Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

જામકંડોરણામાં ૫ વર્ષમાં ડબલ રૂપિયાની સ્કીમની લાલચ આપી લાખોની છેતરપીંડી

વેલકમ રીયલ એસ્ટેટ એન્ડ બિલ્ડકોન પ્રા.લી.ના એજન્ટ ચંદુ મકવાણા-ચેરમેન તથા ડીરેકટર સહિતના સામે પોલીસમાં ફરીયાદ : ધોળીધાર ગામે ભરતભાઈ ચાવડાને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ધમકી અપાઈઃ ૪ સામે ફરીયાદ

રાજકોટ, તા. ૧૨ :. જામકંડોરણામાં ૫ વર્ષમાં ડબલ રૂપિયા થઈ જશે તેવી સ્કીમ મુકી અનેક લોકો સાથે લાખોની છેતરપીંડી કરનાર વેલકમ રીયલ એસ્ટેટ એન્ડ બિલ્ડકોન પ્રા.લી.ના એજન્ટ, ચેરમેન તથા ડીરેકટર સહિતના સામે પોલીસમાં ફરીયાદ થઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ જામકંડોરણા ઈન્દીરાનગરમાં રહેતા કારીબેન જીવાભાઈ બગડાએ વેલકમ રીયલ એસ્ટેટ એન્ડ બિલ્ડકોન પ્રા.લી.ના એજન્ટ ચંદુભાઈ મંગાભાઈ મકવાણા રહે. ઈન્દીરાનગર-જામકંડોરણા તથા ચેરમેન, ડીરેકટર તથા તપાસમાં ખૂલે તે તમામ સામે જામકંડોરણા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ પૂર્વયોજીત કાવત્રુ રચી જામકંડોરણા ગોકુલધામ સોસાયટીમાં રીયલ એસ્ટેટ એન્ડ બિલ્ડકોન પ્રા.લી. નામની કંપની ખોલી તેના જુદા જુદા એજન્ટો બનાવી ૫ વર્ષમાં ડબલ રૂપિયા થઈ જશે તેવી લોભામણી સ્કીમો મુકી ગ્રાહકોને માસિક, ત્રિમાસિક, છ માસિક, વાર્ષિક એવી ફીકસ્ડ ડીપોઝીટ કરાવી ગ્રાહકોને સર્ટીફીકેટ તથા રીસીપ્ટ આપી પાકતી મુદતે નાણા નહી આપી છેતરપીંડી કરી હતી. આ રીતે ફરીયાદીના રૂ. ૩૩૦૦૦ તથા અન્ય ગ્રાહકોના લાખો રૂપિયા પાકતી મુદતે નહી ચુકવી ઓફિસ બંધ કરી નાસી ગયો હતો.  આ ફરીયાદ અન્વયે જામકંડોરણા પોલીસે ઉકત તમામ સામે ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ ધોરાજીના સીપીઆઈ એચ.એ. જાડેજા ચલાવી રહ્યા છે.

અન્ય એક બનાવમાં જામકંડોરણા તાલુકાના ધોળીધાર ગામે લક્ષ્મીબેન સરસીયાના મકાને બાંધકામનું કામ કરતા ભરત ડાયાભાઈ ચાવડાને તે જ ગામના અશ્વિન દિનેશભાઈ સરસીયા, દિનેશ લાધાભાઈ સરસીયા, હંસાબેન દિનેશભાઈ સરસીયા તથા મયુર દિનેશભાઈ સરસીયાએ કાંઠલો પકડી ગાળો આપી જાનથી મારી નાખવી ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત શબ્દો કહી હડધૂત કરતા ઉકત ચારેય સામે જામકંડોરણા પોલીસ મથકમાં ફરીયાદ થઈ છે.

(12:13 pm IST)