Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વીસ દિવસ પહેલા સાવરકુંડલામાં લાકડી મારી ૧,૦૦,૦૦૦/- ની થયેલ લૂંટનો ભેદ ઉકેલી બે આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

અમરેલી તા ૧૨ ગઇ તા ૨૦/૫/૨૦૧૯ ના રોજ સાવરકુંડલા શહેરમાં પાન-બીડી, સોપારીની હોલસેલની દુકાન ધરાવતા અશોકભાઇ મોહનભાઇ છાંટબાર, ઉ.વ.૬૩, સાવરકુંડલા, ફ્રેન્ડ સોસાયટી વાળા પોતાની દુકાનના વેપારના રૂા ૧,૦૦,૦૦૦/- ભરેલ થેલો પોતાના એકટીવાના આગળના ભાગે રાખી દુકાનેથી ઘર તરફ જતા હતાં, તે વખતે રાત્રિના ગર્લ્સ સ્કુલના રોડ પાસે પહોંચતા બે અજાણ્યા ૨૨ થી ૨૪ વર્ષની ઉંમરના ઇસમો  તેમના એકટીવાની પાછળની બાજુએ મોટર સાયકલ ભટકાવેલ અને પછી  મો.સા.માં પાછળ બેસેલ ઇસમે તેમને માથાના ભાગે લાકડીનો ઘા મારી દીધેલ અને રૂા ૧,૦૦,૦૦૦/- ભરેલ થેલાની લુંટ કરી નાસી ગયેલ, જે અંગે સાવરકુંડલાના ટાઉન પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૩૭/૨૦૧૯, ઇ.પી.કો.કલમ ૩૯૪, ૧૧૪, જી.પી. એકટની કલમ ૧૩૫  મુજબનો ગુન્હો રજી. થયેલ હતો.

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્ર્લિપ્ત રાયે અભ્યાસકરી ગુન્હો ડીટેકટ કરી આરોપીઓ પકડી પાડવા અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.કે. વાઘેલા તથાએલ.સી.બી. ટીમને જરૂરી સુચના આપેલ હોય ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એમ.એસ.રાણા ના માર્ગદર્શન તળે અમરેલી એલ.સી.બી.એ ચોક્કસ બાતમી મેળવી વોચ ગોઠવી લુંટની રોકડ રકમ માટે વપરાયેલ મોટર સાયકલ સાથે (૧) અમન ઇકબાલ પરમાર, ઉ.વ.૨૦,રહે. સાવરકુંડલા, જુના બસ સ્ટેન્ડ પાસે, પઠાણ શેરી, (ર) આફતાબ અનુભાઇ ઉર્ફે અનવરભાઇ કુરેશી, ઉ.વ.૨૧, રહે. સાવરકુંડલા, જુના બસ સ્ટેન્ડ પાસે, પઠાણ શેરી ને લુટના મુદ્દામાલના રોકડા રૂા ૨૫૦૦૦/- તથા લુંટ કરવા માટે ઉપયોગમાં લેવાયેલ હીરો સ્પ્લેન્ડર મો.સા. રજી. નંબર જીજે-૧૪-એ.ઇ. ૧૨૬૩, કિ.રૂા ૪૫૦૦૦/- નો મુદામાલ સાથે પકડી પાડેલ છે.

પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે અને વણશોધાયેલ લુંટ  ઉકેલવામાં અમરેલી એલ.સી.બી.એ સફળતા મેળવેલ છે.

(3:48 pm IST)