Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

પોરબંદરમાં શહીદ વીર નાગાર્જુન મોઢવાડીયાની સોમવારે પ૦મી પુણ્યતિથીઃ શહીદ વંદના સમારોહ

૧૯૭૧ના પાકિસ્તાન સામે યુધ્ધમાં લડતા નાગાર્જુન મોઢવાડીયા વીર ગતિ પામેલઃ સમારોહમાં મુખ્ય વકતા તરીકે પૂ. ઇન્દ્રભારથી પધારશે

પોરબંદર તા. ૧૧ :.. સને ૧૯૭૧ ના પાક સામેના યુધ્ધમાં લડતા વીર ગતિ પામેલા શહીદ વીર નાગાર્જુન મોઢવાડીયાની તા. ૧૩મીએ સોમવારે પ૦મી પુણ્યતિથી નિમિતે શહીદ વંદના સમારોહ યોજાશે. જેમાં પૂ. ઇન્દ્રભારથી બાપુ મુખ્ય વકતા તરીકે સંબોધન કરશે.

ભાવસિંહજી હાઇસ્કુલના મેદાનમાં શહીદ વીર નાગાર્જુન મોઢવાડીયાને શ્રધ્ધાંજલી અર્પવા શહીદ વંદના સમારોહ યોજાશે. શહીદ વંદના સમારોહ હોવાથી મુખ્ય વકતા તરીકે રૂદ્રેશ્વર જાગીર  ઘાંટવડના મહંત પ.પૂ. ઇન્દ્રભારથી બાપુ ઉપસ્થિત રહીને શબ્દાંજલી અર્પણ કરશે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયા હાજરી આપશે. તા. ૧૩ ડીસેમ્બરના બપોરે ચાર વાગ્યે ભાવસિંહજી હાઇસ્કુલના મેદાનમાં યોજાનાર આ શ્રધ્ધાંજલી સમારોહમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાશે.

શહીદ વીર નાગાજણ સીસોદીયા સ્મારક ટ્રસ્ટના પ્રમુખ રામદેવભાઇ મોઢવાડીયા અને ટ્રસ્ટી દેવશીભાઇ સીસોદીયાએ જણાવ્યું છે કે, નાના એવા મોઢવાડા ગામમાં જન્મીને પાકિસ્તાન સામેના યુધ્ધમાં સામી છાતીએ લડનારા આ જવા મર્દની પ૦મી શહીદદીનની શ્રધ્ધાંજલીના કાર્યક્રમમાં રાષ્ટ્રાંજલી અર્પણ થશે.

કોંગ્રેસના યુવા આગેવાન દેવશી મોઢવાડીયાએ શહીદ વીરની શૌર્યગાથા રજુ કરતા જણાવ્યું છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર એ રાજય અને રાષ્ટ્રને અનેકવિધ પ્રતિભાઓની ભેટ ધરી છે. બરડાની ગોદમાં અને અરબી સમુદ્રના તટ પરનો આ વિસ્તાર જ કંઈક નોખી માટીનો છે, ઉજળા અને ગૌરવપ્રદ ઈતિહાસ ધરાવતા મહેર સમાજે રાજાશાહી હોય કે લોકશાહી...જયારે-જયારે માતૃભૂમિના રક્ષણની વાત આવી છે ત્યારે હસતા મોઢે મહામુલા બલિદાનો આપ્યા છે. તેનું તાજું ઉદાહરણ એટલે ભારત-પાકિસ્તાન સામે ૧૯૭૧ ના યુદ્ઘના કાશ્મીરના છામ્બ મોરચે ભારતીય આર્મીની ગુરખા રેજીમેન્ટની ઈન્ટેલીજન્સ વીંગમાં સેકન્ડ લેફટનન્ટ તરીકે ફરજ બજાવતા બજાવતા માત્ર ૨૧ વર્ષની વયે અભૂતપૂર્વક પરાક્રમ અને શોર્ય દાખવી ૧૩ ડિસેમ્બરના રોજ વીરગતિ પ્રાપ્ત કરનાર પોરબંદરના પનોતા પુત્ર અને મહેરસમાજના લાડકવાયા અમર શહીદ નાગાર્જુન સિસોદીયા સોમવારે તેમની ૫૦ મી પુણ્યતિથી છે

લોકસાહિત્યમાં એક કહેવત છે 'જયાં થતા હોય ત્યાં થાય', નાગાર્જુન સિસોદીયાનું માદરે વતન એટલે પોરબંદર જીલ્લાનું ભકત-દાતાર અને શૂરવીરોની ખાણ સમાન મોઢવાડા ગામ. ભકિતક્ષેત્રે ટોચ પર બિરાજતા લીરબાઈ માતાજી અને જીવન ભગતની ભૂમિ, બહારવટું ખેલ્યું હોવા છતાં ભગત થઈ પૂજનાર મહેર જવામર્દ નાથાભગત મોઢવાડિયા, ગાયુંના ધણને બચાવવા માથું પડ્યા પછી પણ જેનું ધડ લડયું હતું એ શૂરવીર હાથીયા મોઢવાડીયા, ગામના રક્ષણ માટે શહાદત વહોરનાર રીણો ભોજાણી હોય કે અમર શૂરવીર દુદા ધ્રાંગડ પણ આ ગામની માટીના રતન હતા. એ જ પરંપરાને આગળ ધપાવી અપ્રતિમ શોર્ય દાખવીને દેશના સીમાડાના રક્ષણ માટે શહાદત વહોરનાર અમર શહીદ નાગાર્જુન સિસોદીયાએ.

શહીદવીર નાગાર્જુન સીસોદીયાનો જન્મ આફ્રિકાના નાયરોબીમાં આર્થિક રીતે સમુદ્ધ પરિવારમાં થયો હતો. પિતા કરશનભાઇ અને માતા રૂડીબેન અને બે ભાઇઓ અનેએક બહેન સાથે નાગાર્જુન સીસોદીયાનું બાળપણ આફ્રિકામાં વિત્યું હતું. ઉચ્ચ અભ્યાસઅર્થે તેમણે રાજકોટની રાજકુમાર કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. અભ્યાસની સાથે સાથે નાગાર્જુન સીસોદીયાએ ઇતિહાસ, લોકસાહિત્ય અને રાષ્ટ્રપ્રેમનું ખુબ વાંચન કર્યું હતું જેના ફળસ્વરૂપે તેમનામાં વતન અને રાષ્ટ્ર માટેકંઇક કરી છુટવાની ભાવના જન્મી હતી. આર્મી ઓફીસ તરીકે પ્રવેશ મેળવવા માટે નેશનલ ડીફેન્સ એકેડમી (એન.ડી.એ.) નીપ્રવેશ પરીક્ષા પ્રથમ પ્રયાસે જ પાસ કરનાર નાગાર્જુન સીસોદીયાએ આકરી અને કઠોર ટ્રેનિંગ લીધા પછી વિશેષ તાલીમ અર્થે તેમને પુના ખાતે આર્મી ઓફીસર ટ્રેનીંગ સેન્ટરમાં ભરતી કરવામાં આવ્યા હતા.

શહીદવીર નાગાર્જુન સીસોદીયાએ નેશનલ ડીફેન્સ એકેડમીમાં ઓફસર તરીકે ટ્રેનીંગ લીધા પછી તેમનું આર્મી ઓફીસર તરીકે પોસ્ટીંગ ગુરખા રેજીમેન્ટની ઇન્ટેલીજન્સ વીંગમાં સેકન્ડ લેફટનન્ટ તરીકે કાશ્મીરના છામ્બ મોરચેથયું હતું ૧૯ વર્ષના નવલોહિયા યુવા નાગાર્જુનને શીરે દુશ્મન દેશ પાકિસ્તાનની આર્મી દ્વારા સરહદ પર થઇ રહેલી ગતિવિધીઓ ઉપર બાજનજર રાખીને આર્મીના ઉચ્ચ અધિકારીઓને પળપળથી વાકેફ રાખવાનું કપરૂ કામ સોંપવામાં આવ્યું હતું જેમાં નાગાર્જુને આ કામ બખૂબી નિભાવીને આપણી સરહદની રક્ષા કરી હતી.

(12:50 pm IST)