Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના સાડા પાંચ કરોડના બેંક કૌભાંડમાં જેન્તી ડુમરાની સીઆઇડી દ્વારા ધરપકડ

જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં છબીલ પટેલ સાથે ઝડપાયેલા જેન્તી ડુમરા (ઠકકર) ઉપર કસાતો કાયદાનો ગાળિયો, અગાઉ આઇડીબીઆઈ બેંકના કૌભાંડની પણ થઈ ચૂકી છે ફરિયાદ

 ભુજ, તા.૧૨:  ભાજપના પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં ઝડપાયેલા ભાજપના જ બે આગેવાનો પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ અને જેન્તી ડુમરા (ઠકકર) જેલમાં છે. જે પૈકી જેન્તી ડુમરા સામે કાયદાનો ગાળિયો સખત થઈ રહ્યો છે. જેન્તી ઠક્કર કે જે કચ્છ અને કચ્છ બહારના રાજકીય વર્તુળોમાં જેન્તી ડુમરા તરીકે વધુ જાણીતો છે. તેની જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા કરાયેલી ધરપકડ પછી જેલમાં બંધ છે, તે દરમ્યાન જ ચાર કેસ નોંધાઇ ચુકયા છે. જેમાં હત્યા, જેલમાં દારૂ પીવો, જેલમાં ગેરકાયદે નોકર દ્યુસાડવો અને આઇડીબીઆઈ બેંકમાં મૃત મહિલાના નામે ૮ કરોડની લોન આ ચાર કેસ નોંધાયા પછી હવે સીઆઇડી ક્રાઇમે વધુ એક પાંચમો કેસ જેન્તી ડુમરાની વિરુદ્ઘ નોંધ્યો છે. અબડાસા તાલુકાના ડુમરા ગામની સહકારી મંડળીના ૬૨૧ સભાસદોના નામે જેન્તી ડુમરાએ ૨૦૦૨ માં ૫.૬૧ કરોડની લોન કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કમાંથી લીધા બાદ ૧૭ ,વર્ષ થયાં હજી સુધી ભરી ન હોઈ તેની સામે હમણાં જ મે ૨૦૧૯ માં ગુનો દાખલ કરાયો હતો. આ લોન કૌભાંડમાં જેન્તી ડુમરા અને મંડળીના અન્ય હોદ્દેદારો તેમ જ બેંક મેનેજરની સાંઠગાંઠ થી મૃત વ્યકિતઓના નામ ઉપરાંત અનેક વ્યકિતઓની જાણ બહાર બોગસ સહી કરીને લોન લીધાનું બહાર આવ્યું હતું. હવે સીઆઇડી ક્રાઇમે આ કેસમાં જેન્તી ડુમરાની ધરપકડ કરી છે. બીજીબાજુ આઇડીબીઆઈ બેંક કૌભાંડના કેસમાં ભુજ કોર્ટે જેન્તી ડુમરાની જામીન અરજી નામંજૂર કરી છે. જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ ૬૦ કરોડથી એ વધુ રકમના બેંક લોન કૌભાંડમાં જેન્તી ડુમરાની સંડોવણી હોવાની દલીલ કરી હતી. જેની સુનાવણી કરતા ત્રીજા અધિક સેશન્સ જજ મમતાબેન પટેલે જેન્તી ઠકકર (ડુમરા)ની જામીન અરજી રદ્દ કરી હતી

(11:45 am IST)