Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

જેતપુર પંથકની સગીરા ઉપરના દુષ્કર્મના કેસમાં પકડાયેલ કોળી શખ્સને કોર્ટ દ્વારા ૧૦ વર્ષની સજા

રાજકોટ તા.૧૨: જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામે આજથી ત્રણ વર્ષ પહેલાં એક સગીર કન્યાને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ ગુજારવાના ગુનામાં પકડાયેલા શખ્સને જેતપુરના સ્પેશ્યલ પોકસો જજે ૧૦ વર્ષની સખ્ત કેદની સજા સાથે ૨૦ હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો છે.

જેતપુરના થાણાગાલોલ ગામે રહેતો એક શ્રમિક પરિવાર ગત તા. ૧૫-૨-૧૬ના રોજ મજુરીકામે  ગયો હતો ત્યારે બાજુમાં જ રહેતો સાવન ભલા કોળી નામનો શખ્સ આ પરિવારની ૧૬ વર્ષીય સગીર વયની કન્યાને લલચાવી ફોસલાવી નસાડી ગયો હતો. આ સંદર્ભની ફરિયાદ તરૂણીના પરિવારજનોએ તા. ૨૪-૨-૧૬ના રોજ જેતપુર તાલુકા પોલીસ મથકમાં નોંધાવી હતી. પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, મૂળ ગોંડલના ચોરડી ગામનો સાવન ભલા કોળી નામનો શખ્સ ત્રણેક વર્ષ પહેલાં થાણાગાલોલ ગામે રહેવા આવ્યો હતો. આ શખ્સે બાજુમાં જ રહેતા શ્રમિક પરિવારની સગીર વયની કન્યાને પોતાની પ્રેમજાળમા઼ ફસાવી હતી. અને તેને લગ્નની લાલચ આપીને નસાડી ગયો હતો. શ્રમિક પરિવારની ફરિયાદના પગલે જેતપુર તાલુકા પોલીસે થોડા દિવસો બાદ સાવન ભલા કોળીને ઝડપી લીધો હતો અને સગીર કન્યાને તેના પરિવારજનોને સોંપી હતી. દરમિયાનમાં જેલહવાલે રહેલા સાવન કળી સામેનો કેસ જેતપુરના સ્પેશ્યલ પોકસો જજની કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ જયેશ ઠક્કરે કેસ સાબિત માની સાવન કોળીને ૧૦ વર્ષની સખ્ત કેદ અને ૨૦ હજારનો દંડ ફટકાર્યો હતો. આ કામમાં સરકાર તરફે એપીપી પંડયા રોકાયા હતા.(૧.૩)

(11:52 am IST)