Gujarati News

Gujarati News

News of Friday, 12th March 2021

ભાજપ સરકાર દ્વારા કોંગ્રેસ વખતની અન્ય યોજનાના નામ બદલાયા'તાઃ ભીખાભાઇ બાંભણીયા

મોટેરા સ્ટેડિયમમાં નવા નામકરણ મુદ્દે આવેદનથી ઉકેલ આવશે તેવી અપેક્ષા રાખવી અસ્થાને

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ,તા. ૧૧: જસદણના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ ડેરી તથા માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્ય છે કે અમદાવાદ મોટેરા સ્ટેડીયમનું નામ સરદાર વલ્લભભાઇ પટેલને બદલે નરેન્દ્રભાઇ મોદી સ્ટેડીયમ નામ રાખવામાં આવેલ છે. આ બાબતે નારાજગી દર્શાવતા અને સરદારનું નામ રાખવા અથવા રહેવા દેવા માટે રજુઆતો કરતાં આવેદનો આપવામાં આવ્યા છે. આંદોલનનો કરવાથી ઘણા પ્રશ્નોમાં નિરાકરણ આવેલ નથી. જેથી આવેદનથી કોઇ ઉકેલ આવશે એવી અપેક્ષા રાખવી અસ્થાને છે.

નરેન્દ્રભાઇ તથા ગુજરાત સરકારની ધગશ અને કાર્યક્ષતાને લીધે ભારતમાં ગૌરવ લઇ શકાય તેવુ સ્ટેડીયમ બન્યુ છે. તથાજેથી નરેન્દ્રભાઇનું નામ રાખવાથી ભાજપ તેમ જ તેના આગેવાનો અને કાર્યકરોને ગુજરાતને  હરખ હોય એ સ્વભાવિક છે પરંતુ ગુજરાતના પનોતા સરદારનું નામ હોય તે સારાય ભારતની આમજનતાને ગૌરવ લેવા જેવી બાબત ગણી શકાત.

પાટીદાર આંદોલન સમિતિ દ્વારા સરદારનું નામ રાખવા માટે આવેદનો આપવામાં આવેલ છે. પરંતુ સરદાર ફકત પાટીદારના નેતા હતા તેવુ નથી. ભારતની અખંડીતતા અને એકતા માટે ભારતની તમામ જનતામાં આદર્શવાદી લોખંડી પુરૂષ તરીકેની ગણના થાય છે. નરેન્દ્રભાઇ મોદી તથા ભાજપના અન્ય આગેવાનોએ અનેક વખત કોંગ્રેસ પાટીદારના નાતે વલ્લભભાઇને અન્યાય કરી વડાપ્રધાન બનવા નહોતા દીધા એવા ભાષણો અને નિવેદનો કરેલા છે. સરદારનું નામ સ્ટેડીયમમાં નહિ રાખવાથી અન્યાય થયો ગણાય કે નહીં. તેવો પ્રશ્ન ભીખાભાઇ બાંભણીયાએ ઉઠવ્યો છે.

ભીખાભાઇ બાંભણીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે ગુજરાતના મોટા ભાગના પાટીદારો ભાજપ પ્રત્યે લાગણી ધરાવે છે. છતા કેશુબાપાને ૨ વખત અને આનંદીબેનને વય મર્યાદાના બાના તળે અર્ધવચ્ચેથી દૂર કરવામાં આવ્યા અને નિતીનભાઇને મુખ્યમંત્રી બનાવવાનું નક્કી થયેલ. તેમાં છેલ્લી ઘડીયે ફેરફાર કરનારા કોણ હતા એ ગુજરાતની જનતા અને પાટીદારો વિશેષ કરીને જાણે છે છતાં મૌન રહ્યા છે એ હકીકત છે.

નરેન્દ્રભાઇ મોદીના સહકાર અને માર્ગદર્શન તથા સંકલ્પશકિતથી ભવ્ય સ્ટેડીયમનું નિર્માણ થયેલ છે. એ વાત સ્વીકારી લેવામાં આવે તો પણ સ્ટેડીયમની અન્ય સુવિધાઓ કે સંકુલ તથા કોમ્પલેક્ષમાં સરદારનું નામ રાખવામાં આવેલ છે. એવુ જાણવા મળે છે તો સ્ટેડીયમનું નામ રાખવામાં કે રહેવા દેવામાં શા માટે ફેરફાર કરવામાં આવ્યો તે જાણવા મળતુ નથી.

કોંગ્રેસ વખતની અન્ય યોજનાના નામ બદલવામાં આવ્યા છે. અમદાવાદ એરપોર્ટમાં સરદારનું નામ બદલવાના પ્રયાસો થયા છે. રામ મંદિર તેમ જ નર્મદા ડેમમાં પાટીયા ચડાવવાનું ભગીરથ કાર્ય થયું છે. તેમાં પણ કોઇની પ્રતિમા કે નામ રાખવામાં આવે તો નવાઇ પામવા જેવુ નથી. તેમ અંતમાં ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું છે.

(11:26 am IST)