Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

કોરોનાની સંભવિત ત્રીજી લહેર ઓમિક્રોન સામે પૂર્વ તૈયારીઓ સાથે કચ્છ જિલ્લો સજ્જ

પ્રભારી સચિવ હર્ષદ પટેલે કરી સમીક્ષા : ૨૪૨૪ ઓકિસજન બેડ, ૪૧૦ આઇસીયુ બેડ, ૫૧ મે. ટન ઓકિસજનનું ઉત્પાદન સાથેની આરોગ્ય સુવિધા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૧ : હવે ઓમિક્રોન વાયરસ સાથે કોરોનાની ત્રીજી લહેરની વ્યકત થઈ રહેલ શકયતાને પગલે કેન્દ્ર અને રાજય સરકારે આગોતરા પગલાં ભરવાનું શરૂ કર્યું છે.

કચ્છ જિલ્લામાં પ્રભારી સચિવ હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને રસીકરણ અંગેની કામગીરી તેમજ કોરોનાની સંભવિત ત્રીજી લહેર સંદર્ભે પૂર્વ તૈયારી અંગેની સમીક્ષા બેઠક ભુજની કલેકટર-કચેરી ખાતે યોજાઇ હતી. પ્રભારી સચિવ હર્ષદ પટેલે વહીવટીતંત્ર સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે, સંભવિત કોરોનાની ત્રીજી લહેરની પૂર્વ તૈયારીના ભાગરૂપે કચ્છમાં આરોગ્ય તંત્ર દ્વારા અપાયેલા રસીકરણના પ્રથમ ડોઝ અને બીજા ડોઝની સંખ્યા વગેરે વિશે જાણકારી મેળવી આ અંગે વધુ ચર્ચા કરી જરૂરી સુચનો કર્યા હતા.

ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં સર્વે કરી રસીનો બીજો ડોઝ બાકી હોવાના કારણો જાણી ગામ તેમજ વોર્ડ મુજબ ટાર્ગેટ કરી રસીકરણ માટે ફોલોઅપ લેવા સુચના આપી હતી.

કલેકટર પ્રવિણા ડી.કે.એ જિલ્લા આરોગ્ય તંત્ર તેમજ વહીવટી તંત્ર દ્વારા કોરોના તેમજ રસીકરણ સંદર્ભે લેવાયેલા પગલા વિશે છણાવટ કરી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢકે આ વિશે વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે, કચ્છમાં પ્રથમ ડોઝની ૯૦% જેટલી કામગીરી પુર્ણ થયેલી છે જયારે તેની સામે બીજા ડોઝ માટે એલિજીબલ લોકોમાંથી ૮૬% લોકોને બીજો ડોઝ અપાઇ ચુકયો છે જયારે બાકીના ૧૪%ના લક્ષ્યાંકને પહોંચી વળવા આરોગ્ય તંત્ર દ્વારા સઘન પ્રયાસો કરાઇ રહ્યા છે.

આ ઉપરાંત કોરોનાની ત્રીજી લહેર કે ઓમિક્રોન અંગે પુર્વ તૈયારીની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, ત્રીજી લહેર માટે તંત્ર સજ્જ છે નિયમિત ૩૬૦૦ આર.ટી.પી.સી.આર. ટેસ્ટ, ૫૧ મેટ્રિક ટન ઓકિસજન ઉત્પાદન, ૪૧૦ આઇ.સી.યુ. બેડ, ૨૪૨૪ ઓકિસજન બેડ તેમજ પુરતા સ્ટાફ સાથેની તૈયારીઓ સાથે કચ્છ કોરોનાને ટક્કર આપવા સક્ષમ છે તેમ જણાવ્યું હતું.

આ ઉપરાંત હર્ષદ પટેલે જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, અધિક નિવાસી કલેકટરશ્રી હનુમંતસિંહ જાડેજા તેમજ સંલગ્ન તમામ વિભાગના અધિકારી-કર્મચારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

(10:45 am IST)