Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

ખેડુતોને વળતર ચુકવવા સરકારની વિચારણાઃ વિજયભાઇ રૂપાણી

શ્રી સોમનાથ મહાદેવના દર્શન બાદ મુખ્યમંત્રીની ખેડુતોના હિતમાં જાહેરાત

વેરાવળઃ તસ્વીરમાં પત્રકારો સાથે વાતચીત કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી નજરે પડે છે. (તસ્વીરઃ દિપક કકકડ-વેરાવળ)

વેરાવળ, તા., ૧૧: શ્રી સોમનાથ મહાદેવના દર્શને આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તેમના ધર્મપત્ની શ્રીમતી અંજલીબેન રૂપાણી સહીતનાએ દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી.

આ તકે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઘણા સમયથી શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરવા આવવાની ઇચ્છા હતી અને ગઇકાલે સાંજે વેરાવળ આવ્યા બાદ આજે સવારે શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને શ્રી સોમનાથ મહાદેવને ગુજરાત કોરોના મુકત થાય તેવી પ્રાર્થના કરી હતી.

આ તકે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે જયાં વરસાદ વધુ પડયો છે અને ખેડુતોને નુકશાન થયું છે તેનો સર્વે કરીને ખેડુતોને વળતર ચુકવવા માટે રાજય સરકાર વિચારણા કરી રહી છે.

આ તકે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, શ્રીમતી અંજલીબેન રૂપાણી રાજકોટ ભાજપ અગ્રણીશ્રી નિતીનભાઇ ભારદ્વાજ, શ્રી ધનસુખભાઇ ભંડેરી સહીતના જોડાયા હતા.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કાલે સાંજે સોમનાથ ખાતે આવી જિલ્લાના અધિકારીઓ સાથે કોરોના સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે માસ્ક પહેરવા સાથે સોશ્યલ ડીસ્ટન્સ જળવાઇ રહે તે અંગે તકેદારી લેવા અને તેની સખ્તાઇથી અમલ કરવા અધિકારીશ્રીઓને સ્પષ્ટ સુચનાઓ આપી હતી.

મુખ્યમંત્રીને ગીર-સોમનાથ જિલ્લામાં તા.૧૦-૭-ર૦ર૦ સુધીમાં કુલ ૧૩૬ કોરોના કેસ નોંધાયેલ છે. જે પૈકી અન્ય જિલ્લાના ર૮, ગીર સોમનાથના ૧૦૮ કેસ છે. જેમાંથી ગીર-સોમનાથના ૬પ અને અન્ય જીલ્લાના ૧૩ દર્દીઓ એમ કુલ ૭૮ દર્દીઓ સ્વસ્થ થતા તેઓને ડિસ્ચાર્જ કરાયા છે. હાલ એકટીવ કેસ પ૩ છે તેવી વિગતો જિલ્લા કલેકટરશ્રી દ્વારા આપવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ કોરોનાના વધતા કેસો અંગે ચિંતાની લાગણી વ્યકત કરી આરોગ્ય સેવામાં કોઇ કચાસ ન રહે તેની તકેદારી લેવા જણાવ્યું હતંુ. જિલ્લા કલેકટર, રેન્જ ડીઆઇજી જિલ્લા વિકાસ અધિકારીશ્રી  અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહયા હતા.

(11:30 am IST)