Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

કંડલા બંદરે અતિ ભયજનક ૯ નંબરના સિગ્નનલ સાથે ૬ હજાર લોકોનું સ્થળાંતર-ભચાઉ, જખૌ, મુન્દ્રા, માંડવીમાં કરંટ

(ભુજ) વાયુ વાવાઝોડાની ઇફેક્ટ કચ્છમાં શરૂ થઈ ગઈ છે. સાંજથી જ કચ્છના વાતાવરણમાં કરંટ અનુભવાઈ રહ્યો છે. સામખીયાળી, ભચાઉ, ભુજમાં મોડી સાંજે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. સામાન્ય કરતા અતિ ઝડપે ધૂળની ડમરીઓ સાથે ફૂંકાતા પવને મીની વાવાઝોડાનો અહેસાસ કરાવીને એ સંકેત આપી દીધો છે કે, વાવાઝોડાનું સંકટ ભયજનક બની શકે છે. તો, મુન્દ્રા, માંડવી, જખૌ અને કંડલાના દરિયાના મોજા ઉછળી રહ્યા છે અને દરિયાના મોજામાં કરંટ અનુભવાઈ રહ્યો છે. કચ્છના તમામ કાંઠાળ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, વાતાવરણમાં બદલાવ સાથે આકાશમાં કાળા ડિબાંગ વાદળો દેખાઈ રહ્યા છે. મોજાદરમ્યાન કંડલા પોર્ટ દ્વારા સતાવાર રીતે જાહેર કરાયેલી યાદી મુજબ બંદર ઉપર અતિ ભયજનક સ્થિતિ દર્શાવતું ૯ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. જે અનુસાર કંડલા બંદરે જહાજોની અવરજવર તેમ જ કામકાજ સંપૂર્ણપણે બંધ કરી દેવાયા છે. તે સિવાય સાવચેતીના પગલાં રૂપે કંડલા પોર્ટ અને કંડલા બંદરના વિસ્તારમાં થી ૬૨૩૭ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કંડલા પોર્ટ પ્રશાસન સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંકલન સાધીને વાવાઝોડાની પરિસ્થિતિમાં રાહત અને બચાવની કામગીરી કરી રહ્યું છે. કચ્છનું વહીવટીતંત્ર એલર્ટ છે. કચ્છમાં ખાસ કન્ટ્રોલ રૂમ શરૂ કરી દેવાયો છે. જેનો સંપર્ક નંબર 02832-250080 છે.

(9:03 pm IST)