Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

બગસરા પંથકમાં આતંક મચાવનાર માનવ ભક્ષી દીપડાને ઠાર મરાયો

બગસરા ::: છેલ્લા ઘણા સમયથી બગસરા પંથકમાં આતંક મચાવનાર માનવભક્ષી દીપડાને ઠાર મારવામાં આવ્યો છે. વન વિભાગે બગસરા ગૌશાળામાં દીપડાને ઠાર કર્યો છે. હાલ દીપડાના મૃતદેહને જસાધર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને ત્યારબાદ દીપડો માનવભક્ષી છે કે નહીં તે અંગે પરીક્ષણ કરવામાં આવશે. આજે સવારે સીસીટીવીમાં જોવા મળ્યા હતા એ જ 2 દીપડા પૈકી એક દીપડો વનવિભાગના શાર્પશૂટરે ઠાર કર્યો છે. જેના માટે વન વિભાગ દ્વારા ગૌશાળામાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ બીજો દીપડો પણ અહીં આવે તેવું વનવિભાગ અનુમાન છે.

દીપડાને ઠાર કર્યો હોવાના અહેવાલોની અમરેલી જિલ્લા કલેક્ટર આયુષ ઓકે પુષ્ટી કરતા જણાવ્યું કે, આ અંગે બગસરાની ગૌશાળામાં સવારે મારણ કર્યું તું એ જ પરત મારણ કરવા આવે એવી શક્યતાને પગલે વોચ ગોઠવી હતી. સાંજના સાડા છથી સાત વાગ્યાની વચ્ચે દીપડો આવતા તેને પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ દીપડાએ વળતો હુમલો કરતા તેને ઠાર મારવામાં આવ્યો છે. દીપડાની ઉંમર સાત વર્ષ હતી. આ દીપડો આદમખોર હોવાની શંકા છે. જ્યારે ધારા 144 અંગે વન વિભાગના અહેવાલ બાદ નિર્ણય લેવામાં આવશે.
 

આ પહેલા 7 ડિસેમ્બરના રોજ વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવી 6 ટીમો કામે લગાવી હતી. તેમજ એક 3 CCF(ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ), 4 DFO(ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર) અને 150 વન કર્મી અને 10 શૂટરની ટીમ મેદાનમાં ઉતારી હતી. આમ પાંચ દિવસ બાદ વન વિભાગ માનવભક્ષી દીપડાને ઠાર કરવામાં સફળ રહ્યું છે.


બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે પાંચ ડિસેમ્બરની રાત્રે વાડીએ પાણી વાળવા ગયેલા 44 વર્ષીય વજુભાઈ ધનજીભાઈ બોરડને દીપડાએ હુમલો કરી ફાડી ખાધા હતા. ત્યાર બાદ 7 ડિસેમ્બરે બગસરાના સીમ વિસ્તારમાં છગનભાઈ ધીરાભાઈ (ઉ.વ.40)નામના ખેતમજૂરને પણ દીપડાએ ફાડી ખાતા સમગ્ર રાજ્યના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. જેને પગલે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ શનિવારે હાથમાં બંધુક લઈ દીપડાઓને ભડાકે દેવાની ચીમકી ઉચ્ચારી હતી. આ ઘટનાક્રમ વચ્ચે દીપડાઓને દેખો ત્યાં ઠાર કરવા માટે સરકારે કડક સૂચના આપી હતી. 

(10:13 pm IST)