Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

ગોંડલ ગચ્છ ગાદીપતિ

પૂ. ગીરીશમુનીજીની ૭૦મી દીક્ષા જયંતીઃ ગોંડલ સંઘમાં આજથી ત્રિ-દિવસીય ઉજવણી

સદ્ગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સા. તથા પૂ. મહાસતીવૃંદનું મંગલ સાનિધ્ય

રાજકોટ, તા. ૧૧ :. ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ. ગુરૂદેવ શ્રી ગિરિશચંદ્રજી સ્વામીના સુશિષ્ય મહામંત્રી પ્રભાવક પૂ. શ્રી જગદીશમુનિ મ.સા.ના શિષ્યરત્ન સદગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મ.સા. તથા મહાસતીવૃંદના મંગલ સાનિધ્યમાં ગોંડલ ગચ્છ ગાદીપતિ પૂ. ગિરિશચંદ્રજી સ્વામીની ૭૦મી દીક્ષા જયંતિ તપ-ત્યાગ-સંવર સાધના જપ-સાધનાથી ભવ્યાતિભવ્ય ગોંડલ નવાગઢ સ્થા. જૈન સંઘ ગોંડલમાં તા. ૧૧ થી તા. ૧૩ સુધી ઉજવવામાં આવશે.

તા. ૧૧થી તા. ૧૩ સુધી ત્રણ આયંબિલ કરાવવામાં આવશે. જેમાં અનેક તપ આરાધકો જોડાશે. પ્રવચન, જાપ, દેવસીય પ્રતિક્રમણ, ત્રિરંગી સામાયિક, દ્વિરંગી સામયિક આદિ આરાધનાઓ કરાવવામાં આવશે.

સર્વ તપ-જપ-સંવર આરાધનાઓ અનુમોદક માતુશ્રી જમકુબેન મણિલાલ કાનજી શેઠ પરિવાર ગોમટાવાળા તથા માતુશ્રી હંસાબેન રતિલાલ શાહ પરિવાર હસ્તે ગોંડલ સંઘના માનદ ટ્રસ્ટી રજનીભાઈ શાહ પરિવાર આ બન્ને પરિવારે લાભ લીધેલ છે.

સદગુરૂદેવ પૂ. પારસમુની મ.સા. એ જણાવેલ કે રત્નકુક્ષિણીમાતા જમકુબેન, પૂણ્યશાળી પિતા મણિભાઈને ત્યાં પાંચમાં પુત્રરત્નરૂપે જન્મ થયો. બાળકનું નામ ભૂપત રાખવામાં આવ્યું. ગોમટા ગામ ગોંડલની બાજુમાં તે ભૂમિ પાવન બની. શેઠ પરિવારના પૂણ્ય છલકાયા. વિ.સં. ૧૯૮૪ ચૈત્રસુદ નોમના જન્મ થયો. ભૂ એટલે પૃથ્વી ધરા, તપ એટલે સ્વામી, પૃથ્વીના સ્વામી પુત્રના લક્ષણ પારણામાં એ ઉકિત અનુસાર શીશુ વયથી જ ભૂપતભાઈના આંતરિક ગુણો વિકસીત થતા જતા હતા. બાળપણથી જ ધર્મનિષ્ઠા, ઉદાર, સરળ સમકિતભાવવાળી વૃત્તિ તેમજ પરગજુ પ્રેમાળ અને પરોપકારી હતા.

ગિરિગુરૂભકતો આજે પણ ગુરૂગુણમય ગાથાના ગાન કરે છે. ગુરૂદેવના પરિવારજનો આ અવસરે અનુમોદનાનો લાભ લઈને ગુરૂદેવ પ્રત્યેનો ઉપકાર ભાવ વ્યકત કરે છે તે બદલ શેઠ અને શાહ પરિવારને સાધુવાદ.

(10:29 am IST)