Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

ભાવનગરઃ પાલીતાણાના અનિડા ગામે આધેડ શખ્સની હત્યાના ગુનામાં પકડાયેલ બે આરોપીઓને આજીવન કેદ ફટકારતી કોર્ટ

માત્ર રૂ ૧ર૦ની લેતી દેતીના મામલે આરોપીએ મૃતકનું ગળુ દબાવીને હત્યા કરી હતી

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા ૧૨  : ચાર વર્ષ પૂર્વે ભાવનગર જીલ્લાના પાલીતાણા નજીક અનીડા (કુંભણ) ગામ નજીકમાં બે શખ્સોએ એક સંપ કરી ફકત રૂ ૧૨૦ ની લેતીદેતી બાબતે એક વ્યકતિને માર મારી ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. આરોપીઓ સામે જે તે સમયે ઇપીકો કલમ ૩૦૨ સહિતનો ગુનો નોંધાયો હતો, આ અંગેનો કેસ ભાવનગરના બીજા એડીશ્નલ સેસન્સ જજ એમ.જે. પરાશરની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ બી.જે.ખાંભલીયાની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ, વગેરે ધ્યાને લઇ ઉકત બંન્ને આરોપીઓ સામે હત્યાનો ગુનો સાબિત માની બંન્ને ને  કસુરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રોકડા રૂ ૧૦ હજારનો દંડ અદાલતે ફટકાર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ તા. ૪/૮/૨૦૧૬નાં સાંજના ૬ કલાકના સુમારે આ કામના આરોપીઓ (૧) વાઘેલા ચકુભાઇ રામજીભાઇ (ઉ.વ.૨૫, રહે. આંબલા, તા. સિહોર) (ર) માથાસુળીયા રમેશભાઇ કરમશીભાઇ (ઉ.વ.૩૫, રહે. બજુડ ગામના પાટીયા પાસે, ૬૬ કે.વી. ની બાજુમાં તા. સિહોર) તથા આ કેસના સાહેદ રાજુભાઇ વાઘેલા (રહે. કુંભણ) તથા આ કામના સાહેદ દુકાનદાર બાબુભાઇ પરમાર (રહે. કુંભણ) નામના વેપારીને કોસ્મેટીકમાં વપરાતા કોલા બોટલ નંગ-પ વેચાણથી લઇ પાલીતાણા નજીકના અનીડા (કુંભણ) ગામેથી નીકળતા રસ્તામાં આ કામના મરણજનાર દામજીભાઇ બચુભાઇ (રહે. આંબલાવાળા) સામે મળતા આરોપીઓએ મરણજનાર દામજીભાઇ તથા રાજુભાઇ વાઘેલા સાથે મળી કોસ્મેટીકમાં વપરાતા કોલા પીધેલા, આ વખતે  મરણજનાર દામજીભાઇ બચુભાઇની પાસે રૂ ૧૨૦ આરોપીઓ ચકુભાઇ વાઘેલા અને રમેશભાઇ માથાસુળીયાએ માંગતા મરણજનાર દામજીભાઇએ પૈસા નહીં આપતા આરોપીઓ ચકુભાઇ વાઘેલા અને રમેશભાઇ માથાસુળીયાએ દામજીભાઇ બચુભાઇને ઢીકાપાટુ વડે માર મારતા આ કામના સાહેદ રાજુભાઇ વાઘેલા વચ્ચે પડતા ઉકત આરોપીઓ ચકુભાઇ રામજીભાઇ  મારવા દોડતા સાહેદ રાજુભાઇ ઘટના સ્થળેથી જતા રહ્યા હતા.

આરોપીઓએ મરણજનારને છાતીના ભાગે માર મારી આરોપી નં. ર રમેશ માથાસુળીયા એ મરણજનાર દામજીભાઇ બચુભાઇની છાતી ઉપર બેસી જઇ આરોપી નં.૧ ચકુભાઇ વાઘેલાએ મરનાર દામજી બચુને હાથ વડે ગળાચીપ આપી મારી હત્યા કરી ઉકત આરોપીઓએ એક બીજાને મદદ કરી ગુનો કરેલ. આ બનાવ અંગે ફરીયાદી રાજુભાઇ દામજીભાઇ ચોૈહાણ કોળી (રહે. આંબલા) એ પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં ઉપરોકત આરોપીઓ (૧) વાઘેલા ચકુભાઇ રામજીભાઇ (ર) માથાસુળીયા રમેશભાઇ કરમશીભાઇ સામે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે બંન્ને આરોપીઓ સામે ઇ.પી.કો. કલમ ૩૦૨,૩૪ મુજબનો ગુનો નોંધ્યો હતો.

આ અંગેનો કેસ ભાવનગરના બીજા એડીશ્નલ સેસન્સ જજ એમ.જે. પરાશરની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ બી.જે. ખાંભલીયાની દલીલો, દસ્તાવેજી પુરાવા ૨૯, મોૈખીક પુરાવા ૧પ વિગેરે ધ્યાને લઇ આરોપીઓ ચુકભાઇ વાઘેલા અને રમેશભાઇ માથાસુળીયા સામે ઇપીકો કલમ ૩૦૨ મુજબનો ગુનો સાબિત માની બન્ને આરોપીઓને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રોકડા રૂા ૧૦ હજારનો દંડ અદાલતે ફટકાર્યો હતો. (૩.૩)

(12:00 pm IST)