Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

જસદણ નાગરીક બેંકની લોનમાં મોર્ટગેજ કરેલ પ્લોટો બારોબાર વેચી નાખ્યાઃ ૪ સામે ફરીયાદ

નાગરીક બેંકનુ ૩.૫૧ કરોડનું લેણુ હોવા છતા મંજુરી વગર પ્લોટો વેચી નાખનાર મિલન વઘાસીયા, વિજયાબેન વઘાસીયા, સુજીત વઘાસીયા તથા રમેશ વઘાસીયા સામે ગુન્હો નોંધાયો

રાજકોટ, તા. ૧૨ :. જસદણ નાગરીક બેંકમાં લોન ચાલુ હોવા છતા લોનમાં મોર્ટગેજ કરેલ પ્લોટો બેંકની મંજુરી વગર બારોબાર વેચી નાખનાર ૪ સામે પોલીસમાં ફરીયાદ થઈ છે.

જસદણ નાગરીક બેંકમાં ફરજ બજાવતા ભાર્ગવભાઈ પારેખએ મિલન રમેશભાઈ વઘાસીયા, વિજયાબેન રમેશભાઈ વઘાસીયા, સુજીતભાઈ રમેશભાઈ વઘાસીયા તથા રમેશ લાખાભાઈ વઘાસીયા રહે. કૈલાશનગર જસદણ સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી નં. ૧ થી ૩ પોતાની હરીક્રિષ્ન વેપારી પેઢીના ભાગીદાર હોય ધંધાના વિકાસ માટે ૨.૫૦ કરોડની બેંકમાંથી સીસી લોન મેળવેલ. આ લોનની જામીનગીરી તરીકે આરોપી નં. ૪ના હોય જેમાં જામીન પેટે રેવન્યુ સર્વે નં. ૧૨૫૭ પૈકી ૫ પૈકી ૨ના કુલ ૪૭ પ્લોટના અસલ દસ્તાવેજ બેન્કને સોંપી મોર્ટગેજ કરેલ. જેમાં આરોપી નં. ૪ના આરોપી નં. ૧ને પાવર ઓફ એટર્ની કરી અને અન્ય આરોપીઓ સાથે મળી પૂર્વયોજીત કાવત્રુ રચી બેંકની પૂર્વ મંજુરી વગર અસલ દસ્તાવેજો બેંક હસ્તગત મોર્ટગેજ કરેલ હોવા છતા ૪૭ પ્લોટો પૈકી ૧૪ પ્લોટ આરોપી નં. ૪નાએ પાવર ઓફ એટર્નીના આધારે બારોબાર અન્ય વ્યકિતઓને વેચાણ દસ્તાવેજ કરી આપ્યા હતા. બેંકનું ૩.૫૧ કરોડનું લેણુ હોવા છતા બેંકની મંજુરી વગર મોર્ટગેજ કરેલ પ્લોટો બારોબારી વેચી નાખી બેંક સાથે છેતરપીંડી કરી હતી.  આ ફરીયાદ અન્વયે જસદણ પોલીસે ઉકત ચારેય સામે ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ જસદણના પીઆઈ કે.જે. રાણા ચલાવી રહ્યા છે.

(12:48 pm IST)