારનો અમલ શરૂ કરી દીધો છે. વૃક્ષ વાવેતરની આ વાત, આ વિચાર આપણા મલકને હરિયાળો બનાવી શકે તેમ છે. શરૂઆત માત્ર એક પરિવાર, એક વૃક્ષના સંકલ્પથી કરવાની છે,માહિતી મેળવવા ઇચ્છતા હોય તેઓ 'વન ડે વન ટ્રી' ટીમ ભુજનો સંપર્ક ૯૬૮૭૬૦૫૫૭૯, ૯૯૦૯૭૫૭૬૫૭, ૮૭૫૮૧૨૫૧૧૬ કરી શકે છે.

(12:14 pm IST)