Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

મોરબીનું પીલુડી (વાઘપર) ૧૯૬૩થી સતત સમરસ! બીજી ટર્મમાં પણ સર્વસત્તાધીશ માત્ર મહિલાઓ

ક્ષત્રિય બહુમતી ધરાવતા ગામમાં મહિલાઓને મોભાદાર સ્થાન, પંચાયત બોડીમાં તમામ મહિલાઓને જ સતાની ડોર સોંપાઈ : પાંચ વર્ષમાં ગામમાં એક પણ પોલીસ કેસ નોંધાયો નથી ! રોટેશન વગર પણ મહિલાઓને સતાનું સુકાન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૧ : આજના હાઈટેક યુગમાં દરેક ક્ષેત્રમાં પુરૂષો કરતા મહિલાઓ વધુ ચડિયાતી સાબિત થઈ છે. એમાં પણ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં મહિલાઓને સતાનું સુકાન સોપાઈ તો જે તે ગામનો સર્વાંગી વિકાસ થાય છે. આ વાતને કેન્દ્રમાં રાખી મોરબીના નાના એવા પીલુડી(વાઘપર) ગામમાં સતત બીજી ટર્મમાં પણ માત્ર મહિલાઓને જ ગ્રામ પંચાયતની શાસનઘુરા સોપાઈ છે. આ ગામ બીજી ટર્મમાં સમરસ થવાની સાથે જ માત્ર મહિલાઓને સતા આપવાની બાબતમાં આદર્શવાદી પુરવાર થયું છે.મજાની વાત્ત્। તો એ છે કે, ૧૯૬૩ થી સતત સમરસ બનતા આ નાના એવા આદર્શ ગામમાં છેલ્લા પાંચ વર્ષમાં એકપણ પોલીસ કેસ પણ નોંધાયો નથી.

મોરબીથી ૨૭ કિમિ દૂર આવેલ અને માળીયા તાલુકાની નજીક તેમજ મોરબીનું છેવાડાનું કહી શકાય એવું પીલુડી(વાઘપર) ગામે સ્ત્રી સશકિતકરણની દિશામાં ઉમદા મિશાલ કાયમ કરી છે. ગામની વસ્તી માત્ર ૫૦૦ ની જ છે. ક્ષત્રિય બહુમતી ધરાવતા આ ગામમાં ગામ લોકોની વિચારધારા કયારેક જડવાદી કે સંકુચિત બની નથી. હમેશા ગ્રામજનો ગામના સર્વાંગી વિકાસ માટે નાત જાત અને  સ્ત્રી-પુરુષ વચ્ચેના ભેદભાવને ભૂકીને ગામના હીતમાં નિર્ણય લે છે.

સૌથી વધુ નોંધનીય બાબત એ છે કે દેશમાં જયારથી પંચાયતી રાજ અમલમાં આવ્યું એટલે કે વર્ષ ૧૯૬૩ થી આજની તારીખે આ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જ થઈ નથી. આથી આગેવાનો અને ગ્રામજનોના પ્રયાસથી વર્ષ ૧૯૬૩ થી પીલુડી(વાઘપર) ગ્રામ પંચાયત સમરસ થતી આવે છે. આથી સરકારની યોજના મુજબ સતત પાંચ વખત સમરસ થતા આ ગામને રૂ.૧૧ લાખની ગ્રાન્ટ મળશે. ગામમાં મહિલા અનામત ન હોવા છતાં ગ્રામજનોએ મહિલાઓને પ્રમોટ કરી સતત બીજી ટર્મમાં આ ગ્રામ પંચાયત મહિલા સમરસ જાહેર કરી ગામના સરપંચ પદે અને સભ્યો તરીકે આખી બોડીને મહિલાઓને હવાલે કરી દીધી છે.

આ છે ગામના નવા મહિલા સુકાનીઓ

સરપંચ તરીકે ૬૮ વર્ષના ઇન્દ્રાબા વેલુંભા જાડેજા, સભ્ય તરીકે રેખાબેન ગોપાલભાઈ સિરોહીયા, પાલુબેન દલાભાઈ પરમાર, પ્રકાશબા ગિરિરાજસિંહ જાડેજા, મીનાબા અરવિંદસિંહ જાડેજા, મીનાબા ઉપેન્દ્રસિંહ જાડેજા, જયશ્રીબા બાપાલાલ જાડેજા, મીતાબા શકિતસિંહ જાડેજા, હંસાબા મોહનસિંહ જાડેજા.

ગામની તમામ મહિલાઓ કુશળ

ગામમાં  સ્ત્રી અને પુરૂષોની સરખી જ છે અને ગામની મહિલાઓ તોરણ, શિવણ, ગુથણ, જેવા ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. અને મહિલા સંચાલિત ગામમાં દૂધની ડેરી પણ છે.

વસ્તી કરતા પશુ-પક્ષીઓ તેમજ વૃક્ષોની સંખ્યા ડબલ

ગામમાં પ્રકૃતિનું વધુ જતન કરતું હોવાથી ગામની વસ્તી કરતા ડબલ ૧ હજાર વૃક્ષો અને ૧ હજાર પશુ પક્ષીઓ છે. જેમાં સૌથી વધુ મોર પક્ષીનો સમાવેશ થાય છે ગામમાં મોર પક્ષીઓની સંખ્યા ૨૦૦ થી વધુ છે અને વૃક્ષોથી ગામ હર્યુંભર્યું છે.

છેલ્લા પાંચ વર્ષમાં એકપણ પોલીસ કેસ થયો નથી

ગામમાં એટલો સંપ અને સહકાર છે કે છેલ્લા પાંચ વર્ષમાં પોલીસે ગામમાં પગ જ મુકયો નથી. છેલ્લા પાંચ વર્ષમાં એકપણ પોલીસ કેસ થયો નથી. એટલે આ ગામ ખરેખર આદર્શવાદી છે.(૨૧.૧૪)

મોરબીમાં જરૂરીયાતમંદ બાળાઓને વિનામૂલ્યે અભ્યાસ માટે એડમીશન અપાશે

મોરબી તા. ૧૧ : મોરબી જીલ્લામાં જરૂરિયાતમંદ બાળાઓને વિનામૂલ્યે અભ્યાસ માટે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિદ્યાલય ખાતે એડમીશન આપવામાં આવશે.

મોરબી જીલ્લાના તમામ વિધવા બહેનો અને વિકલાંગ માતાપિતાઓ જોગ યાદીમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લા સમાજ સુરક્ષા કચેરી, મોરબી જીલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્ડ વેલ્ફેર કમિટી અંતર્ગત એક વાલી વાળી બાળકીઓને વિના મુલ્યે કોઈપણ ચાર્જ લીધા વગર વિકાસ વિદ્યાલયમાં કાળજી અને રક્ષણ હેઠળ દાખલ કરવામાં આવશે અને બાળાઓને અભ્યાસ પૂરો પાડવામાં આવશે જે બાળાઓનો જીવન જરૂરિયાતનો તમામ ખર્ચ સરકાર દ્વારા આપવામાં આવશે

વધુ માહિતી માટે વિકાસ વિદ્યાલય શોભેશ્વર રોડ મોરબી ખાતે ભરતભાઈ નિમાવત મોબાઈલ નંબર ૯૪૨૮૨ ૧૦૧૪૯ પર સંપર્ક કરવો.(૨૧.૧૪)

માળિયાની રાસંગપર ગ્રામ પંચાયત આઠમી વખત સમરસ : સરપંચ તરીકે અશોકભાઈ ઘૂમલીયાની નિમણુક

મોરબી તા. ૧૧ : માળિયા તાલુકાની રાસંગપર ગ્રામ પંચાયત સતત આઠમી વખત સમરસ જાહેર કરાઈ છે ગામના યુવા આગેવાનો અને વડીલો તેમજ સમસ્ત ગ્રામજનોના સમર્થનથી સરપંચ તરીકે ઘૂમલીયા અશોકભાઈ દેવજીભાઈ બિનહરીફ ચૂંટાયા છે.

જયારે સભ્ય તરીકે હેતલબેન બળદેવભાઈ રંગપરીયા, સંજયભાઈ નિમાવત, યોગેશભાઈ સનાળિયા, રામજીભાઈ બુડાસણા, રમેશભાઈ બાવરવા, રંજનબેન શેરશીયા, અરૂણાબેન ઓગણજા અને મનીષાબેન આદ્રોજાની વરણી કરાઈ છે.

(2:19 pm IST)