Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

ભાણવડમાં કંપનીની ડુપ્લીકેટ તમાકુ બીડીનું વેચાણ કરતા વેપારી સામે ફરીયાદ : જૂનાગઢના અન્ય એક શખ્સનું નામ પણ ખુલ્યુ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળીયા, તા.૧૧: ભાણવડમાં એક એજન્સીની દુકાનમાં ખાનગી કંપની ઓરીજનલ કંપનીની બીડીના બદલે ડુપ્લીકેટનું વેચાણ કરતા એક વેપારી સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ પ્રકરણમાં જૂનાગઢ ખાતે રહેતા અન્ય એક શખ્સનું નામ પણ ખુલવા પામ્યું છે.

આ અંગે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે રહેતા જીતેન્દ્રભાઈ બાલકિશનભાઈ જેઠવા નામના ૩૫ વર્ષના એક યુવાને ભાણવડમાં રણજીતપરા વિસ્તારમાં આદર્શ સેલ્સ એજન્સી નામની દુકાન ધરાવતા અને ઉમિયા પાર્ક વિસ્તારમાં રહેતા અમિત મનસુખભાઈ બચુભાઈ પતાણી નામના ૪૦ વર્ષના યુવાન સામે ભાણવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ભાણવડના વેપારી અમિતભાઈએ પોતાની આદર્શ સેલ્સ એજન્સી દુકાનમાં ડુપ્લીકેટ તમાકુ બીડીનો જથ્થો રાખી અને ગ્રાહકોને ઓરીજનલ કંપની બીડી આપવાને બદલે તેના જેવા ચિન્હો અને પેકિંગનો દુરુપયોગ કરી અને ગ્રાહકોને ડુપ્લીકેટ તમાકુ બીડીનું વેંચાણ કરી, અને તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવતી હતી.

આમ, રજિસ્ટર્ડ કંપનીના ટ્રેડમાર્કનો ડુપ્લીકેટ તમાકુ બીડીના વેચાણમાં ઉપયોગ કરી, વેંચાણ કરવા આવતું હોવાથી આ એજન્સીમાં ડુપ્લીકેટ બીડીનો રૂપિયા ૬૫,૨૩૦ નો મુદ્દામાલ રાખવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં જૂનાગઢ ખાતે રહેતા રસિકભાઈ નામના એક લોહાણા શખ્સનું પણ નામ જાહેર થયું છે. જેથી ભાણવડ પોલીસે આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૨૭૨, ૨૭૩, ૪૮૬ તથા ૧૧૪ અને કોપી રાઈટ એકટની કલમ મુજબ ગુનો નોંધી, અમિત પતાણીની અટકાયત કરી હતી. જયારે જૂનાગઢના રસિકભાઈને પણ ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. 

(12:02 pm IST)