Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

અજમેરમાં ખ્વાજા સાહેબનાં ૮૦૬ માં ઉર્ષ પ્રસંગે નરેન્દ્રભાઇ તરફથી ચાદર ચઢાવાશે

વાંકાનેર તા. ૧રઃ રાજસ્થાનના અજમેર ખાતે એકતાના પ્રતિક સમા ખ્વાજા મોઇનુદીન ચિશ્તી (રહે.) ની દરગાહ શરીફે ૮૦૬ મો ઉર્ષ આગામી રપ માર્ચે સંભવતઃ મનાવાશે.

નરેન્દ્રભાઇ મોદી જયારથી પી.એમ. પદે આરૂઢ થયા ત્યારથી દર વર્ષે અજમેર દરગાહ શરીફના ઉર્ષ પ્રસંગે વડાપ્રધાન તરફથી ચાદર અચૂકપણે ચઢાવવામાં આવી રહી છે. આ વેળા પણ આગામી ૮૦૬ માં ઉર્ષ પ્રસંગે કેન્દ્રીય અલ્પસંખ્યક મામલાના મંત્રીશ્રી સહિતના ભાજપ નેતાઓ દરગાહ શરીફે જઇને વડાપ્રધાન તરફથી ચાદર ચઢાવાશે. પ્રારંભના અહેવાલમાં આ ચાદર આગામી ૧૭ માર્ચે ચઢાવાશે તેવું જાહેર કરાયેલું જો કે તારીખનો સમય હજુ ચોકકસ નકકી થવા પામેલ નથી.

વિતેલા ર૦૧૭ ના વર્ષમાં ઉર્ષ પ્રસંગે મેં અજમેર દરગાહ શરીફે હાજરી આપેલી. વિવિધ રાજયોમાંથી વિવિધ ચાદરો જોવા મળેલ. વડારધાન મોદી તરફથી તે વેળા મુખ્તાર અબ્બાસ નકવી ચાદર લઇને દરગાહ શરીફે હાજર થયા હતાં. સોનિયા ગાંધી તરફથી ચાદર લઇને અશોક ગેહલોત જોવા મળેલા. અન્ય નેતાઓ પૈકી કપિલ સિબ્બલ પણ ઉર્ષ પ્રસંગે જોવા મળેલા. આ દરગાહ શરીફને કોમી એકતાના પ્રતિકનું બિરૂદ એટલે આપવામાં આવે છે કે કારણ કે ઉર્ષ પ્રસંગે દેશભરમાંથી વિવિધ જાતિ અને વિવિધ સંપ્રદાયના વિપૂલ શ્રધ્ધાળુઓ આસ્થાભેર અહીં હાજરી આપે છે.

વાઇકી પિડીયાની આ વિષયક ઐતિહાસિક માહિતી મુજબ જોઇએ તો હઝરત ખ્વાજા ગરીબ નવાઝ. મોઇનુદ્દીન ચિશ્તી (રહેમતુલ્લાહ અલયહે) નો જન્મ પ૩૬ હિજરીમાં થયો હતો. દક્ષિણ એશિયાના આ સંત ભારત આવ્યા અને અજમેર ખાતે નિવાસસ્થાન બનાવ્યું.

અજમેર દરગાહ શરીફને ભારત સરકારના એકટ ૧૯પપ અંતર્ગત માન્યતા પ્રાપ્ત છે. ભારત સરકારે દરગાહ માટે સમીતી બનાવી છે. જે દરગાહમાં જમા થતા ચઢાવાઓ વગેરેનો હિસાબ રાખે છે. અને દરગાહ આસપાસના ક્ષેત્રોની સાર સંભાળ પણ રાખે છે. અન્ય સુવિધાઓ વગેરે ખાદીમો અંજામ આપે છે.

વેબ દુનિયાની સાઇટની માહિતી મુજબ અજમેર ખ્વાજા સાહેબની દરગાહના લોકેશનનું વર્ણન આ મુજબ જોવા મળે છે. ''તારાગઢ પહાડીની તળેટી સ્થિત આ દરગાહ શરીફ વાસ્તુકલાની દૃષ્ટિ એ પણ બેજોડ છે. અહીં ઇરાની અને હિંદુસ્તાની વાસ્તુકલાનો સુંદર સંગમ જોવા મળે છે. દરગાહનું પ્રવેશ દ્વાર અને ધુમ્મટ બેહદ સુંદર છે. તેનો અમુક ભાગ અકબરે તો કેટલોક ભાગ જહાંગીરે પુરો કરાવ્યો હતો. એવું માનવામાં આવે છે કે, દરગાહને પાકી કરવાનું કામ માંડુના સુલ્તાન ગ્યાસુદ્દીન ખિલજીએ કરાવ્યું હતું. દરગાહની અંદર શ્રેષ્ઠ નકશીકામ કરાયેલ ચાંદીનો કટઘરો છે. જેની અંદર ખ્વાજા સાહેબનો મઝાર છે. જેને જયપુરના મહારાજા જયસિંહે બનાવડાવેલ. દરગાહમાં એક ખુબસુરત મહેફીખાનું પણ છે. જયાં કવ્વાલો ખ્વાજાની શાનમાં કવ્વાલીઓ ગાય છે. દરગાહની આસપાસ અન્ય ઐતિહાસિક ઇમારતો પણ મોજુદ છે. અહીં બે મોટી દેગો રખાઇ છે. આ વિશાળ દેગો બાદશાહ અકબર અને જહાંગીરે રખાવેલી. ત્યારથી લઇને અત્યાર સુધી આ દેગોમાં કાજુ-બદામ-પીસ્તા એલચી-કેશર સાથે ચોખા પકાવાય છે અને ગરીબો-શ્રધ્ધાળુઓને બાંટવામાં આવે છે. (૭.૧૭)

(12:01 pm IST)