Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

રાજુલાના જાફરાબાદના નાગેશ્રીના રહીશ અને રાજકોટમાં આપઘાત કરનાર હિતેષભાઇના નાગેશ્રી ઘેરથી પોલીસને કરોડો રૃપીયાના સોના ચાંદીના દાગીના હાથ લાગ્યા

નાગેશ્રીમાં મૃતક છાપા વિતરણનું કામ કરતા હતા

રાજુલા : જાફરાબાદ તાલુકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નાગેશ્રી ગામનાં એક આધેડે એક માસ પહેલા રાજકોટમાં પોતાની બહેનનાં ઘરે જઇને ગળેફાંસો ખાઇ લીધો હતો. હવે આટલા વખત પછી પોલીસે તેમના ઘરમાં તપાસ કરતા અહીંથી સોના ચાંદીનો આશરે દોઢેક કરોડ રૂપિયાનાં દાગીના મળી આવ્યાં છે. નોંધનીય છે કે, મૃતક હિતેષભાઇ વ્રજલાલભાઇ ગોરડીયા દાગીના પર નાણા વ્યાજે આપતા હતાં.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, જૂન મહિનાની 8મી તારીખે હિતેષભાઇએ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. તેઓ ગામમાં છાપા વિતરણનું કામ કરતા હતાં. આ સાથે તેઓ ગુપ્ત રીતે નાણા ધીરનારનું પણ કામ કરતા હતાં. જોકે, લૉકડાઉનમાં તેમનો આ વ્યવહાર અટવાઇ ગયો હતો. જેના કારણે તેમણે આપઘાત કર્યો હતો. ત્યારથી તેમનું ગામનું મકાન બંધ જ પડ્યું હતું. થોડા દિવસ પહેલા મૃતકનાં પત્ની કોઇ કારણોસર ગામનાં ઘરે આવ્યાં હતાં. ગામ લોકોને આશંકા ગઇ કે તેઓ બધું સમેટીને અહીંથી ચાલ્યા જશે જેથી તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસ તપાસમાં તેમના ઘરેથી મોટા પ્રમાણમાં સોના ચાંદીનાં દાગીના મળી આવ્યાં હતાં. પોલીસનાં જણાવ્યાં પ્રમાણે તેમના ઘરમાં આશરે 1.56 કરોડ રૂપિયાનાં દાગીના છે.

પોલીસે મૃતકનાં ઘરમા જુદાજુદા સ્થળે રાખેલા થેલીઓમા ટીંગાડેલા દાગીના કબજે લીધા હતા. અહીં 700થી વધુ લોકોના દાગીના મળી આવ્યા હતા. દાગીના સાથે તેના માલિકના નામની ચિઠ્ઠી પણ રાખેલી હતી. આ માલિકોએ તેના દાગીના પરત લેવા માટે હવે કોર્ટમાં પૂરાવા રજૂ કરવા પડશે.

આ આખું નેટવર્ક ઘણી જ ગુપ્ત રીતે ચલાવવામાં આવતું હતું. નોંધનીય છે કે તેમની એક દીકરીએ પણ પહેલા આપઘાત કર્યો હતો. હવે તેમના પરિવારમાં પત્ની અને બે બાળકો છે.

(1:25 pm IST)