Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

બામણબોરમાં તસ્કરો ત્રાટકયા : ત્રણ મકાનમાં રૂ. ૪.૪૭ લાખની ચોરી

મંદિરના પૂજારી પરેશભાઇના મકાનમાંથી ૪.૧૪ લાખની મત્તા તથા પાડોશી ગુણવંતભાઇ અને અનંતરાયભાઇના મકાનમાંથી રૂ. ૨૮ હજારના રોકડ અને દાગીના તસ્કરો ચોરી ગયા ચાર તસ્કરો સીસીટીવી કેમેરામાં દેખાયા

રાજકોટ તા. ૧૧ : બામણબોરના નવાપરા વિસ્તારમાં રહેતા મંદિરના પુજારીના મકાન સહિત ત્રણ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનના તાળા તોડી રોકડ તથા દાગીના મળી રૂ. ૪,૪૭,૨૦૦ની મત્તા ચોરી જતા ફરિયાદ થઇ છે. ચાર તસ્કરો સીસીટીવી ફૂટેજમાં દેખાતા એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ, બામણબોરમાં નવાપરા વિસ્તારમાં રહેતા અને મંદિરમાં સેવા પૂજા કરનાર પરેશભાઈ અનંતરાય ઉર્ફે હકાભાઇ દુધરેજીયા (ઉ.વ ૪૧) દ્વારા એરપોર્ટ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તારીખ ૯/૧૨ ના સાંજથી તારીખ ૧૦/૧૨ ના બપોર સુધીના સમયગાળા દરમિયાન તેમના મકાનને તસ્કરોએ નિશાન બનાવી અહીંથી સોના ચાંદીના ઘરેણા રૂપિયા ૩,૭૪,૨૦૦ તથા રોકડ રૂપિયા ૪૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૪,૧૪,૨૦૦ ની મત્તા તસ્કરો ઉઠાવી ગયા હતા.

તેમના દાદીમાનુ થોડા દિવસો પૂર્વે જ અવસાન થયું હોય તેમની ધાર્મિક વિધિ માટે તેઓ વતન નવાગામ ગયા હતા. દરમિયાન એક દિવસ માટે બંધ રહેલા તેમના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, પરેશભાઈ ઉપરાંત તેમના પાડોશમાં રહેતા ગુણવંતભાઈના ઘરમાં પણ તસ્કરોએ ત્રાટકી રોકડ રૂપિયા ૪૫૦૦ તથા અન્ય એક પડોશીના ઘરમાંથી ચાંદીના સાંકડા અને રોકડ રૂપિયા સહિત ૨૮૫૦૦ની મત્તા ચોરી કરી ગયા હતા.ત્રણે મકાનોને નિશાન બનાવી કુલ રૂપિયા ૪,૪૭,૨૦૦ની ચોરી કરી ગયા હતા.

આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ એરપોર્ટ પોલીસ મથકના પી.એસ.આઇ વી.સી. પરમાર તથા સ્ટાફે બનાવસ્થળે પહોંચી જઈ તપાસ શરૂ કરી હતી અને નજીકમાં જ આવેલા એક સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસતા ચાર શખસો નજરે પડ્યા હતા જે ફૂટેજના આધારે પોલીસે ચોરીના બનાવોનો ભેદ ઉકેલવા માટે તપાસ હાથ ધરી છે.

(2:20 pm IST)