Gujarati News

Gujarati News

News of Friday, 12th March 2021

ટંકારામાં ઋષિ બોધોત્સવ યોજાયો પ્રભાતફેરી ધ્વજારોહણ, સામવેદ યજ્ઞની પૂર્ણાહુતી

સિક્કિમના રાજ્યપાલ ગંગાપ્રસાદજીએ મહર્ષિ દયાનંદને શ્રધ્ધાંજલિ અર્પણ કરેલ

ટંકારા તા. ૧૨ : મહાન ક્રાંતિકારી આર્ય સમાજના સ્થાપક શ્રી મહર્ષિ દયાનંદ નો ઋષિ બોધોત્સવ તેમની જન્મભૂમિમાં દર વર્ષે ઉજવાય છે. આર્ય સમાજ ટંકારા, આર્યવીર દળ તથા આર્ય વીરાંગના દળ દ્વારા પ્રભાતફેરી યોજાયેલ. જગકો જગાનેવાલા આર્ય સમાજ હૈના નારા થી ટંકારા ગુંજી ઉઠેલ. દિલ્હીથી આર્યવીર દળ ના ૬૦ મોટર સાયકલ સવારો ટંકારા, મહર્ષિ ની પવિત્ર જન્મભૂમિમાં પધારેલ. શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટના મંત્રી અજય સહગલ, ઉપદેશક વિદ્યાલયના આચાર્ય રામદેવજી તથા વ્યવસ્થાપક રમેશભાઈ મહેતા દ્વારા સ્વાગત કરાયેલ.

સિક્કિમના રાજયપાલ શ્રી ગંગા પ્રશાદજી ઋષિ બોધોત્સવમાં પધારેલ. તેમનું ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરાયેલ. રાજયપાલ ગંગા પ્રસાદજી એ યજ્ઞમાં ભાગ લીધેલ અને આહુતી અર્પણ કરેલ. રાજયપાલ ગંગા પ્રસાદજીના હસ્તે ઓમધ્વજનું ધ્વજારોહણ કરાયેલ. રાજયપાલ ગંગાપ્રસાદજીએ મહર્ષિ દયાનંદની જન્મભુમીના દર્શન કરેલ. રાજયપાલ ગંગા પ્રસાદજીએ મહર્ષિ દયાનંદને શ્રદ્ઘાંજલિ અર્પણ કરેલ. તેમણે જણાવેલ કે મહર્ષિની પવિત્ર જન્મભૂમિ ના પાવન દર્શનથી મારું જીવન ધન્ય બન્યું છે. તેમણે જણાવેલ સિક્કિમમાં આર્ય ધર્મપાલજી એમ.ડી.એચ. મસાલાના સહયોગથી રૂપિયા બે કરોડના ખર્ચે વૈદિક આશ્રમ બની રહેલ છે. મહર્ષિ દયાનંદના વિચારોને જીવનમાં ઉતારવા અનુરોધ કરેલ.

આ પ્રસંગે આર્ય જગતના વિદ્વાન આચાર્ય જયેન્દ્રજી તથા શાંતાનંદજી ઉપસ્થિત રહેલ. આર્ય સમાજના અવિનાશભાઈ ભટ્ટ જામનગર ,મહેશભાઈ વેલાણી ભુજ તથા રણજીતસિંહ ઝાલા રાજકોટ વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહેલ.

જિલ્લા કલેકટર જે ડી પટેલ ,એસ.પી સુબોધ ઓડેદરા ડીવાયએસપી રાધિકાબેન ભારાઈ, પ્રાંત અધિકારી દેવેન્દ્રસિંહ ઝાલા મામલતદાર એન પી શુકલ, પીએસઆઇ પરમાર સહિત અધિકારીઓ તથા સ્ટાફ ઉપસ્થિત રહેલ.

(11:29 am IST)