Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

દુબઇના શેખ માટે કચ્‍છના માંડવીમાં 8 કરોડના ખર્ચે 3 માળના વહાણનું નિર્માણઃ 207 ફુટ લંબાઇ-18 ફુટ ઉંચાઇ અને 45 ફુટ પહોળાઇવાળા વહાણને બનાવવા મલેશિયા અને ઇન્‍ડોનેશિયાના લાકડાનો ઉપયોગ

માછીમારો માટે 7 થી 8 સ્‍પીડ બોટ રાખી શકાશેઃ 9 રૂમ, 2 કોલ્‍ડ સ્‍ટોરેજ અને 2 સ્‍ટોર રૂમનો સમાવેશ

ભુજ: કચ્છ એક ભૌગોલિક રીતે રણ વિસ્તાર ધરાવે છે. અહીં રણ, દરિયો અને ડુંગરો આવેલા છે. કચ્છના બંદરીય શહેર માંડવી કે જે દરિયાઈ વહાણ બનાવવા માટે જાણીતું છે. એક સમયે માંડવી ખૂબ મોટું વ્યાવસાયિક બંદર હતું અને 84 દેશના વાવટા અહીં ફરકતા હતા. કાળક્રમે તેનો વેપાર ઓછો થતો ગયો, પરંતુ પરંપરાગત ધંધાર્થીઓ હજુ પણ એ કળાને સાચવી રહ્યાં છે. વર્ષોથી અહીં અનેક પરિવારો વહાણ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. છેલ્લાં ત્રણ વર્ષથી અહીં દુબઈના એક શેખ પરિવારનું વહાણ બની રહ્યું છે, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ વહાણ અત્યાર સુધી માંડવીમાં નિર્માણ પામેલ વહાણો પૈકીનું સૌથી મોટો વહાણ છે.

માંડવીમાં આવેલો વહાણવટા ઉદ્યોગ વર્ષો જૂનો છે. માંડવી શહેરમાં દેશ-વિદેશના વહાણનું નિર્માણ થાય છે. અહીંના મિસ્ત્રી, લોહાર વાંઢાઓ પાસે દેશના જ નહિ, પરંતુ વિદેશના ગ્રાહકો મનગમતા વહાણ બનાવવાનો પણ ઓર્ડર આપે છે. અહીં વસતા લોકોની 4 થી 5 પેઢીઓ આ વહાણવટા ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. માંડવીમાં સલાયા નજીકના રુકમાવતી નદીના પટ્ટમાં ઇબ્રાહિમ ઇસ્માઇલ મિસ્ત્રીના નેતૃત્વમાં ત્રણ માળનું વહાણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ વહાણનો ઓર્ડર દુબઈના શેખ મોહમ્મદ રશીદ અલમકતુમના ભાઈએ આપ્યો છે. ટૂંક સમયમાં આ વહાણનું કાર્ય પૂર્ણ થશે અને તેને દુબઈ લઈ જવામાં આવશે.

 જાવેદ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ વહાણ અંદાજિત 7 થી 8 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. પરંતુ પછી અન્ય સુધારા વધારા અને સવલતો ઉભી કરવાથી આ વહાણનો ખર્ચ 9 થી 10 કરોડ રૂપિયા જેટલો થશે. આ ત્રણ માળના વહાણને બનાવવા પાછળ દૈનિક 25 કારીગરની મહેનત સાથે ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો છે. ઉપરાંત આ વહાણનું નખશિખ તમામ બાંધકામ માનવસર્જિત છે. એનું કામ અતિચીવટ અને બારીકાઈથી કરવામાં આવ્યું છે.

વહાણ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલ લાકડાં મલેશિયા અને ઇન્ડોનેશિયાથી આયાત કરવામાં આવ્યા છે અને આ લાકડાઓનું કટિંગ માંડવી ખાતે કરવામાં આવ્યું છે. તો દેશી બાવળના થડનો પણ એમાં ઉપયોગ કરાયો છે. કુલ 23,000 સ્ક્વેર ફૂટ લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વહાણની લંબાઈ 207 ફૂટ છે, પહોળાઈ 45 ફૂટ છે અને 18 ફૂટ ઊંચાઈ છે.

આ વહાણનો ઉપયોગ માછીમારી માટે કરાશે. દુબઈના શેખના ભાઈ માટે તૈયાર કરાયેલા વહાણ દ્વારા દુબઈના આસપાસના સમુદ્રી વિસ્તારમાં માછીમારી કરાશે. માછીમારી માટે વહાણમાં 7થી 8 જેટલી સ્પીડ બોટ રાખવામાં આવશે, જે જહાજમાં લાગેલા ક્રેન દ્વારા નીચે દરિયામાં ઉતારવામાં આવશે અને જેના દ્વારા એકત્ર થયેલી માછલીઓને જાળવી રાખવા વહાણમાં ફિશ સ્ટોરેજની સુવિધા પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત વહાણમાં કુલ 9 જેટલા રૂમ છે તથા 2 કોલ્ડ સ્ટોરેજ અને 2 સ્ટોર રૂમ પણ છે.

આગામી એક મહિનામાં બાકીનું કાર્ય પૂર્ણ કરાશે અને વધુ કામગીરી દુબઈમાં થશે. વહાણમાં લગાવવાના શક્તિશાળી ઇન બોટ મશીન, એન્જિન, લાઈટિંગ, પંખા અને સંદેશાવ્યવહારનાં ઉપકરણો દુબઈ ખાતે લગાડવામાં આવશે. શિપને હજુ નામ નથી અપાયું, પણ દૂબઈમાં જ શિપનુ નામકરણ થશે. આ શિપને અન્ય શિપ સાથે ટોઇંગ કરી દુબઈ પહોંચાડવામાં આવશે.

આમ ‘મેક ઈન ઈન્ડિયા’ ના પ્રચારથી માંડવીના વહાણ ઉદ્યોગમાં પ્રાણ પુરાયો છે. આ પ્રચાર પ્રસાર થકી ફરીથી આ પોર્ટ અને વહાણવટુ જીવંત થાય તો માંડવી બંદર ફરી ધમધમતું થાય એવું સ્થાનિક લોકો ઈચ્છી રહ્યા છે.

(3:35 pm IST)