Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

સુરેન્દ્રનગર શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખના મકાનમાંથી ૮૧૬ બોટલ દારૂ પકડાયો

પ્રમુખ અને તેના સગાભાઇના ઘરે પોલીસના દરોડા : પોલીસે ૨.૪૪ લાખનો દારૂ, ૬૪ હજારનો બિયર, બોલેરો સહિત ૮.૦૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો : પ્રમુખ સહિત બંને ફરાર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૧ : સુરેન્દ્રનગરના આબેડકરનગર-૧માં શહેર ભાજપ અનુસુચિત જાતિના મોરચાના પ્રમુખ બોટી ઉર્ફે હિતેશ કનુભાઇ દુલેરા અને તેના સગા ભાઇના મકાનમાં પોલીસે દરોડા પાડીને દારૂની ૮૧૬ બોટલ ઝડપી પાડી હતી. દારૂ, બિયર સહિત ૮.૦૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ દરોડા બાદ બંને સગાભાઇઓ નાસી છૂટયા હતા.

સુરેન્દ્રનગર સિટી બી.ડિવિઝન પોલીસના પી.એસ.આઈ એસ.બી. સોલંકી, તથા સ્ટાફે બાતમીના આધારે આંબેડકરનગર-૧, હનુમાન મંદિર પાસેની ગલીમાં રેલ્વે પાટા પાસે,શહેર ભાજપ અનુ.જાતી મોરચાના પ્રમુખ બોટી ઉર્ફે હિતેશ કનુભાઈ દુલેરા અને રવિ કનુભાઈ દુલેરાના રહેણાંક મકાનના પાછળના દરવાજા પાસેની ચોકડીમાં દરોડો પાડતા બોલેરો કારમાંથી અંગ્રેજી દારૂની રૂ. ૨,૪૪,૮૦૦ ની કિંમતની ૮૧૬ બોટલો, તથા બિયર રૂ. ૬૪૮૦૦ની કિંમતના ૬૪૮ ટીન સહીત રૂ. ૩,૦૯,૬૦૦ નો દારૂ - બિયર ઝડપી લીધો હતો.

પોલીસે કાર સહિત રૂ. ૮,૦૯,૬૦૦ નો મુદામાલ કબજે કરીને નાસી છુટેલા બોટી ઉર્ફે હિતેશ તથા અન્યો સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.

(10:55 am IST)